સોરઠી સંત આપા દાના ભાગ 2, આપા દાનાએ દુકાળના સમયે કરી હતી લોકોની મદદ, વાંચો તેમની સ્ટોરી.

0
602

ગાયુંની તો ચાકરી કરી રહ્યો છું. પણ ગરીબ ગુરબાં, ને સાધુ સંત મારે આંગણેથી અન્ન જળ વિના જાય છે. ઠાકર ઇ કેમ ખમશે? ભગતે સદાવ્રત વહેતું કર્યું. દાણાની ટેલ નાખીને અનાજ ભેળું કરવા માંડ્યું. ગામ લોકોએ દળી ભરડી દેવાનું પણ માથે લીધું. ગરીબ ગુરબાં, લુલાં પાંગળાં, ઘરડાં બુઢ્ઢાં, તેમજ મુસાફર સાધુ બાવાઓને દાળ રોટલા આપવા લાગ્યા. એક પણ અન્નનું ક્ષુધાર્થી ભૂખ્યે પેટે પાછું જતું નથી. આપા દાનાનો રોટલો મુલકમાં છતો થવા લાગ્યો.

એમાં દુકાળ ફાટી નીકળ્યો. અનાજ ! અનાજ ! પોકારતો આખો દેશ હલક્યો. દાના ભગતને દ્વારે રાંધણાનો પાર ન રહ્યો. દાળનાં મોટાં રંધાડાં ને રોટલાની વીસ વીસ તાવડી ચાલવા લાગ્યાં. અનાજનાં ગાડાં આવી આવીને આપા દાનાની કોઠીએામાં ઠલવાય છે, પણ કોઇને ખબર નથી પડતી કે એ ક્યાંથી આવે છે ને કોણ મોકલે છે.

દેનાર તો ન થાક્યાં, પણ દળનાર ભરડનાર ગામ લોકો ગળે આવી ગયાં. ગામને બહુ ભીંસ પડવાથી લોકો બોલ્યાં કે “બાપુ ! ફક્ત બામણ સાધુને જ રોટલા આપો, બીજા કોઇને નહિ. નીકર અમે પોગી નહિ શકીએ. ” “અરે ભણેં બાપ !” ઓશીયાળા થઇને આપા દાના બોલ્યા, “હવે તમારે ગામને દળવો ય નહિ ને ભરડવો ય નહિ. લ્યો આ પાંચ કોરી. એના ચોખા લાવો, ને ગળ લાવો. આ માતાજીયું મળે છે તે માથે છાંટો છાંટો ધી દેશું, એટલે તમારે મારો હડચો ખમવો નહિ, ઠીક બાપ !” ​

દાળ રોટલાને બદલે ગોળ ચોખા ને ઘીનું સદાવ્રત વહેતું થયું. ચોખાનાં છાલકાં બહારથી આવતાં થયાં. ઠાકરે એ પાંચ કોરીના ચોખા ગોળમાં અખૂટ અમી સીંચી દીધાં. કોઈ દિવસ તૂટ આવી નહિ. કેમકે ભગતની આસ્થા કદિયે ડગી નહિ. ગરમલીથી ચાલીને એક દિવસ આપા દાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી. ત્યાં પણ ગોળ ચોખાનું અન્નક્ષેત્ર વહેતું કર્યું.

પોતાની ગાયો હાંકીને દાનો ભગત ગરમાં સીધાવ્યા છે. એક દિવસ કાળે બપોરે ગાયો તદ્દન નપાણીઆ મુલકમાં ઉતરી. માણસોએ બોકાસાં દીધાં દીધાં કે “ બાપુ ! પાણીની જોગવાઈ આટલામાં ક્યાંયે નથી.” “ભણેં લ્યો બાપ ! હું મોંગળ જઉને પાણીની તપાસ કરાં.” આટલું બોલીને ભગત ચાલી નીકળ્યા.

ગિરમાં દેવળા નામનું ગામ છે, ત્યાંની સીમમાં આવ્યા. જુવે તો ત્યાં દુકાળની મારી બે ત્રણ હજાર ગાયો દેશાવરથી ગિરમાં જવા ઉતરી પડેલી છે.

