સોરઠી સંત આપા દાના ભાગ 5, એક ભક્તને 4 દીકરા થવાની કરેલી ભવિષ્યવાણી સાચી પડી, વાંચો આખો પ્રસંગ

0
649

ચલાળા ગામમાં ઉકા દોશી નામના એક વેપારી રહે. હાટમાં ન માય એટલા ઘીના કૂડલા : દોઢસો મણ તેલે ભરેલી લોઢાની કોઠી : ધીકતો વેપાર : હાટ તો જાણે હાંફ્યું જાય છે.

“આપા !” ઉકા દોશીએ ભગતને કહ્યું, “ આપા, અમને જગ્યાનું મોદીખાનું આપોને.”

“બહુ સારૂં ભણેં ઉકા ! પણ આ તો મૂંડીયાનો માલ ભણાય : તું બાપ ઝાઝો હાંસલ લેશ મા હો !”

“ના રે આપા, હાંસલની વાત તે હોય ! આ તો મલકમાં લુંટારાનાં ઘોડાં ફરે છે, તે અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમે આપાના મુનિમ છીએ, એટલે અમને કોઇ લૂંટે નહિ.”

“તો ભલેં બાપ !” ​જગ્યાના મોદીખાનાનો ઉપાડ થવા લાગ્યો. બે મહિના થયા ત્યાં તો ઉકાએ આપાને કહ્યું “આપા ! આ હિસાબનો ગોટો સારો નહિ. ચોખ્ખું કરી નાંખીએ !”

“તો ભલે બાપ !”

તૂર્ત ભગત દુકાન પર ગયા. ઉકાએ કહ્યું “આપા ! કોઇક તમારો સાખીઓ (સાક્ષી) તેડી આવશો ને ?”

“અરે ભણેં બાપ ! સાખીયા વળી કિસેથી લાવાં !”

એ જ વખતે ત્યાં એક ઉંદરડી નીકળી. એટલે તૂર્ત જ ભગત બોલ્યા :

“એ ભણેં આ ઉંદરડી આપડો સાખીઓ !”

ઉકાને દાંત આવ્યા : “ આપા ! શું બોલો છો ?”

“હા બાપ હા ! ઉંદરડી તો ગણેશનો વાહન : તાળો ય નો રાખે ને માળો ય નો રાખે. ઈ આપડો સાખીઓ. લે કર્ય હવે આંકડો.”

“આપા ! પાંસઠ કોરી લેણી થાય છે.”

ભગત સમજ્યા હતા કે વાણીઆએ પચીસ કોરી વધારી દીધી છે. તૃર્ત પોતે મૂઠી ભરીને કોરી કાઢી: ‘લે બાપ ! ગણું લે. પણ ભણેં બાપ ઉકા ! આ ધર્માદાની કોરી આકરી છે હો !”

“હેં-હેં-હેં આપા ! અમારે તો સુંવાળી ને આકરી મણ્યે ય સારી !” લુચ્ચો ઉકો હસ્યો.

આંકડા ચૂકાવીને ભગત તેની જગ્યામાં ગયા. અને આંહી વાળુ ટાણે ઉકો દોશી દુકાન વાસીને ઘેર ગયા.

બીડેલી દુકાનમાં દીવો બળે છે, (તે દિવસોમાં તો કોડીયામાં મીઠું તેલ પૂરીને વાટ પ્રગટાવવામાં આવતી.) તે ટાણે પેલી સાક્ષી બનેલી ઉંદરડી ત્યાં આવી. આવીને એણે સળગતી વાટ્ય ઉપાડી. ઉપાડીને કાપડની તાજી આવેલી ગાંસડીઓમાં ચાંપી દીધી. ​હાટ સળગ્યું. તેલની કોઠી, ઘીના કૂડલા, કાપડ, તમામના ભડકા આકાશે ચડ્યા. આગ દુકાનને આંટો લઇ વળી.

ઉકો આવ્યો. જોતાંની વાર જ બધું સમજી ગયો. લોકોને કહ્યું કે “ભાઈઓ ! કોઈ એાલવવાની મહેનત કરશો મા. એ નહિ ઓલવાય.”

ઉકો દોશી જગ્યામાં આવ્યો. સામે જ ભગત બેઠા હતા. ભગત બોલ્યા “અરેરે ભણે ઉકા ! તાળે તો મોટી નુકશાની ગઇ !”

“આપા ! એ તો તમારો સાખીઆએ સાચી સાખ પૂરાવી. મારાં કૂડ મને ઠીક નડ્યાં. હવે મને એનો ઓરતો નથી. પણ મારે મૂડીમાં દીકરો પેટ ન મળે ! બહુ મુંઝાઉ છું, વંશ નહિ રહે !”

“ભણેં બાપ ! કાશીએ જા ! તીરથ ન્હા.”

