બાપ વીસામણ ! હમણે હમણે તું આણોસરો કાણા સારૂ દેખાછ? દિલમાં કાંઈ દુ:ખાવો છે?”
“આપા ! દુ:ખાવો તો બીજો શો હોય? બહુ પાપ કર્યાં છે, રૂંવાડે રૂંવાડે પાતક ભર્યા છે, મનમાં ઝંપ નથી વળતો. જાણે એક વાર ગંગાજી જઇને નહાઇ આવું એવું થયા કરે છે.”
“સાચું ભાઇ ! ગંગાજી તો તરણાતારણી ભણાય, સાચું.”
તરણેતરને મેળે જાતાં જાતાં આપા દાના અને વીસામણ વચ્ચે વારંવાર આવી વાતો થયા કરે છે. વારંવાર વીસામણનું દિલ ગંગાજી તરફ દોડ્યા કરે છે. આપા દાના પણ વારેવારે એના આ વિચારને “સાચું ! સાચું !” એવા શબ્દે વધાવી લે છે. પણ કદિ ચોખી હા ના કહેતા નથી.
તરણેતરનો મેળો મળ્યો છે. માનવી માતાં નથી. માંડવના ડુંગરાનો પાણો પાણો સજીવન બની જાણે મેળાનાં ભજન કીર્તનમાં ટૌકા પૂરે છે. તે વખતે બન્ને જણા માંડવામાં ઉભા છે.
શ્રાવણ માસનાં સરવડા ઝીલતી ચોમેરની ધરતી લીલી એાઢણીએ મલકી રહી હતી અને ઠેકાણે ઠેકાણે ધેનુઓનાં ધણ, કંઠે ગુંજતી ટોકરીએ ને પગમાં રૂમઝુમતાં ઝાંઝરે ડુંગરડા ગુજવતાં હતાં.
આપા દાનાની આંખો દસે દિશામા રમવા લાગી. પાંચાળ પોતાની પ્યારી જન્મભોમ પાંચાળને આવી રળીઆમણી ભાળીને ભગતનો પ્રાણ ઈશ્વર પ્રતિ આભારે પીગળી પડ્યો. જગતના ભાર ઝીલનારી ધેનુએાના સુખ–કલ્લોલ નિહાળી આપાનાં નેત્રો જાણે સુખ–સમાધિના ઘેનમાં ઘેરાવા લાગ્યાં. વીસામણ એની બદલાતી મુખમુદ્રા સામે તાકીને જાણે પોતાના પાપાત્માની તરસ છીપાવવા મંડી પડ્યો.
સુખના કે ફમાં ભગત બેાલ્યા : “બાપ વીસામણ ! આંહી માંડવમાં મારૂં દલ બહુ ઠરે છે. નાનપણમાં હું આંહી કામધેનુઓ ચારતો, એ સમો આજ સાંભરી આવે છે. ફરીવાર ઠાકર બાળાપણ આપે, બધુંય જ્ઞાન ભાન ભૂલી જવાય, જગત મને માનતું મટી જાય, ને હું સદાકાળ આંહી ગાવડિયું જ ચાર્યા કરૂં, માતાજીયું ને ખંજવાળ્યા જ કરૂં, ઇ તો મને મુગતી થકીયે મીઠેરૂં લાગે છે. ઓહો જીતવા ! ઇ દિ’ તો ગયા. હવે તો આ મોટપની શિલા હેઠળ મનડું ભીંસાઇ મુવું ! ઠાકર ! ઠાકર ! ઠાકર ! હે ઠાકર !… ભગતનો આત્મા જાણે ઉંડી કોઇ ગુફામાં ઉતરી ગયો. નેત્રોમાંથી દડ ! દડ ! દડ ! દડ ! ધારા ચાલી.
“બાપ વીસામણ ! તુંને વાંભ દેતાં આવડે છે ?”
