અહીં છે ભગવાન ચિત્રગુપ્તનું પ્રાચીન મંદિર, કહેવાય છે ભગવાન વિષ્ણુએ પોતે કરી હતી તેની સ્થાપના.

0
721

ભગવાન ચિત્રગુપ્ત યમરાજના સહાયક છે અને મનુષ્યના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. તેઓ કાયસ્થ સમાજના દેવતા પણ છે. કાયસ્થ સમાજ દ્વારા ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની બીજી તિથીએ ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરવામાં આવે છે, જેમાં કલમ, હિસાબવહી અને ખડિયો જેવી વસ્તુઓ પણ સામેલ છે.

આપણા દેશમાં ભગવાન ચિત્રગુપ્તના ઘણા મંદિરો છે, પરંતુ તેમાંથી કેટલાક ખૂબ જ પ્રાચીન છે. આવું જ એક મંદિર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં પણ આવેલું છે. એવી માન્યતા છે કે આ મંદિરની સ્થાપના પોતે ભગવાન વિષ્ણુએ કરી હતી. જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો વિશે.

આ કારણે કહે છે શ્રીધર્મહરિ ચિત્રગુપ્ત મંદિર (Sridharmahari Chitragupta Temple) : પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરની સ્થાપના પોતે ભગવાન વિષ્ણુએ કરી હતી અને ધર્મરાજાને આપેલા વરદાનના ફળ સ્વરૂપે તેમણે ધર્મરાજા સાથે પોતાનું નામ જોડીને આ મંદિરનું નામ શ્રીધર્મ-હરિ મંદિર રાખ્યું છે.

આ મંદિર વિશે એવી માન્યતા છે કે લગ્ન પછી જનકપુરથી પાછા આવ્યા બાદ શ્રી રામ અને સીતાએ સૌથી પહેલા ધર્મહરિજીના દર્શન કર્યા હતા. આ સાથે અહીં એવું પણ માનવામાં આવે છે કે અયોધ્યા આવતા તમામ તીર્થયાત્રીઓએ શ્રીધર્મહરિજીના દર્શન અવશ્ય કરવા જોઈએ, નહીં તો તેમને આ તીર્થયાત્રાનું પુણ્ય મળતું નથી.

જ્યારે ભગવાન શ્રી રામથી રિસાઈ ગયા ભગવાન ચિત્રગુપ્ત : એક દંતકથા અનુસાર, જ્યારે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો, ત્યારે તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યાભિષેક વિધિમાં બધા દેવતાઓ આવ્યા પણ ચિત્રગુપ્ત દેખાયા નહિ. શ્રીરામે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, ગુરુ વશિષ્ઠના શિષ્યોએ ચિત્રગુપ્ત મહારાજને આમંત્રણ આપ્યું ન હતું. તેનાથી રિસાઈ ગયેલા ચિત્રગુપ્તે સ્વર્ગ અને નરકના તમામ કાર્યો અટકાવી દીધા, જેનાથી દુનિયામાં અરાજકતા ફેલાઈ ગઈ.

ત્યારબાદ ગુરુ વશિષ્ઠે ભગવાન શ્રીરામને અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલા ચિત્રગુપ્ત મંદિરમાં પૂજા કરવાનું કહ્યું અને જણાવ્યું કે આ મંદિરની સ્થાપના ભગવાન વિષ્ણુએ પોતે કરી હતી. ભગવાન શ્રીરામ દ્વારા પૂજા કર્યા પછી, ચિત્રગુપ્ત મહારાજ ફરીથી તેમનું કાર્ય કરવા લાગ્યા. એવી પણ માન્યતા છે કે અયોધ્યા આવ્યા પછી ભગવાન ચિત્રગુપ્તના દર્શન ન થાય તો તીર્થયાત્રાનું સંપૂર્ણ ફળ મળતું નથી.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.