“અરે આપા ! ઇ સાડા સાત સો ગાઉ હું એકલે પંડે શી રીતે પોગું ?”

“તયીં બાપ ! દ્વારકા જઇ આવ. રણછેાડરાય દેશે.”

“ના રે આપા ! એટલે બધે ય ન પુગાય !”

“તો બાપ ! પ્રાચી જઇ આવ. સાવ એારું.”

“ના ના. ત્યાં યે હું ન પોગું.”

“તો તુળશીશ્યામ જા, લે ઠીક ? સાવ એારૂં. સવારે જઇને સાંજે પાછા વયો આવ્ય.”

“અરે આપા ! ઈ તો ગર્ય : વચમાં દીપડા ને બાઘડા આવે !”

“તયીં બાપ, કાંઈ તીરથ નાયા વિના દીકરા થાય ?”

ઉકો દોશી જગ્યાને અવેડે નહાયો. નહાઇને આવી આપા દાનાને ફરતા ચાર આંટા દીધા. આપાએ પુછ્યું :

“કાં બાપ ?” ​ઉકો બેાલ્યો :

ગંગા જમના ગોમતી, કાશી પંથ કેદાર;અડસઠ તીરથ એકઠાં, દાન તણે દેદાર.

સાંભળીને આપાએ તુળસીનું પાંદડું લીધું. તોડીને એના રેસા તપાસ્યા. પછી બોલ્યા “ ભણેં ઉકા ! તાળા નસીબમાં ચાર દીકરા. માળી આશિષ છે.”

“પણ આપા ! એને ભોજનનું શું !”

“ચાર માંથી બે સારા, ને બે ગડગડઘાટ !”

ઉકાને ચાર દીકરા થયા. તેમાંના બે, જેનો કુંડલે ને બગસરે પ્રવાહ ચાલ્યો, તે સુખી થયા. ને ચલાળે રહેનારા બેનો વંશ ગરીબ રહ્યો.

પાંચાળમાં થાન પાસે તરણેતર (ત્રિનેત્ર) નામનું શંકરનું તીર્થધામ છે. વરસોવરસ ત્યાં મેળો ભરાય છે. પાંચાળના બધા ભક્તો ભેળા થાય તેમાં ચલાળેથી આપો દાનો પણ દર વરસે આવી જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી મુકામ કરે છે. એક વખત ભગતે જાત્રાળુઓનો પોકાર સાંભળ્યો કે પાળીઆદ ગામના કાઠી પાતા મનનો દીકરો વીસામણ મન મોટો લૂ ટારો જાગ્યો છે. વીસામણ વાટમાં ઓડા બાંધીને વટેમાર્ગુના જાનમાલ લૂ ટી જાય છે. પાંચાળના રસ્તે રસ્તા એણે રૂંધી લીધા છે.

 

ભગતના મનમાં વિચાર થયા જ કરે છે કે “કોક દિ વીસામણને ને મારે ચાર આંખ્યું ભેળી થાય તો ઠીક.”

થાનનાં દેવળો પર ચડાવવાની ધજાઓ એક પોઠીઆ ઉપર લાદીને આપો દાનો પેાતાના સાધુઓ સાથે પંચાળ જાય છે. વનરાઇમાં ઝાંઝ પખાજ અને કડતાલોના નાદ સાથે હરિભજન ગવાતાં આવે છે.

માંડવના ડુંગરા જાણે હરિ-જન બનીને સાથે સાદ પૂરાવે છે. માંડવ ઉપર ઓડા બાંધીને બેઠેલા વિકરાળ ધાડપાડુ વીસામણે પોતાના કાઠીઓને કહ્યું કે “ જાવ, કોક રેશમીનો પોઠીઓ લાગે છે, લૂ ટી લ્યો. ” ​

તપાસ કરીને કાઠીઓ બોલ્યા “પણ આપા વીસામણ ! એની હારે ઓલ્યો દાનો લંગોટો છે. ઈ સાધુ કે’વાય.”

“તે એને લૂ ટશો મા. ભેળાં જાત્રાળુઓ છે તે તમામને ખંખેરી લેજો.”

લૂ ટારા ઓએ ભક્તમંડળને ઘેરી લીધું. અને ત્રાડ પાડી કે “માલમત્યા મેલી દ્યો હેઠે.”

દાનો ભગત સહુની મેખરે આવીને પૂછવા લાગ્યા કે “ભાઇ ! પેલો મુંહે લૂ ટો, પછે આ સહુને.”

“તું ખસી જા ભગત ! તુંને ન લૂ ટવો એવી અમારા સરદારની આણ છે.”

“તવ્ય તો તમાળો સરદાર સાવ હૈયોવોણો નથ દેખાતો. કિસે છે તમારો સરદાર ?”

“સામેના ડુંગરા માથે.”