ભેાંઠો પડીને વીસામણ બેાલ્યો “ આપા ! મેં કુકર્મના કરનારે ગા ક્યાંથી ચારી હોય તે વાંભ દઇ જાણું ? કાગડાના મ્હોંમાં રામ ક્યાંથી હોય બાપુ !” કાનમાં આંગળી નાખીને ભગતે પોતે જ વાંભ દીધી. નાનપણનો મ્હાવરો હતો, મીઠું ગળું હતું. ને આજ ગાયો ઉપર અંત:કરણ ઓગળી જતું હતું. ગોવાળ તે શું વાંભ દેશે ! એવી મીઠી, વિજોગી બાળક માને બોલાવવા વિલાપ કરે તેવી, મોરલો વાદળીને રોકવા મલ્લારના સૂર ટૌકે તેવી એક વાંભ દીધી.
થોડી વારમાં તો સીધા વાંકળા સોંસરવી એક કાળી – આખે અંગે કાળી રૂપાળી ગાય ચાલી આવે છે. પૂછડું ઉંચું કરીને માથે લઇ લીધું છે. કાન ઉભા થઇ ગયા છે. તાજી વીંયાઇ હોય એવું એનું આઉ ઝુલે છે. આવીને ગાય ઉભી રહી. ભગત એને “મા ! મા ! મા !” કરતા ખંજવાળવા લાગ્યા.
“વીસામણ ! દોતાં આવડે છે ?”
વીસામણ ફરી વાર ભોંઠો પડ્યો.
“વીસામણ ! ખાખરાનાં પાંદડાં તોડીને પડીયા કરવા માંડ.”
પાંચ પાંચ શેડ્યો પાડીને ભગત પડીયા ભરવા લાગ્યા.
“સહુ મનખ્યો ભલેં પરસાદી લીએ !”
માણસો આવી આવીને પડીયા પીતાં જાય છે.
“બાપ વીસામણ ! માતાજીને ડીલે હાથ તો ફેરવ્ય ! ઇ તો આવડશે ને ? લે આપણે બેય હાથ ફેરવીએ. માતાજી દુવા દેશે.”
શરમીંદા થતા વીસામણનો હાથ પોતે ઝાલીને ગાયના શરીર પર ફેરવ્યો. જેમ જેમ હાથ ફરતો ગયો તેમ તેમ ગાયનો દેહ કાળો મટીને શ્વેત સુંદર બનવા લાગ્યો.
“ભણેં બાપ વીસામણ ! આ પંડ્યે જ ગંગાજી : આ જગતની તરણ-તારણી : સંસાર એનાં નીરમાં ન્હાઇને પોતાના મેલના થરેથર એમાં પધરાવે છે. પણ એ મેલ ધોવા માતાજી પોતે તો બાપડી સંતુની જ પાસે આવે છે હો બાપ ! ઇ તરણ– તારણીનાં યે મળ કાઢવા માટે માનવીનું મનડું સમરથ છે. માટે ભાઇ ! સાચી ગંગા તો આપડાં ધરમ પૂન્યની: સાચી ગંગા આપણા દલની ચોક્ખાઈની: આપણાં પાપના પસ્તાવાની.”
“જાઓ માતાજી ! હવે પાછાં પધારો ! તમને મોટો પંથ પડ્યો આજ માવડી !”
એટલું બોલીને ભગત ગાયના ચરણમાં પડી ગયા. ભગતને શરીરે ધેનુ ચાટવા લાગી. ચાટીને પાછી ચાલી નીકળી.
વીસામણ તે દિવસ પૂરેપૂરો ચેત્યો.
સંવત ૧૮૭૮ પોષ વદ ૧૧ ના રોજ પ્રભાતે આપા નોદે હ પડ્યો.
– ઝવેરચંદ મેઘાણી (સોરઠી સંતો)
આ સિવાય સંત આપા દાનાની અનેક કથાઓ અને અનેક પરચાઓ જુદા-જુદા લેખકોએ લખેલ છે, ડાયરાઓમા સાહિત્યકારોએ વર્ણવેલા છે. પણ અહિ ઝવેરચંદ મેઘાણીએ સોરઠી સંતોમા જે કથા વર્ણવેલી છે, એ કથા અહિ મેઘાણીજીના શબ્દોમાં જ મુકી છે. (જે કથા ભાગ 1 થી 6 મા અહી મુકી છે.)
જો અગાઉના ભાગ ન વાંચ્યા હોય તો ભાગ 1 થી 5 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
જય સંત આપા દાનબાપુની
જય હો પાંચાળના સંતમંડળની.