અંજાર તાલુકાનાં લાખાપર ગામની પવિત્ર ભૂમિ પર પરમ વંદનીય સંત શ્રી સતાદાદાનું મંદિર આવેલું છે. તેમને શ્રી સતા ભગત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ વિક્રમ સવંત ૧૭૭૧ માં મેવાડા સુથાર જ્ઞાતિમાં (પરમાર અટક) માં થયો હતો. તેમનું બાળપણનું નામ કચરો ભગત હતું. તેઓ આગળ જતા સત્ય વચન અને સત્સંગ પ્રીતિનાં પ્રતાપે સંત શ્રી સતા ભગત તરીકે ઓળખાયા. તેમનાં પિતાશ્રીનું નામ દાનાબાપા અને માતાનું નામ પુની માં હતું.
દાના બાપાને ત્રણ સંતાનો હતા, કચરા ભગત (સતાદાદા), વસ્તા બાપા અને કરશન બાપા. આપણે શ્રી સતા ભગતના જીવન ચરિત્રની વાત કરીએ તો, બાલ્ય કાળથી જ સતા ભગતને પ્રભુ ભજન અને સત્સંગમાં અપાર પ્રીતિ હતી. ભક્ત રાજ શ્રી સતાદાદાનાં પિતાશ્રી સુથારી કામ કરતા હતા. સતા ભગત પણ તેમના પિતાજીને આ કામમાં મદદ કરતા હતા. તે સમયે લાકડાંમાંથી ખેતીનાં ઓજારો બનાવવાનું જ મુખ્ય કામકાજ હતું. ખેડૂતો તેમની પાસે નવા ઓજારો બનાવવા અથવા કંઇક પરચુરણ કામ કરાવવા આવતા તો ભક્ત રાજ તેમની સાથે સત્સંગ કરવા બેસી જતા.
જયારે સતા ભગત યુવાન અવસ્થાએ પહોંચ્યા ત્યારે તો તે ભક્તિનાં રંગમાં પૂર્ણ રૂપે રંગાઈ ગયા હતા. હવે ઉંમરલાયક થવાથી ઘરની જવાબદારી પણ વધી ગઈ હતી, એટલે બધુ જ કામ હવે તે પોતે કરતા હતા. પણ એનું રૂદિયો તો સદાય રામ માં રમતો હતો. કોઈપણ જગ્યાએથી ભજન સત્સંગનું વાયક કે આમંત્રણ મળે એટલે બધુજ કામ છોડીને તે નીકળી જતા. કોઈ તેમને કહે કે, ભક્ત રાજ કામ નઈ કરો તો તમારું ગુજરાન કેમ ચાલશે, ત્યારે તેઓ હસીને એક સાખી કહેતા કે,
મુવે કો હરી દેત હે કપડાં લકડી ઓર આગ, જીવતા નર ચિંતા કરે ઉનકી બડી અભાગ.
એટલે કે મારો ઇશ્વર દયાનો સાગર છે, એ મરેલા માણસને પણ કફન માટે કપડું, લાકડાં અને આગ આપે છે. માટે જીવતો માણસ સાવ ફોગટ ચિંતા કરે છે.
મિત્રો, આવા મહાન પુરૂષની જ વાતું સંસારમાં યુગો સુધી અમર રહે છે જેને મોહ-માયાનાં બંધન નડતા નથી. માટે જ તો કોઈ કવિએ પણ કીધું છે કે, માયા અને મમતા તણો અને જેને રુદિયે નવ લાગ્યો રોગ, એવા સંત સમરવા જોગ અને દિવસ ઉગતા જોને દાદવા.
