“સ્થિર અસ્થિર” માણસના મનની અને જીવનની સ્થિતિ વર્ણવતો આ ટૂંકો લેખ વાંચવા જેવો છે.

0
422

રસ્તામાં રોજ મળે છે પેલું સિગ્નલ. લોકોને લાગે છે કે રોજ નડે છે આ સિગ્નલ. મને એવું નથી લાગતું. લાલ રંગે ખરેખર તો ઘડીભર સઘળી ચિંતાઓ હણે છે આ સિગ્નલ. એનું એ જ ટ્રાફિક સિગ્નલ છે. વર્ષોથી એક જ જગ્યાએ ! ના, મારો રસ્તો એક જ છે – જીવનની દિશા સમો.

માત્ર ત્રણ રંગો ધરાવતું ઘરેડમય સિગ્નલ !

ના, મારા રંગવિહીન જીવનને ટોણો મારતાં ત્રણ ચમકિત રંગ ધરાવતું સિગ્નલ.

ત્રણેય રંગોના ટપકાં મનમોહક નૃત્ય કરે છે? ના, મને નૃત્ય કરાવે. ઊભા રહો, ચેતી જાઓ કે ચલો જાઓ. વિવિધ સૂચનાઓ. કેવું સારું ! સૂચનાઓ પણ રંગબેરંગી ! ના, કંજૂસ સૂચના સંપુટ છે. બસ, ત્રણ જ સૂચના ! એ પણ પાછી મારી જિંદગીની ઘટમાળ જેવી ! ઘરેડમય ! સીમિત !

સિગ્નલ હઠયોગીની જેમ સ્થિર છે ! કે પછી સતત રંગબદલું અને અસ્થિર છે? મારી જિંદગી પણ અન્યો માટે તો સ્થિર જ છે. રોજ સહજ ભાવે સમાન રસ્તે સરળતાથી સરકું તો છું જ. કેટલું સારું છે ! બધું ગોઠવેલું છે ! લાગે છે જીવન સ્થિર છે. અરે એ જ તો અસ્થિરતાની નિશાની છે. સાહસિક અસ્થિરતા ! બૌદ્ધિક અસ્થિરતા ! કે પછી નબળા મનની માનસિક…!

સિગ્નલ તાકાતવાન છે. ભલભલાંને ઊભાં રાખી દે છે. ભલભલાં ઊભાં પણ રહે છે. હા, ઊભાં જ તો રહે છે. સહજપણે, સરળતાથી અને સટ્ટાક કરતાં ! બાકી તો સમય ઊભવા જ ક્યાં દે છે ! આ સિગ્નલ જ તો છે કે જે સમયને પણ સમય પાસેથી જ થોડી સેકન્ડો પૂરતો ચોરીને જીવનમાં બોનસરૂપે આપે છે. જ્યાં જરા સ્થિર થઈ શકાય છે.

ના, શાંત વાતાવરણ નથી હોતું પણ શરીર સ્થિર તો થાય જ છે ને ! મન બે ઘડી આજુબાજુ, નાનામોટાં, વાંકાચૂંકા કેટકેટલાંને નિરખી લે છે, કેટકેટલાંને કેવાકેવાંને ક્યારેક સ્મિત પણ આપી દે છે. ક્યારેક સામેથી પણ મળી જાય છે – એ જ કારણ વગરનું સ્મિત. કારણ કે, સામેના પણ સ્થિર થયાં હોય છે.

કોલાહલ વચ્ચે પણ કશું જ ન કરવાની સહેલ માણવી એને જ તો શાંતિ કહેતાં હશેને ! તો અહીં એ જ તો અનુભવાય છે. અસ્થિર જીવનને લાલ ટપકું ઉજાસમય બનીને ફરજિયાત પણે સ્થિર કરીને શાંતિની શાતા આપે છે. અલ્પ છતાં અંગત અને સચોટ કારણવાળી શાતા. જે પગ વચાળે ખોસાયેલાં કે શરીર ફરતે વિંટળાયેલા વાહનની ધ્રુજારી સાથે પણ અસ્તિત્વ પામે છે.

