સોરઠી સંત આપા દાના ભાગ 3, અનાથ બાળકો માટે આકાશમાંથી ગંગાની ધારા વહાવી હતી આ સંતે.

0
431

“ભણે ગોર ! બાપ હવે આ બેય રાજગર છોરડા મોટા થઉ ગા ! અને હવે યાને નાતમાં લઉ લ્યો તો માળે માથેથો. ભાર ઉતરે. નીકર બચારા છેારડાને કેાઇ દીકરી નૈ દ્યે.”

“પણ બાપુ ! જગ્યાનો રોટલો ખાઇને ઇ તો વટલ્યા કહેવાય.”

“ ના ના, ભણેં બાપ ! મેં યાની દેહ નસેં વટલાવી. હિંદુસ્તાની સાધુને બામણીયે રસોડે જ યાને અમે જમાડતા. હુ ઠાકરની સાખે ભણતો સાં.”

​“ઠીક ભગત ! જોશું. ”

“અને વળી જરૂર હોવે તો હું તમાળી નાત્યને જમાડાં.”

“ના બાપુ ! ઇ દાખડો રેવા દ્યો. આંહી દેવળા ગામમાં હમણાં જ રાજગરની નાત્ય કારજ માથે ભેળી થાશે. ત્યાં તમે છોકરાને લઇ આવજો.”

પાંચ સાત વર્ષના બે રાજગર છોકરાઓ હતા. માબાપ સ્વર્ગલોક સિધાવ્યા છે. ગાયો મકોડા ચરે એવો દુકાળ પડ્યો. છોકરાને ન્યાતના કોઇ માણસે સંઘર્યા નહિ. એ નિરાધારોને આપા દાનાને આંગણે આધાર મળ્યો. પણ પોતે કાઠી હોવાથી છોકરાઓને ચોખ્ખે રસોડે જ જમાડી, પેટનાં બચ્ચાંની માફક મોટાં કર્યા. છોકરા ઉમ્મર લાયક થવાથી હવે આપાએ એને ન્યાતમાં લેવરાવવા મહેનત માંડી.

કારજ ટાણે પોતે દેવળા ગામે ગયા. જઇને રાજગર જ્ઞાતિના પટેલીઆઓને હાથ જોડી અરજ કરી કે “બાપ ! હવે યાને નાત્ય–ગંગામાં નવરાવું લ્યો.”

“ભલે બાપુ !” એટલું કહી બને છોકરાઓને જમણમાં જમવા લઇ ગયા. પણ સમજણા છોકરાઓએ ઉતારે આવીને બાપુને વાત કરી કે “બાપુ ! અમને તો નોખા બેસીને જમાડ્યા.”

ભગતે ફરી વાર ન્યાત-પટેલીઆને તેડાવીને વિનતિ કરી.

દુત્તા પટેલો બોલ્યા કે “ના, ના બાપુ ! છોકરાઓને તો વ્હેમ છે. અમે તો એને ભેળા જ બેસાર્યા’તા.”

“તવ્ય બાપ ! હું ભણાં ઇ કરો ! તમમાં મોટેરા હો ઇ યાની થાળીમાં જ જમુ લ્યો.” ભાણામાં ભેળા બેસીને જમી લ્યો ! એ વેણ સાંભળતાં જ આગેવાનો એક બીજા સામે જોવા લાગ્યા. ને છેવટે દંભનો અંતર્પટ ઉઘાડીને બોલ્યા કે “બાપુ ! એમ તો નહિ બને. છોકરાએાએ જગ્યાના રોટલા ખાઈને કાયા અભડાવી છે. માટે ગંગાજી ન્હાવા ગયા વગર ઉપાય નથી. ” ​

“ભણેં બાપ ! તવ્ય ઇં ચોક્ખો ચટ ભણું નાખોને ! ખુશીથી ગંગાજી નાઇ આવે. પછી કાંઇ ? ”

“પછી કાંઇ નહિ.”

જરા વાર વિચાર કરીને ભગત બોલ્યા કે “હેં બાપ ! ભણેં આ છોરડા બચારા ગરીબ છે, ગંગાજીએ પોગી ન શકે, અને સાટે ગંગાજી જ આસેં પધારૂને યાને નવરાવે તો કેમ ?”

બાવાની બેવકૂફી ઉપર બધા રાજગર મરક ! મરક ! હસવા લાગ્યા. તમાશો જોવાની વૃત્તિથી બોલ્યા કે “તો બહુ સારૂં.”

“વાહ વાહ ! એલા, કોઇ એક તાંસળી લાવજો તો !”

ભગતે તાંસળી મંગાવી. ઉભા થયા. બે હાથમાં તાંસળી ઝાલીને આકાશ સન્મુખ ધરી રાખી. પોતે આભ સામી મીટ માંડીને બોલ્યા કે “એ માડી ! તું તો અધમ-એાધારણી છો ! આભ મેલુને ધરતીનાં મળ ધોવા આવી છો. તું તો ભણેં માવડી ! ભગતુંની જીભને વશ છો. જો મા ! આ બેય છોરડા પવિતર જ રહ્યા હોય, તો તો તું આવીને યાને નવરાવું જાજે. ઈ બચાડા તાળી પાંસે પોગે એમ નસેં.”

