ભગતના નિર્લોભી પ્રકૃતિનાં થોડાંએક દૃષ્ટાંતો મળી આવે છે. એક વાત એવી ચાલે છે કે ભાવનગરથી ઠાકોર વજેસંગજીએ, દાના ભગતની, સિદ્ધિઓની વાતો સાંભળી એની મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટી નાળીયેર બનાવી, લુગડામાં લપેટી, પોતાના મહોર સિક્કા સહિત જગ્યામાં ભેટ મોકલાવ્યું. ભગતે પોતાની મશ્કરીથી માઠું નહિ લગાડતાં, સહુ માણસો વચ્ચે એમ ને એમ નાળીયેર હલાવીને પાણી ખખડતું બતાવ્યું. પછી એની એ સીલબંધ સ્થિતિમાં પાછું ભાવનગર મોકલી દીધું. ત્યાં શ્રીફળ સાચું નીકળ્યું.
કહેવાય છે કે પછી ભાવનગરના ઠાકોરે ચલાળાની જગ્યામાં કરજાળું ગામ સમર્પણ કર્યું. ભગતે જવાબ કહાવ્યો “ના રે બાપ ! સાધુને વળી ગામ કેવા? ઇ તો ખેડૂતનો સંતાપ હશે એટલે જ આપણને દેતા હશે.” ગામ ન લીધું. પણ ઠાકોરે મહા મહેનતે ભગતને મનાવીને છ સાંતી જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો.
બીજી વાત ગાયકવાડી સૂબા વિઠોબા વિષે બોલાય છે. એમાં પણ ચમત્કારની વધુ પડતી ભેળ સેળ કરવામાં આવે છે. કહે છે કે ગરીબ બિચારો વિઠુ વડોદરા રાજનો એક ઘોડેસવાર હતો. એ જાતનો મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતો. એક દિવસ એની વેળા વળી. ઘોડેથી એ હાથીની અંબાડીએ બેઠો. કાઠીઆવાડમાં ગાયકવાડનો સૂબો બનીને આવ્યો. કોઇ કાઠીને હાથીને પગે બાંધી છુંદતો, કોઇને દંડતો, પીટતો, એમ કાઠી કોમને જેર કરતો ચાલ્યો આવે છે.
કાઠીઆવાડમાં હાક બોલી કે વિઠોબા આવે છે ! દાવાનળ આવે છે. પેશકશી ન ભરે તેનો ગરાસ આંચકી લઈ ધૂળ ચાટતા કરે છે. કાઠી કોમના એ મહાકાળ જેવા વિઠોબાના ઓળા બગસરાના કાઠી દરબાર હરસુરવાળા ઉપર ઉતર્યા. હરસુરવાળાને અમરેલી લઇ જઇ પગમાં પાંચ શેરની બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યા. પરંતુ રાતે એક કૌતુક થાય છે. રાત વીતે, ને સવાર પડ્યે પહેરગીરો જુવે તે હરસુરવાળાની પગબેડી તૂટીને દૂર પડી હોય છે.
એક વાર, બે વાર, ને ત્રણ વાર બેડીઓ તૂટી ત્યારે વિઠોબાને કાને વાત પહોંચી. વિઠોબાએ આવીને પૂછ્યું : “હરસુરવાળા ! તારી બેડીઓ કોણ તોડે છે !”
“મને ખબર નથી. હુ કાંઇ જાણતો નથી. ”
“તુ કાંઇ કરે છે ?”
“હા, મારા ઇષ્ટ દેવનું સ્મરણ કરૂં છું. ફક્ત બે દોહા બોલીને સુઉં છું કે –
“જીરાણેથી જાગવે, સાજા કરે શરીર,
જડીયલ હોય જંજી૨, ભાંગે લઈ દાનો ભગત.”
અને બીજો દોહો :
“કાઠી કુળ ઉજ્વળ કર્યું, વધા૨ણ વાનાં
સંભાર્યે સુખ ઉપજે, દ:ખભંજણ દાના ! ”
“એ દાનો ભગત કોણ છે ?”
“ચલાળાનો કાઠી સંત છે.”
“મને મુલાકાત કરાવીશ ?”
“હું પૂછી આવું.”
હરસુરવાળો ચલાળે આવ્યો. વિઠોબાની વાત કરી. બાળા ભોળા ભગતે જવાબ દીધો કે “ભણે બા ! માળે સૂબાની કાંઇ પડી નથ. હું સાધુ માણસ, સૂબાહીં મળવાનો મુંહે નો આવડે. આંહી ઠાકરની જગ્યામાં રસાલો રિયાસત કે છડી નિશાન ન હોય. ગરીબ સાધુડાં બી મરે.”