તે કોઈની પણ સાથે વાત કરતા કરતા એમ કહેતા, ‘રામ ભજીલે પ્રાણીયા અને પછી ભજાછે નઈ, આ કાયા થાસે તારી જાજરી પછી બેઠું રેવાછે નઈ.’ અને પછી તો સમય જતાં જતાં તો તેઓ ભક્તિમાં એકાકાર થઈ ગયા, અને દિવસ રાત પ્રભુ ભક્તિમાં જ જીવન જીવવા લાગ્યા. હવે તો આજુ બાજુના ગામડે થી અને દૂરદૂરથી ભજન સત્સંગનાં વાયક આવવા લાગ્યા, અને ભક્ત રાજનો તો એવો નિયમ હતો કે, વાયક મળે તો ગમે તેમ કરીને પણ ભજનમાં જાવું.
આ નિયમ તે મક્કમતાથી પાળતા હતા.
એક વાર એવું બન્યું કે બે ત્રણ નબળા વરસ ગયા અને ત્યાર પછી એક વખત ચોમાસામાં બહુ સારો વરસાદ વરસ્યો. ખેડૂતો પોતાના ઓજારોની સજાવટ કરવા લાગ્યા એટલે ભક્ત રાજની કોડમાં કામ પણ વધારે રહેતું હતું. બરાબર એવા સમયે જ ભજન સત્સંગનું વાયક મળ્યું. આખો દિવસ કામ કરી અને જે ખેડૂતોનાં કામ બાકી હતા તેમને કહ્યું કે ભાઈઓ તમારું કામ હું કાલે કરી આપીશ, અત્યારે તો મારે ભજનમાં જવાનું છે.
ગામની અંદર મોટા ભાગની વસ્તી આહિરોની અને બધાજ ખેડૂતો આહિર હતા. અને સતાભગતને તે ખુબજ આદર અને સન્માન આપતા હતા, એટલે કંઇ જ બોલ્યા નઈ પણ તેઓ નાં મનમાં એમ થયું કે, જો આ કામ સાંજે પૂરું થઇ ગયું હોત તો કાલે વહેલી સવારે ખેતરમાં વાવણી ચાલુ થઈ જાત. હવે ખેડૂતની લાગણી પણ વ્યહવારિક છે, અને ભક્તનું વ્રત પણ એટલુ જ મહત્વનું છે.
આવા સમયે તો ચિંતા ખુદ હરીને જ હોય કે. ખેડૂત જગતનો તાત છે તો એનો એક દિવસ ના બગડવો જોઈએ. અને ભક્તનું વ્રત પણ નાં તૂટવું જોઈએ. અને તે દિવસે ખુદ શ્રી હરીએ ભક્ત રાજનું રૂપ ધારણ કરી અને આખી રાત્રિ કોડમાં કામ કર્યું, અને વહેલી સવારે જે ખેડૂતોનું કામ બાકી હતું તેમને બોલાવીને તેમના ઓજારો તેમના હાથમાં આપ્યાં.
ભક્ત સતાદાદા બીજે દિવસે આવીને જોયું તો એક પણ ખેડૂતનું કામ બાકી નહિ. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, આ લોકો કામ કરાવ્યા વગર જ પોતાના ઓજારો પાછા લઈ ગયા કે શું? પણ જ્યાં આમ જુવે ત્યાં લાકડાંનાં વેરણનો ભૂકો જોયો અને પછી ભક્તરાજને એમ થયું કે, આ લોકોએ પોતાનું કામ પોતે જાતે જ કર્યું લાગે છે.
આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને રોજ ગામલોકો આ ભક્ત રાજની કોડે મેળાવડો કરે એટલે પાસા બધાય મેળાવડો કરવા માટે કોડે આવ્યા અને કહેવા લાગ્યા, અરે ભગત તમે બહુ ઉદારતા વાદી છો. અમારી વાવણીને એક દિવસ મોડું ન થાય એટલા માટે તમે તમારું વ્રત તોડી નાખ્યું. ભગત કહે નાં હું તો ભજનમાં ગયો હતો, અને આજે સવારમાં આવ્યો છું. વાયકનું ગામ થોડે દૂર હતું એટલે આવતા પણ થોડું મોડું થયું હતું.
