સોરઠી સંત આપા દાના ભાગ 1, પોતાની જીભથી ચાટીને એક બાળકીની માથાની ઉંદરી કરી હતી દૂર.

0
522

પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદપર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતા, દુ:ખીયાં, અપંગ, આંધળાં, વાંઝીયાં, તમામ આવીને એની દુવા માગતાં. એમાં એક કાઠીઆણી, માથે ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો, અને આપાની પાસે આવી ઉભી રહી. ભગતે પડખે બેઠેલાઓને પુછ્યું કે,

“આ બોન કોણ છે ભાઇ ? ”

“બાપુ, કાળા ખાચરને ઘેરેથી આઇ છે. કાળા ખાચર દેવ થઇ ગયા છે, ને સત્તર વરસ થયાં આઇ આ છોકરાને ઉછેરે છે.”

“તે છોકરાને દોરે છે કાં ?”

“બાપુ, છોકરાને બેય આંખે જન્મથી અંધાપો છે.”

“છોકરાનું નામ ?”

“નામ દાનો.”

“આંહી આવ બાપ દાના ખાચર. તારી આંખ્યું જોઉં બાપ !” ​

દાનો થડમાં આવ્યો, પડખામાં બેસારીને ભગતે આંખો તપાસી. પછી નાનું છોકરૂં દાંત કાઢે તેવી રીતે ખડખડાટ હસીને બોલ્યા “બાપ દાના ! આટલાં વરસથી ઢોંગ કરીને બિચારી રંડવાળ માને શીદ સંતાપી ? તારી આંખ્યુંનાં રતન તો આબાદ છે ભાઇ ! તુ આંધળો શેનો ? દહલીમાં (દિલ્લી) ઘોડાં દોડતાં હોય ઇ યે તું ભાળછ, તારી નજરૂં તો નવ ખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉધાડ બાપ ! તારે તો હજી કૈંકને દુનિયામાં દેખતાં કરવાનાં છે ઇ કાં ભૂલી જા ?”

દાનાએ આંખો ઉઘાડી. પોપચાંના પડદા ઉંચા થયા. જગતનું અજવાળું આજ અવતાર ધરીને પહેલી વાર દીઠું. આંખમાં જ્યોત રમવા લાગી. માતા સામે, સગાં વ્હાલાં સામે, ચારે કોર નજર ફેરવી. ત્યાં ભગત બોલ્યા:

“બાપ, ઉંચે ઇશ્વર સામુ જોયું ?”

દાનાએ ગગનમાં નજર માંડી. ઇશ્વર પ્રત્યે હાથ જોડ્યા. બાવીસ વરસનાં ભર જોબન, અને સંસારનાં સુખ માણવાની લાલસા: માની પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવઃ બધું ય સર્પની કાંચળીની માફક, પલવારમાં અંગ ઉપરથી ઉતરી ગયાં. દાનાના મુખ મંડળ ઉપર ભગવા રંગની ભભક ઉઠી આવી. એણે જાદરાના પગ ઝાલી એટલું જ કહ્યું કે “બાપુ ! હવે મારે ઘેરે નથી જાવું. તમારી સાથે જ આવવું છે.”

“માડી ! એક વાર ઘરે તો હાલ્ય. તારાં લૂગડાં બાંધી દઉં.” બેબાકળી માતાએ દીકરાને બોલાવ્યો.

“હા હા, બાપ દાના ! ઘેરે જઇ આવ. પછી તું તારે જગ્યામાં હાલ્યો આવજે.”

​“બાપુ ! મા ! મારૂં ઘર મેં ગોતી લીધું છે. હવે મારે કાંઇ પોટલું બાંધવું નથી. મારે તો મારે સાચે ઘેરે જ જાવાનું પરિયાણ છે.”

માની આંખમાં દડ ! દડ ! પાણી પડવા માંડ્યાં જાદરા ભગતે માને કહ્યું કે “ આઇ ! આંસુ પાડછ ? કાઠીયાણી થઇને ? એકાંદ સાંતી જમીનનાં ઢેફાં સારૂ તારો દીકરો ધીંગાણે કામ આવત, તે વખતે તું આંસુ ન પાડત. અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઇ રહી છો મા ? છાની રે’.”

જુવાન દાનાએ ભગવા પહેર્યા. ગુરૂની આજ્ઞા મળી કે “બાપ ! કામધેનુની ચાકરી કરવા મંડી જા.”

આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો. અધરાતે પહર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે. ભમી ભમીને કૂણા ધાટાં ખડવાળી ખીણો ગોત્યા કરે છે. ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી જગ્યામાં આણે છે. પોતે જ તમામ ધેનુઓને દોવે છે. ગમાણમાંથી વાસીદાં વાળી, છાણના સૂંડા માથે ઉપાડી, રેગાડે નીતરતો જુવાન જોગી છાણાં થાપે છે. વળી પાછો ગાયો ધોળીને સીમમાં કોઈએ ન દીઠાં હોય એવાં ખડનાં સ્થાનો ઉપર જઈ પહોંચે છે.

પાણીનાં મોટા મોટા ધરામાં ધેનુઓને ધમારી, વડલાની ઘટા હેઠે બેસારી, કોઈના ગળાં ખજવાળતો, કોઇની રૂવાટીમાંથી ઝીણી ઈતરડીઓ કાઢતો. કોઈની બગાંઓ પકડતો, કોઇનાં કંઠે બાંધવા માટે ફુમકાં ગૂંથતો, ને કોઇની ખરીએ ને શીંગડીએ, એરંડી વાટીને તેલ ચોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામધેનુઓને મસ્ત બની વાગોળતી જોતો, ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો. નેત્રો ઘેઘૂર બની જતાં અને ગળું ગુંજવા લાગતું કે ​

“આજો ગગનથી લેહેરું રે આવે

ઝીણાં ઝીણાં મોતીડાં અઝ૨ ઝરે રે.”

ગુરૂ જાદરા ભગતે સમાત લીધી. અને પછી પાંચાળમાં દુકાળ પડ્યો. સેંજળ લીલી સોરઠ ધરાનાં દર્શન માટે જુવાન દાનો ધેનુઓનું ધણ ઘોળીને થાનથી ચાલી નીકળ્યો. આવીને એણે ગિરકાંઠાના કાઠીઆઇ ગામ ગરમલીની સીમમાં ઉતારો નાખ્યો. ત્યાંથી માતાજીઓને (ગાયોને) તુલસીશ્યામ તરફ ધોળી ગિરના ડુંગરામાં ગાયોને આંટા દેવરાવ્યા. તુલસીશ્યામ તો વંકે ડુંગરે વીંટળાયલું, સજીવન ઝરણાંથી શોભતું, તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુ-ધામ હતું. પરંતુ આપા દાનાનો જીવ ત્યાં ન ઠર્યો, ત્યાંથી નીકળીને જેનગર ગામમાં પહોચ્યા. ટીંબો સજીવન દીઠો. ગામના ગોવાળોને પૂછ્યું કે “ભાઈ રાયકા, આંહી રહું ?”

“રો’ને ભા ! અમારે ક્યાં ખડ વાઢીને ખવરાવવું પડે છે?” ગોવાળોની હેતપ્રીત દેખીને ભગતનો જીવ ગોઠિયો. ભગત ગાયો ચારવા લાગ્યા. એક દિવસ પ્રભાતે ગોવાળો ગામને પાદર ટોળે વળીને ઉભા છે જાણે કોઈનું છોકરૂં મરી ગયેલું હોય, એવા અફસોસમાં સહુ એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી તેને ચોપાસ વીંટીને ઉભા છે. અંદરો અંદર વાતો થાય છે કે “કયે પાપીએ પીપળાની ડાળ કાપી નાખી ?”

“માતાજીયું ને વિશ્રામ લેવાની શીળી છાંયડી ખંડિત થઈ ગઈ.”

“અને પંખીડાંનાં લીલાં બેસણાં તૂટ્યાં.”

પીપળો તો પાદરનું રૂપ હતો. એની ડાળ માથે ઘા પડ્યો, એ તો જાણે માલધારીઓના માથા પર વાગ્યો હતો. ​આમ અફસોસ થઇ રહ્યો છે, ત્યાં આપો દાનો આવી પહોંચ્યા. પીપળો વઢાયાની વાત એને પણ કહેવામાં આવી.

“ભણેં બાપ રાયકાઓ ! ” આપો બોલ્યા, “યામાં કાણું થઉ ગો” ! ડાળ્યને ભોંમાં ફરીવાર વાવુ દ્યો ને ! એકને સાટે બે પીપળા થાહે !”