ખદબદ ! ખદબદ ! થાતી એટલી ગાયો પાણી વિના ટળવળે છે. પણ ગામમાં એવો મોટો પીયાવો નથી. ગાયોની શી ગતિ થશે એવા ઉચાટ કરતા ગામલોકો પાદરમાં ઉભા છે. આટલી ગાયો આપણે ટીંબે પાણી વિના પ્રાણ છાંડશે તો આપણે ઉજ્જડ થઈ જાશું, એવી બ્‍હીકે ગામની વસ્તી ગાયોનાં ભાંભરડાં દેતાં ઓશીયાળાં મ્હોં સામે જોઈ રહી છે.

ત્યાં બૂમ પડી કે “એ આપો દાનો દેખાય. ”

ભગત આવી પહોંચ્યા. ગામલોકોએ કહ્યું કે “ બાપુ ! આમ જુઓ.”

“કાં બાપ ! આ કાણું ?” ​

“બાપુ ! નવ લાખ ગાયું !”

“ઓહોહોહો ! નવ લાખ માતાજીયું ! ભણેં તવ્ય તો આ ગેાકળીયું ભણાય. આ તો નંદજીનો ગામ ગોકળ ! વાહ વાહ ! આ તો મોટી જાત્રા ભણાય.”

“અરે બાપુ ! નવે લાખ આંહી જ ઢળી પડશે. આંહી પાણી ન મળે.”

“પાણી ન મળે ? ઈં તે કેદિ હોવે બા ! માતાજીને પુન્ય પરતાપે ઠાકર પાણી મોકલ્યા વિના રે’ ખરો? ધરતી માતા તો સદાય અમીએ ભરી છે. કુડું ભણો મા ” એટલું બોલીને ભગતે ચારે બાજુ નજર કરી. અને એણે એક નાનો વાંકળો દીઠો.

“એ લ્યો બાપ ! ભણેં આ રહી નદી ! આસે તો નકરો પાણી જ ભર્યો છે ને શું !”

“અરે બાપુ ! ઈ તો ખોડું નેરડું, નકરી વેળુ. સાત માથોડેય પાણીનો છાંટો ન મળે.”

“ના બાપ, ઈવું ભણો મા. મંડો ખેાદવા. ગુપત ગંગા હાલી જાતી સે. હાં માળા બાપ ! સહુ સંપીને ઉધમ માંડો, એટલે ઠાકરને પાણી દીધા વન્યા છૂટકો જ નહિ. રોતલને કે દાળદરીને કાંઈ ઠાકર દેતો હોશે બાપા ?”

પોતે હાથ વતી વેકરો ખેાદવા લાગ્યા. હસતા હસતા ગામલોકો પણ મદદે વળગ્યા. ઘડીમાં તો ત્યાં વેકૂરની મોટી પાળ ચડી.

“એ જુઓ બાપ ! લીલો કળાણો !”

ભીનો વેકરો આવ્યો. કમર કમર જેટલું ખોદાણ કામ થયું. અને પાણી તબક્યું.

“હવે ખસુ જાવ બાપ ! અને માતાજીયું ને વાંભ કરુને બોલાવો. હવે ઠાકર પાણી નૈ દ્યે ને કિસે જાશે ?” ​

આંહી ગાયોને વાંભ દીધી, ને ત્યાં જાણે પાતાળ ફાટ્યું. છાતી સમાણો વીરડો મીઠે પાણીએ છલકાઈ ગયો. પાણીનું વ્હેન બંધાઈ ગયું. અને તરસે આંધળી બનેલી ગાયો પાણી ચસકાવવા લાગી.

ગાયોના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવવા ભગત કહેવા લાગ્યા કે “ભણેં માવડીયું ! કામધેનું ! આ તમારા પરતાપે પાણી નીકળ્યાં. જમનાજી છલક્યાં. પીવો ! ખૂબ પીવો !”

આજે પણ ‘નવલખો વીરડો’ નામે ઓળખાતું એ અખંડ જળાશય ચાલુ છે. એને લોકો ‘આપા દાનાનો વીરડો’ પણ કહે છે. થોડાં વર્ષો પર કોઈ ખેડુતે ત્યાં વાવેતર કરી, એ વીરડાનું પાણી વાળ્યું. એટલે લાખો પશુઓની તરસ છીપાવતાં એ અખૂટ પાણી થોડાં દિવસમાં જ ખૂટી ગયાં. વાવેતર બંધ થયું, એટલે ફરીવાર વીરડો ચાલુ થયો.