પણ આહિરોએ કીધું અરે ભગત તમે પણ મજાક કરો છો. ત્યારે સતા ભગત કહે કે, હું હતો? ગામ લોકો કહે, હા હા ભગત તમે જ તો અમને વહેલા ઉઠાડીને અને અમારા ઓજારો એમને આપ્યા હતા. હવે ભક્ત રાજ આખી હકીકત સમજી ગયા, અને ઊઠીને ઘરની અંદર ચાલ્યા ગયા અને પ્રભુને વિનમ્ર ભાવે કહેવા લાગ્યા, હે ઠાકર હું તારું ભજન કરું અને તું મારું સખત મહેનત વાળું કામ કરે એ મને જરાય ગમતું નથી. અને એજ ઘડીએ ભક્ત રાજે સમાધિ લેવાનો વિચાર કરી લીધો અને દૈવી આકાશવાણીની આજ્ઞા મુજબ શ્રી સતાદાદાએ ભાદરવા સુદ એકાદશીનાં પવિત્ર દિવસે સમાધિ લેવાનું નક્કી કર્યું.
તેમણે ગામ લોકોને વાત કરી અને એકાદશીનાં શુભ દીને લાખાપર ગામના તળાવને કિનારે ઘટાદાર વડલાની હેઠે જીવતા સમાધી લીધી, અને એની ફોરમ આખાય ગામમાં ફેલાઈ ગઈ. આજે પણ એ સમાધિ સ્થળ તેમજ દાદાનું મંદિર રહેલું છે. તે પહેલા નાની એવી દેરી હતી પણ તારીખ 26-09-2012 ને વિક્રમ સવંત ૨૦૬૮ ના રોજ એક નૂતન મંદિરનું નિર્માણ કર્યું.
શ્રી સતાદાદાને આમ તો અઢારે વરણ નમે છે, પણ ખાસ સુથાર અને આહિરો દાદાને વધારે શ્રદ્ધા અને ભાવ પૂર્વક પુજે છે. ભક્ત શ્રી સતાદાદાના વંશજો આજે પણ લાખાપર ગામમાં જ રહે છે. દાદાના અત્યારે હાજરા હજૂર અનેકો અનેક પરચા છે, જેવા કે એક આંતરીયો તાવ, અટુટીયો, આંખની પીડા દાદાની માનતા લેવાથી હરેક રોગ દોષનું નિવારણ થાય છે. બાકી તો શ્રદ્ધાનો વિષય છે, તો પુરાવાની જરૂર નથી.
દર વર્ષે ભાદરવા સુદ એકાદશીએ દાદાનો મેળો થાય છે, મેળાનાં દિવસની આગલી રાત્રિએ એટલે દસમની રાત્રિએ ગામની ભજન મંડળી દ્વારા આરાધી સંતવાણી યોજાય છે, અને એકાદશીએ સવારથી જ આખું ગામ પાંખી પાળે છે અને ઘરો ઘર થી દાદાને જાતર ચડાવાય છે, અને સાંજે સમૂહ જાતરનો પ્રસાદ ચડાવવામાં આવે છે. લાખાપર ગામ ઉપર સંત શ્રી સતાદાદાની અપાર અનુકંપા છે, અને એ વાતની અનુભૂતિ પણ ગામે ઘણી વાર કરી છે. કારણ કે દાદાના સમાધિ સ્થળની ધરતીમાં કંઇક અલગ જ ચૈતન્ય છે. જો કોઈ સાચા ભાવથી દાદા શરણે આવે, તો એના તમામ સંકટ દૂર થાય છે અને એટલે જ તો કહેવાય છે,
સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો,
અને એક ડગલું મે આગળ ભાળ્યા જનનીથી જગ સંત એ,
માત સુવરાવેને સંત જગાડે પછી ભેળવી દિયે ભગવંત, સંતો નો…..
બોલો સંત શ્રી સતાદાદા કી જય. આવા પરમ વંદનીય સંત શ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન.
– આપણો ઇતિહાસની પોસ્ટનું સંપાદન. ઓરિજિનલ પોસ્ટ ટાઇપિંગ કરનાર શ્રી મહાદેવ ભાઈ ધનજી ભાઈ આહિર.