સરળ શબ્દોમાં આધ્યાત્મિક અનુભવ કરાવતા આ ભજનના શબ્દો વાંચવા જેવા છે.

0
703

મિત્રો આજે માણીએ પુષ્પાબેન વ્યાસની એક ધાર્મિક રચના (ભજન). આ રચનામાં કવિયત્રીએ સહજ સરળ શબ્દોમાં આધ્યાત્મિક અનુભવ કરાવ્યો છે. એક એક શબ્દ હ્રદયમાંથી નીકળીને એક અદભૂત હ્રદયસ્પર્શી રચના રચાયેલી છે. સદર કાવ્ય વાંચતા મીરાબાઈની રચના વાંચતા હોય તેવો એહસાસ થાય છે અને હ્રદય ભાવવિભોર થઈ જાય છે.

વિશેષમાં, પુષ્પાબેન વ્યાસ બાળ સાહિત્યકાર ત્રિભુવન વ્યાસના સુપુત્રી છે. ત્રિભુવન વ્યાસે બાળસાહિત્યમાં ઘણા બધાં શ્રેષ્ઠ બાળગીતો આપેલાં છે.

(સં. હસમુખ ગોહીલ)

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.

પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.

દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.

જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.

મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.

પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.

ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.

પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

– પુષ્પાબેન વ્યાસ