“અરે આપા ! “ માલધારીઓ હસવા લાગ્યા, “પીપર, વડલો, કે આંબો, ઈ સંધાયની ડાળ્ય વાવીએ તો ઉગે, પણ કાંઇ પીપળાની ડાળ્ય તે ફરીવાર ચોંટે ભગત ?”

“કાણા સાટુ નો ચોંટે બાપ ? સીંધાયની જેમ પીપળાની ડાળ્ય સોત ઉગે ! ઠાકરને ઘરે ઈમાં ભેદ હોવે નહિ. માટે ઠાકરનો નામ લઉને વાવું દ્યો ભા ! હાલો, ખોદો ખાડો.”

ખાડો ખોદાયો તેમાં ભગતે ડાળ રોપી. ઉપર ધૂળ વાળી ખામણું કરીને દરરોજ પોતે જ પાણી સીંચવા લાગ્યા. દિવસ જતાં ઝપાટાભેર ડાળ કોળી, પાંદડાંની ઘટા બંધાઈ ગઈ. ચળકતાં પાંદડાં ચંદ્ર સૂરજનાં તેજ ઝીલીને રાત દિવસ હસવા લાગ્યાં. ડાળ્યે ડાળ્યે પંખીડે માળા નાખ્યા. આજે પણ એ પીપળો ઉભો છે.

જેનગર છોડ્યું. ફરીવાર ગાયો ઘોળીને ગરમલી આવ્યા.

બપોરને ટાણે સૂરજ ધખ્યો છે. ગોંદરે ઝાડવાને છાંયે પોતે ગા’ના ડીલનો તકીયો કરીને બેઠા છે, ત્યાં સામે એક કણબીની છોકરીને દેખી. છોકરીએ માથા ઉપર મોશલો ઓઢેલ છે. દાંત ભીંસીને બે હાથે માથુ ખજવાળે છે. માથામાં કાળી લા’ લાગી હોય તેમ ચીસે ચીસો પાડે છે. છોકરીથી ક્યાંયે રહેવાતું નથી.
જુવાન દાનો ઉઠીને એની પાસે ગયો, પૂછ્યું “ભણેં બાપ ! કેવા સારૂ રાડ્યું પાડતી સો ! ” ​પણ જવાબ આપવાનો સમય છોકરીને નહોતો. એ તો માથુ ઢસડળતી જ રહી.

“માથામાં કાણું થ્યો છે બાપ ! મુ હેં જોવા તો દે !”

એટલું બોલીને એણે છોકરીના માથા પરથી કુંચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઉંદરીથી ગદગદી ગયું છે. અંદર જીવાત્ય ખદબદે છે. પાસ પરુના રેગાડા ચાલ્યા જાય છે. વાળનું નામ નિશાન પણ નથી રહ્યું.

આપા દાનાનું અંતર આ નાની દીકરીનું દુ:ખ દેખીને ઓગળી ગયું. એને એકેય દવા આવડતી નહોતી. દવા વિચારવાની ધીરજ પણ ન રહે એવો કરૂણ એ દેખાવ હતો.

“ઠાકર ! ઠાકર ! દીકરીની જાત્યને આવડો દ:ખ !”

એટલું બોલીને એણે છોડીનું માથુ ઝાલી લીધુ. હાથ પકડી લીધા, અને પોતાની જીભ વતી એ આખા માથાને ચાટ્યું; એક વાર, બે વાર, ને ત્રણ વાર ચાટ્યું.
છોડીને માથામાં જાણે ઉંડી ટાઢક વળી ગઈ. એની ચીસો અટકી ગઈ. માથે હાથ ફેરવતાં જ ગૂમડાંનાં ભીંગડા ટપોટપ નીચે ખરી પડ્યાં. અને થોડા દિવસમાં તો એ ફુલ સરીખા માથા ઉપર કાળા કાળા વાળના કોંટા ફુટી નીકળ્યા.

છોકરીએ ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું. બાપુના પગ ઝાલી લીધા. બાપુના મ્હોં સામે મીટ માંડી રહી. ભગતના નેત્રોમાંથી તો દયાની અમૃત-ધારાઓ વરસી રહી છે.

લાંબી સુંવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખેાળામાં પડીને પુછે છે – “હેં બાપુ ! ઓલી મારા માથાની ઉંદરી ક્યાં ગઈ ? ”
“બેટા ! ઈ તો હું ખાઈ ગો !” એમ કહીને ભોળીઓ ભગત દાંત કાઢે છે.

– ઝવેરચંદ મેઘાણી – સોરઠી સંતો.