મારા પોતાનામાં કંઈક હોવાપણાંનો અહેસાસ કરાવતું સિગ્નલ એક જટિલ મિત્ર છે. સૌનું મિત્ર છે. સમજે તેનું મિત્ર બાકી લોખંડી માંચડો માત્ર. મિત્ર પાસે પહોંચીએ અને જો લાલિમા હોય તો જરા માથું ઓળી શકાય, ખંજવાળી શકાય, લોકો સામે સહજ જોઈ શકાય, સ્મિતની આપ લે પણ કરી શકાય, સતત મિત્રરૂપી ટપકાં સામે જોઈને પોતે જગતના મોરચે નીડર યોદ્ધાની જેમ વ્યસ્ત અને મસ્ત છીએ તેવો મૌન ઘાંટો પાડી શકાય.

આ લાલિમાએ જ મોડું કરાવ્યું તેવો રોકડો લાભ મિત્રના નામે ખાટી શકાય. ભયસૂચક રંગ ભલે હોય છતાં અટકાવી દે છે જિંદગીની જફા જરાક અને ભરી લઉં છું બે ચાર ઊંડા શ્વાસ. ભલે પ્રદૂષણવાળા પણ નિરાંતવાળા અને ભીડમાં પણ એકાંતના શ્વાસ. ભલેને પછી સિગ્નલની લીલાશ રચાતા જ સમયના ગુલામ છીએ તેવી હડબડાટી સમી મૌન ચીસ પડી જતી હોય.

રંગ તો એ વખતે લીલાશનો આંખ ઠરે એવો હોય સામે પણ આંખ પણ ઠરે એવી છૂટ ક્યાં હોય છે ! બે પળ માનવ બનેલાં માંસલ પિંડો દાનવ બનીને પીં પીં પોં પોં ની કાળાશ પ્રસરાવીને તમને હેસિયત તો યાદ અપાવી જ દે છે ને ! તુરંત તીક્ષ્ણ અને ઉભડક મન સૌને જીવનજફામાં જોતરી જ દે છે.

અસ્થિર કે સતત રઘવાટમાં દોડતા જીવનમાં આ મિત્ર જ તો પક્ષીદર્શન કરાવે છે. લાલિમાની ગરિમાથી ગતિશૂન્ય થઉં અને ફૂટપાથના ખૂણાની પણ પાછળ નાંખેલા દાણાં ચણતાં પક્ષી તરફ નજર જાય છે. બસ, એ સિવાય તો ક્યાં સહજ પક્ષીદર્શન પણ થાય છે. ક્યારેક સિગ્નલ પર જ બેઠેલું પક્ષી મુક્તમને વિહરવાની યાદ અપાવે છે.

મિત્ર રોજ સતત ત્રણ દિશા વિકલ્પો પણ દર્શાવે પણ હું એક જ દિશાએ આગળ વધું. સામેની દિશા. સીધી, સરળ અને સમસમીને સ્વીકારેલી દિશા. પરિવર્તનની બે દિશા હંમેશા ઉપલબ્ધ હોવાનું મારો મિત્ર તેજ લીસોટાથી યાદ અપાવે પણ સાહસ થોડું ઊછીનું આપે !

બહુ છોછ પણ નથી થતો. ભીડમાં દેખાતાં એકધારાં જીવનમાં સરકતાં શરીરોની હાલત પણ શાતામાં વધારો કરે પાછી. એકલા ક્યાં છીએ. આટલાં બધાં તો છે યંત્રવત્. છેવટે સામાજિક પ્રાણી તો છે બધાં. સામૂહિક બહુમતિની સામાજિક સ્થિતિ સહજ ગણાય ને ! અન્યો પણ તો એમ જ વહે છે ને રોજ ! ઘાણીના બળદની જેમ ! ફરે આખી જિંદગી – પહોંચે ક્યાંય નહીં !

– હિતેષ પાટડીયા, ગાંધીનગર. તા. ૮/૬/૨૦૨૧ (અમર કથાઓ ગ્રુપ)