ભાવનગરથી ગધેડાં ઉપર ચોખાનાં છાલકાં ભરાવીને ભગત ચલાળા તરફ ચાલ્યા આવે છે. પોતે ઘોડી ઉપર ચડેલ છે, અને ગધેડાને જોગી લોકો હાંકતા આવે છે. ચૈત્ર વૈશાખના બપોર ચડ્યા છે. ઉની લૂ વાય છે. બરાબર પાડરશીંગાની સીમમાં આવતાં માર્ગે એક વાડીના ધોરીયામાં ગધેડાં પાણી પીવા ચડ્યાં.

વાડીનાં અખૂટ પાણી વહ્યાં આવે છે. અને ઉપર એક સામટા સાત કોસ જૂત્યા છે. ૭૦-૮૦ વીઘામાં ઉનાળાનો ચાસટીઓ ઉભો ઉભો અખંડ પાણી પી રહ્યો છે. અને નાની શી સારણ વહેતી હોય એવો ધોરીઓ ચાલી રહ્યો છે. આમ છતાં યે ગધેડાં જ્યાં ધોરીયામાં મોઢું નાખવા જાય છે ત્યાં તો વાડીમાંથી ચહકા થયા. સાતે કોશીયાએ કોસ ઉભા રાખીને હાથમાં પરોણા લઈ દોટ દીધી. ગાળોની ત્રમઝટ બોલાવતા. બોલાવતા ગધેડાંના મોઢાં ઉપર પરોણાની પ્રાછટ દીધી. ​

“અરે ભણેં બાપ !” દાનો ભગત આ ત્રાસ જોઈને બોલ્યા, “બાપડાં પશુડાં તરસ્યાં છે, યાને પાણી પીવા દ્યો ને ! કાણા સારૂ વારતા સો ?”

“મારે નહિ ત્યારે શું ચાટે ? કાંઈ તારાં ગધેડાંને પાણી પાવા સાટુ કોસ જોડ્યા છે ? કાળ વરસનું પાણી ક્યાં વધારાનું છે ?”

“અરે ભણેં બાપ ! પાણીનો તૂટો કેવાનો ? આ સાત કોસ વહેતા સે ને ?”

“તે તારા જેવા મફતીઆ સાટુ કોસ નથી જોડ્યા, બાવા ! હાલ્યો જા છાનોમુનો. પાણી નહિ પાવા દઈએ.”

“અરે ભણેં ભાઈ ! ઠાકરની પાસે તો સંધાય જીવડા સારખા. ઠાકરે તમુંહેં પાતાળ-પાણી દીનો સે ! શીદ આ ગભરૂના નિસાપા લેતા સા ! પીવા દીયો, પીવા દીયો, ઠાકર તમુંહેં ઝાઝો પાણી આપશે. ”

“હવે હાલ્યો જા ઠાકરના દીકરા ! પાણી નથી કૂવામાં. ”

પાણી નથી ! એટલો શબ્દ જ્યારે પાંચ વાર બોલાયો, ભગતના કાલાવાલા એળે ગયા, અને તરસ્યાં ગધેડાંનાં મ્હોં પર લાકડીએાનો માર જોઈ ન શકાયો. ત્યારે દૂભાઈને ભગત એટલું જ બોલ્યા કે “ભણેં ભાઈ ! હાંકો ગધેડાને. યાના કૂવામાં પાણી નસેં. હાંકો, મોંગળ આ સાતકોસી વાડી રહી. ઇસે પાશું !”
“હા હા ! જા, પડ્ય ઈ સાતકોસી વાડીમાં ?” એમ બોલીને ખેડુતોએ હાંસી કરી.

ભગત આગળ ચાલ્યા. પોતે જેની સામે આંગળી ચીંધાડીને બતાવી તે વાડી સાતકોસી તો નહોતી, પણ એકકોસી યે નહોતી.