“પણ બાપુ ! વિઠોબા આવ્યે અમને તમામને બહુ સારાવાટ થશે.”
“તો ભણેં ભણ્ય યાને, કે સાદે પોશાકે એકલો આવવો હોવે તો આવે. ભેળા ચોપદાર ચપરાસી નો લાવે.”
દક્ષિણી બ્રાહ્મણને વેશે વિઠોબા ચલાળે આવ્યો. સત્તા અને સાયબી એણે ચલાળાના સીમાડા બહાર રાખી દીધાં. તે દિવસ શંકરાત (સક્રાંતિ) હતી. બ્રાહ્મણો જગ્યામાં માગવા જતા હતા. વિઠોબા પણ એ ટોળામાં ભળીને ચાલ્યો. જાડપછેડીઓ સાદો ભગત, રોજની માફક, આજ પ્રભાતે પણ જગ્યાને ઓટે બેસીને જુવારના સુંડામાંથી બ્રાહ્મણ સાધુઓને ખેાબે ખેાબે જુવાર આપે છે. એને વિઠોબા દિવાન આવ્યાની જરાયે પરવા નથી.
સહુની સાથે વડોદરાનો દિવાન પણ ઓટા સામે ઉભો છે. ભગત એના બોલાવ્યા વિના બોલતા નથી, એની સામે નજર પણ માંડતા નથી. વિઠોબાએ તો પોતાની સન્મુખ પ્રભુની સત્તાનો સુબો દીઠો.સહુ બ્રાહ્મણ સાધુઓ ઝોળી ધરીને ભગતના ખોબામાંથી જુવાર લઇ રહ્યા છે, તે વખતે વિઠોબા પણ આવ્યો. સન્મુખ ઉભા રહીને એણે પોતાને દુપટ્ટો ધરી રખ્યો.
બોલ્યા કે “બાપુ ! મને પણ આપો !”
“ભણેં બાપ ! વિઠોબા, તમુંહીં જાર આપાં ?”
“હા બાપુ ! હું પણ પરદેશી બ્રાહ્મણ છું. ખોબો પાથરીને માગું છું. જાર માટે જ આ મુલકમાં આવ્યો છું.”
“તવ્ય તો ભણેં આલે વિઠોબા ! આ લે ! આ લે !આ લે !”
એમ પાંચ ખેાબા જુવાર નાખી, તોય વિઠોબા પાલવ તારવતો નથી. ભગત છઠ્ઠો ખોબો નાખવા જાય, ત્યાં પડખેથી એક કાઠી બોલ્યો: “આપા ! બસ કરો. કાઠી સારૂ કાંઇક તો રાખો ! બધી ય દઇ દેશો ?”
છઠ્ઠો ખોબો ભગતે સુંડામાં પાછા નાખ્યો. અને વિઠોબાને કહ્યું “ભણેં વિઠોબા ! જા ભાઇ ! કોડીનારથી દ્વારકા સુધીની જાર ઠાકર તને-તારા રાજને અર્પણ કરે છે. અનીયા કરીશ મા ભાઇ (અન્યાય કરીશ નહી) ! અને એટલેથી સંતોષ વાળજે.”
વિઠોબા ફો જ લઇને ઉપડ્યો. પાંચ મહાલ જીતીને પાછો આવ્યો.બોલ્યો : “આપા ! હું જગ્યાને પાણીઆ ગામ દઉ છું.”
“ના, બાપ ! બાવાને ગામ ગરાસ ન હોય. ઠાકર એમાં રાજી નહિ. બાવાઓ બાધી મરે. ”
“પણ ભગત ! મેં તો સંકલ્પ કરી નાખ્યો છે.”
“વૈષ્ણવના ગેાંસાઈને દે, એને ભોગ વાલો છે.”
“બાપુ ! સેાનારીયું આપું !”
“ના બાપ, ના ! સાધુ ગરાસનો ગળપણ ચાખે તો બ્હેકી જાય. અમારે ન ખપે. અમે તો આકાશ સામી મીટ માંડનારા.” ભગતને પગે પડી, આગ્રહ કરી, વિઠોબાએ સોનારીયાની સો વીઘા જમીન કાઢી દીધી, અને રૂ ઉપર મણે એક આનો જગ્યાનો લાગો ઠરાવી દીધા.
લોકો માને છે કે ભગતના હાથથી લીધેલા જુવારના પાંચ ખેાબા એને ભાખ્યા મુજબ બરાબર ફળી પડ્યા. અમરેલીના પાંચ મહાલ બંધાઇ ગયા.
– ઝવેરચંદ મેઘાણી (સોરઠી સંતો)