એટલું ઉચ્ચારીને ભગત ઉભા રહ્યા. સહુ જુએ છે તેમ તાંસળી છલકાણી. ઉપરથી નિર્મળાં નીરની ધારાઓ છૂટી. અને ભગતે છોકરાને બોલાવ્યા “ભણેં છોરડાઓ ! બાપ હાલો, બેય જણ નાઇ લ્યો.”

છોકરા તરબોળ બની નહાયા. તો પણ ધારા ચાલુ છે. ભગતે સાદ દીધો કે “બાપ ! બીજા જેને નાવો હોઇ ઇ આવે ! ”

બીજા ઘણાએ સ્નાન કર્યું.

“હવે બાપ ! ભણેં હવે તો છોકરાઓને નહિ તારવો ને ?”

“ના.” ​પણ રાજગર ન્યાત ન માની. એણે તો કહ્યું કે “આપો તો કામણકૂટીઓ છે. ઇથી કાંઇ ગંગાજી આંહી આવી ગઇ? ઇ તો છોકરાએાએ ગંગાજીએ જઇ આવવું જ પડશે.”

તે દિવસે ન્યાતમાં છોકરાને તારવવામાં આવ્યા. એ વાત જાણીને ભગતનું દિલ ભેદાઈ ગયું. ઠાકર ! ઠાકર ! એમ બોલીને ભગતે નિશ્વાસ નાખ્યા. બપોર થયું ત્યાં તો બુમાબુમ ને દોડાદોડ થઈ પડી. રાજગરોએ આવીને ભગતના પગ ઝાલી લીધા. “બાપુ ! તમારી ગા’ ! કોઇ રીતે ઉગારો !”

“કાં બાપ ! કાણું થીયો ?”

“ન્યાતમાં જમનારા તમામને ઝાડો ને ઉલટી ચાલ્યાં છે. સૈાનું મોત સામે ઉભું છે. કોઇ રીતે ઉગારો !”

“ભણેં બાપ ! હું કાણું કરાં ! મેં કાંઇ મંતર દાણા છાંટ્યા નથ. મેં કાંઇ સરાપ નસેં દીનો. હું તો ગાયુનો ગરીબ ટેલવો સાં, બાપ ! માળો કાણું ઉપા’ !”

“બાપુ ! ઓલ્યા રાજગરના છોકરા…”

“હા બાપ! મારી આંતરડી કોચવાણી છે. બાકી મેં કાણું ય કામણ કર્યો નથ. છોરડાની કદુવા લાગી હોય, તો ઇ જાણે ને તમે જાણો !”

“બાપુ ! તમે કહો એમ કરીએ.”

“બાપ ! તો પછી ભણેં ઇ છોરડા રાંધે ને તમે સીંધા જમો.”

“ભલે બાપુ !”

“ભણે છોરડાઓ ! તમે રાંધુ જાણો છો ?”

“બાપુ ! અમને તો ચોખા રાંધતાં આવડે. બીજુ કાંઇ નહિ.”

છોકરાઓએ ભાત રાંધ્યા, ને એ ભાતે આખી ન્યાત જમી.

સંધ્યાની રૂંઝ્યો રડી ગઇ છે. અંધારાં ઉતરવા લાગ્યાં છે. તે ટાણે ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અંદર એક ગાડાખેડુ કાંટાની મોટી ઘાંસી પોતાના ગાડા ઉપર ચડાવવા મથે છે. પણ ભારે વજનની ઘાંસી કેમેય ચડતી નથી. બપોર દિવસથી મથ્યા કરતો એ આદમી આખરે અંધારૂ ઘોર થઈ ગયે થાક્યો, અને ઘાંસી ચડાવવા માટેનું લાકડું ફગાવી દીધું. ઘાંસીની એક બાજુ ગાડીનું ઠાઠું રાખ્યું, અને બીજી બાજુ પોતે કાંટામાં પોતાની કમર ભરાવી, જોર કરી, સાદ દીધો કે “એ આપા દાના ! ઘાંસી ચડાવજે ! ” જોર દીધું . ધાંસી ચડી ગઇ.

પોતાને એક પણ કાંટો વાગ્યો નહિ. પોતે ગાડું હાંકી ઘેર ગયો. પોતે દાના ભગતની જગ્યાનો હજામ હતો. નામ દાનો હતું. રોજની માફક આજ પણ રાતે એ ભગતના પગ ચાંપવા ચાલ્યો.

“ભણેં બાપ દાના ! મારા વાંસામાં બેક કાંટા છે તે કાઢું નાખજે !” ભગત બોલ્યા.

દીવો લઈને હજામ પોતાની નેરણી વતી કાંટા કાઢે છે, જુવે છે તો બે નહિ, પણ આખા વાંસામાં કાંટા હતા.