વીસ પચીસ ક્યારામાં ચાસટીઓ કરીને એક ગરીબ ખેડુત પોતાના ડુકેલા બળદથી એક કોસ ચલાવે છે. દસ ક્યારા પીવે ત્યાં કૂવાનું તળીયું દેખાય છે. વળી બળદ છોડી નાખીને કણબી વાટ જોતો બેસે ત્યારે ઘણી વારે કોસ બુડવા જેટલું પાણી ભરાય છે. ​

એવી હાલત વાળા કુવા પર જઈને ભગતે સાદ કર્યો કે “ભણેં બાપ જોગીડાઓ ! ગધાડાંહીં આસેં આણો. આ સાતકોસીના ધોરીયામાં પાણી પાવ ! હાં બા૫ ૫ટલ ! કોસ કાઢવા મંડ્ય. તરસ્યા જીવડા પાણી પીને તોહેં દુવા દેશે. ”

દુ:ખી ખેડુત બોલ્યો “પણ બાપા ! કોસ પૂરો બુડતો યે નથી. શી રીતે કાઢું ?”

“ભણેં બાપ ! યામાં તો સેંજળ શેત્રુંજી હાલી જાતી સે. તું તારે કાઢવા માંડ્ય, તરસ્યાં જીવડાંની દુવાથી પાણી આવશે.”

ખેડુતે કોસ જોડ્યો. ગધેડાં પાણી પીવા લાગ્યા. પહેલો કોસ, અને બીજે કોસે તો બળદને અને થાળાને એક હાથનું છેટુ એાછું થયું, ત્રીજે, ચોથે, ને પાંચમો કોસ નીકળે, ત્યાં ઓ કૂવો અરધે સુધી ભરાયો. આંહી ગધેડાં ધરાયાં, ત્યાં ફૂવો છલકાયો.

“ જો ભણેં પટલ ! હું નોતો ભણતો, કે આ ગભરૂડાં જીવડાંની દુવાએં કરીને સારો થાય ! જે વાડીમાં પાણી વધુ ગો. આ કેની વાડી છે ?”

“બાપા ! આ વાડી ગોરખા ખુમાણની. ”

“અને ઓલી ?”

“અરેરે ! એની વાડીમાં પાણી ન મળે. કાણું કરવો?”

ગોરખા ખુમાણનો ખેાટો કૂવો જે વખતે સાત કોસી વાડી બને એટલો છલકાઈ ઉઠ્યો, તે વખતે પેલી સાતકોસી વાડીને તળીએ સાતે કોસ લાંબા થઈને સુઈ ગયા. સાત દુકાળે પણ અખૂટ રહે તેવાં એનાં નીર શોષાવા લાગ્યાં. કોસ પછડાય છે એવું લાગતાં કોસીઓ વાડીમાં નજર કરવા ગયો. જુવે છે કે કૂવાના ડારની અંદર થઈને તમામ પાણી પાતાળમાં ચાલ્યું જાય છે. ​ખેડુતો ગામમાં દોડયા, પોતાના જમીનદાર પાસે જઈ ચીસ પાડી કે “હે બાપુ ! વાડીમાં છાંટોય પાણી ન મળે !”

“શું થયુ ?”

“કો’ક કાઠીભગત આવ્યો’તો, અમે એનાં ગધેડાંને પાણી પાવા ન દીધું. એણે આપા ગોરખાને કૂવે પાણી પાયું. અટાણે ત્યાં વાડી છલકાય છે. ”

જમીનદારે તપાસ કરી. ખબર પડી કે એ કાઠી તો આપો દાનો : આપો દાનો ગામમાં રાત રહ્યા છે. જમીનદારે પગે જઈ હાથ નાખ્યા: પોકાર કર્યો કે “એ બાપા ! તમારી ગા ! મારી સાતકોસી ઉપર કાળો કેર ગુજર્યો. મારા છોકરાં રઝળ્યાં.”

“ભણેં બાપ ! હું કાણું કરાં ! ઈ કૂવો જ ખોટો છે.”

આજ પણ એ સાતકોસી વાડીનો ગંજાવર કૂવો ભાડ થઈને જ પડયો છે. અને ગોરખા ખુમાણની વાડી સાતકોસી બની છે.

– ઝવેરચંદ મેઘાણી (સોરઠી સંતો)