“ભલા થઉને મુંહે ત્યાં સુધી લઉ જાવ. પછે ખુશીથી આ સંઘને લૂ ટુ લેજો !”

ભગત ડુંગરા ઉપર ગયા. અસુર જેવો લૂંટારો વીસામણ વાંકડી મૂછે ને વિકરાળ ચહેરે બેઠો છે. લૂ ટનો માલ ઢગલા મોઢે પડેલો છે. અને એક મંગાળા ઉપર બે મોટાં હાંડલાં ચડેલાં છે. ખાવાનું રંધાતુ હોય તેવું લાગ્યું .

“ભણેં બાપ વીસામણ ! તું ભગવાનનાં જાત્રાળુહીં લૂ ટતો છે બાપ ? હું તો કામધેનની ટેલ કરતો સાં.”

લૂ ટારો બેપરવાઇથી બોલ્યો: “ભણેં ભગત ! હું ભગવાન બગવાનમાં કાણો ય સમજું નહિ. તું ને તાળા ટેલીયા હાલ્યા જાવ. બીજાં જાતરાળુહીં તો લૂ ટવા જ જોશે.”

“બાપ વિસામણ ! ઇ તો તું જેવા ધાડપાડુનો ય ધરમ નથ. તાળી હારે હાલનારહીં તું લૂ ટાવા દે ખરો ?” ​

લૂ ટારાની આંખોની બન્ને ભમર ખેંચાણી: “કમણ છે ઇમડો માટી, કે માળી હારે હાલનારહીં લૂ ટે ?”

“તવ્ય બાપ ! માળી હારે હાલનારહીં હું કી લૂ ટાવા દીયાં ? પેલાં મુંહે વીંધુને પછેં લૂ ટો.”

લૂ ટારા કાંઇક ખચકાયા. દાના ભગતે આગળ ચલાવ્યું : “બાપ વીસામણ ! મેં તો જાણ્યો’તો કે આ હાંડલાં ચડતાં સે, તે અમે ભૂખ્યા સાધુડા તાળી હારે શીરામણી કરશું. આ હાંડલીમાં કાણું એાર્યો સે ભાઈ ?”

લૂ ટારો લજવાઇ ગયો. અંદર આખા એક ઘેટાનુંમા સરંધાતું હતું, જીભ ઉપર શરમ ચડી બેઠી. જૂઠો જવાબ દીધો કે “ચોખા ચડે છે.”

“ચોખા તુંહેં વા’લા છે બાપ ?”

“વાલા તો હોય જ ના !”

“ત્યારે બાપ ! આ ભૂખ્યાં દુઃખ્યાં જાત્રાળુહીં દીયે યાનાં કિમાં પેટ ઠરહે ! તુંહે દુવા દેવે ! લાવ્ય લાવ્ય બાપ, શીરાવીએં.”

હાંડલી પાસે જઈને ભગતે ઢાંકણી ઉઘાડી લૂ ટારાના ભેાંઠામણનો પાર નહોતો. હતોઘા તકી, પણ લાજ શરમ નહોતી છૂટી.

પરંતુ લોકો કહે છે કેમા સને બદલે ચોખાની ફોરમ છૂટી. હાંડલીના મ્હોંમાં ધેાળાફુલ ચેખા ઉભરાણા.

“બાપ વીસામણ ! જીમી આસ્થા, ઇમું ભગવાન આપતો સે. તાળી આસ્થા તો જબ્બર છે. તું તો રામદે પીરનો અવતાર ! અને તાળી આ દશા ?” વીસામણ પગમાં પડી ગયો.

“તું બહારવટીયો છો. જીમી તાળી બરછી વાગતી છે ને, ઇમાં જ તાળાં વેણ વાગશે.”

“કિસે જાઉં ?” લૂ ટારાના હૃદયબંધ તૂટી ગયા. ​

“પાળીઆદ જા બાપ. ઠાકરના નામની ધજા બાંધજે. તુંહે ગળ ચોખા વા’લા છે ને, એટલે ગળ ચોખાનો સદાવ્રત બાંધજે બાપ ! ને કામધેનને સેવતો રે’જે.”
વીસામણે ત્યાં ને ત્યાં હથીઆર ભાંગ્યાં. ડોકમાં માળા નાખી. પાળીઆદમાં થાનક સ્થાપ્યું, દાના વીસામણની જોડલી ગવાવા લાગી.

-દાનો વીસળ દો જણા, ભલકળ ઉગા ભાણ,

અંધારૂં અળગું કર્યું, જંપે સારી જાન.

-પોથાં પોથાં ને ટીપણાં, વાંચે ચારે વેદ,

ભીતર દેતલ ભેદ, વચને અમૂલખ વીહળો.

– ઝવેરચંદ મેઘાણી (સોરઠી સંતો)