“બાપુ ! આટલા બધા કાંટા ક્યાં વાગ્યા ?”

“સીમમાં ભાઇ !”

“શી રીતે ?”

“તારી ઘાંસી ચડાવી ને, એ રીતે.”

“બાપુ ! તમે !” ​

“હું કેમ ન હોઉં બાપ ! તે મને સંભારીને સાદ કર્યો; તું મારી રોજ ચાકરી કરનારો: ને હું તારૂં વેણ કોક દિ’યે ન રાખું ભાઈ !”

“બાપુ ! મારી ભૂલ થઈ.”

“કાંઈ વાંધો નહિ બાપ ! સાધુનાં તો એ કામ છે.”

ચલાળા ગામમાં બે સોની ભાઈઓ અડોઅડ રહે છે. બન્નેના ઘર વચ્ચે એક જાળી છે. બન્નેને અદાવત છે. એક દિવસ એ બેમાંથી જે ગરીબડો ભાઈ હતો, તેનો ઘેાડો ફળીઆમાં બાંધ્યો બાંધ્યો, વચલી જાળીના સળીઆ વાટે પોતાનું મ્હોં નાખી જીભ ફેરવતો હતો. જાળીમાં બેઠેલા દ્વેષીલા સોનીએ પોતાના પાડોશીને હાનિ પહોંચાડવાનો ભારી લાગ જોયો. ધારદાર હથીઆર લઈને ઘોડાની જીભ કાપી નાખી. ચાર આંગળ જેટલો જીભનો ટુકડો લગભગ જૂદો થઈ જતાં તે લોહીલોહાણ ઘોડો જમીન પર પછડાટી ખાઈને તરફડવા લાગ્યો, વેદનાનો પાર ન રહ્યો.

ઘોડાના માલીકનું આખું ઘર એ ચીસો સાંભળીને દોડ્યું આવ્યું. ગરીબ માણસો પોતાના લાડકવાયા ઘોડાને આવી કરપીણ રીતે તરફડી મરતો જોઈ ચોધાર આંસુડે રોવા લાગ્યાં. છોકરાં ઘોડાને બાઝી પડ્યાં, ઘરનો માલીક આપા દાના ! આપા દાના ! એવા જાપ જપવા લાગ્યો. નાનું શું ગામ તુરત જગ્યામાં જાણ થઈ. ગામલોકોના દુઃખની જરાક પણ વાત જાણતાં દોડ્યા જનાર દાના ભગત જલ્દી સોનીને ઘેર પહોંચ્યા. ઘરનાં માણસો બાપુને દેખી પગે પડ્યાં. બોલ્યાં કે “બાપુ, અમારા ઘોડાની પીડા જોવાતી નથી.”

​“અરેરે ભાઈ ! આવો કાળો કામો કોણે કર્યો ! બાપડા અબોલ પશુ ઉપર આ જુલમ ! ભગવાન એનાં લેખાં લેશે ભાઈ ! પણ આ કટકા જીભની સાથે રેવી નો લેવાય ?”

“અરેરે બાપુ ! સેાનું રૂપુ રેવાય, પણ કાંઈ જીભ રેવાય !”

“પણ કાણા સાટુ નો રેવાય ? તું તો બાપ સેાની છે. તારો તો ઈ કસબ છે, લે ઝટ કર. ધઉંનો લોટ પલાળુને લાવો. તમારી ધમણી (ફૂંકણી) લાવો. લ્યો હું આ કટકો જીભ સાથે ઝાલી રાખું. અને તું બાપ ! આ લોટનો રેણ દઉ દે. ચારે ફરતો લોટ ચોંટાડુ, સાંધો કરૂ દે.”

લોટ ચોંટાડ્યો. “લે બાપા હવે આ ફૂંકણીથી ફૂંક તો ! સાંધો મળુ જાશે, લે હું ફૂંકું !” પોતે ફૂંકવા માંડ્યું. અને પછી સોની પાસે ફૂંકાવ્યું. જેમ જેમ ફૂંક લાગતી ગઈ તેમ તેમ ધાતુનો સાંધો મળી જાય એવો જીભનો સાંધો મળતો ગયો. જેવી હતી તેવી જીભ બની ગઈ. ઘોડો ઉભો થઈને હણહણ્યો. ભગતના હાથ પગ ચાટ્યા. છોકરાં ઘોડાની ડોકે બાઝી પડ્યાં. ઘડી પહેલાં કળેળાટ અને કાળો બોકાસો પાડનારાં માણસોને આનંદનાં આંસુડે ભીંજાતાં ભાળી પરમ સંતોષ પામતા ભગત ચાલ્યા ગયા.

પોતાના ચરણમાં પડનાર એ સેાનીને કહ્યું કે “ ભણેં બાપ ! માળે પગે હાથ શીદ નાખતો સો ? મેં કાણું કર્યો છે ! ઈ તો તાળો હાથકસબ, અને ઠાકરની દુવા : બેથી જ બન્યું છે ભા !”

– ઝવેરચંદ મેઘાણી (સોરઠી સંતો)