“બાળપણની પ્રીત” – આ સત્ય ઘટના પર આધારિત સ્ટોરી તમારા દિલમાં જગ્યા બનાવી લેશે.

0
1176

બાળપણની પ્રીત.

લેખક – ભાનુભાઈ અધ્વર્યુ, સાવરકુંડલા.

આ અઠવાડિયે જ રાજેશ બેંગ્લોર જવા નીકળવાનો હતો. અહીં ગામડેથી અમદાવાદ અને ત્યાથી વિમાનમાં બેસીને બેંગ્લોર.

નીરણનો ભારો લેવા ખેતરમાં આવેલી રાધાએ આડી નજરે રાજેશના ખેતર તરફ નજર કરી. એ તેના આતા સાથે કંઈ ખેતીકામ કરી રહ્યો હતો.

પાળિયામા રજકો વાઢતી રાધા હજી તો માંડ સોળ વરસની હતી પણ રૂપ રૂપનાં અંબાર રાધાના પંડ્યે પણ કેવું કાઠું કાઢ્યું હતું !! એક તો ગોરો વાન અને એમાંય નમણો ચહેરો, ઉપર વાલામૂઈના પંડ્ય માથે ગમે તેવા કપડાં પણ પહેલાં વરસાદ પછી ધરતી શોભી ઉઠે તેમ દીપી ઉઠતા.

રાધાના હાથ કૂણાં રજકા ઉપર દાત રડું ચલાવત હતાં પણ દિલોદિમાગમાં રાજેશ રમતો હતો.

બંને સરખી ઉંમરના અને ખેતરો ય અડોઅડ. રહેવાનું ય એક શેરીમાં. નિશાળનુ પગથિયું પણ સાથે ચડ્યાં. બંને એકબીજાનો હાથ પકડીને નિશાળે જતાં અને આવતાં. મોટા થયા ત્યાં સુધી બંને બાળ સહજ શેરી રમતો પણ બીજા બાળકોની સાથે રમતાં.

એક દિવસ રાજેશના ખેતરમાં આવેલાં વિશાળ વડલે બાંધેલ હિચકે રાજેશ, રાધાને હિંચકા ખાતાં હતાં. રાજુ હિંચકો નાખે રાધા હિંચકે અને રાધા વળી રાજુને હિંચકા નાખે. બરાબર તે જ વખતે ત્યાં નીકળેલી રાધાની ભાભી તેને જોઈ ગઈ. પ્રેમાળ ભાભીએ રાધાને મીઠો ઠપકો આપતા કહ્યું, “રાધા બેન, હવે તમે નાના નથી, હમણાં જ સાતમું ધોરણ પાસ કરીને આઠમાં માં આવશો. તમારે હવે આમ રાજુ સાથે રમવા ભમવાનુ ઓછું કરવું પડશે.”

ઉંધુ ઘાલીને સાંભળતી રાધાના માથે હેતાળ હાથ ફેરવતી ભાભી આગળ બોલી, “હું જાણું છું કે તમે સાથે ભણો છો, તમારા ને રાજુના જીવ મળેલાં છે, પણ આપણું આ ગામડું ગામ, બધાને વાતું કરવાનું બાનુ મળે, મારી બેન”

ભાભીનાં મોઢે ‘તમારા બંનેના જીવ મળેલાં છે’ એવું સાંભળતાજ રાધાનું ગોરૂ મુખડું લજ્જા થી રાતુચોળ થઈ ગયું. આખા શરીરનું લો હી ચહેરા ઉપર ધસી આવ્યું. અને ‘ભાભી’ કહેતા’કે ને તેને વળગી પડી. ક્યાંય સુધી ભાભી તેના વાળમાં હાથ ફેરવતી રહી.

રાધા સાત વર્ષની હતી ને તેની માતા ટૂંકી બીમારી ભોગવીને પ્રભુને પ્યારી થઈ ગયેલી પણ સગી જનેતાને ભૂલવાડે તેવી ભોજાઈએ તેને ક્યારેય માંની ખોટ પડવા દીધી નહોતી.

રાજેશે તેનું મોટર સાયકલ ચાલું કર્યું અને રાધાની વિચારતંદ્રા તૂટી. તે ગાડી પાછળ નીરણનો ભારો બાંધી ને બાજુનાં રસ્તેથી પસાર થયો અને રાધા સામે હાથ ઉંચો કર્યો. રાધા પણ ચારે તરફ કોઈ જોતું નથી તેની ખાત્રી કરી બેઠાબેઠા હાથ હલાવીને લાગણી પ્રતિભાવ આપ્યો.

નીરણનો ભારો માથે મેલી તે ઘેર આવી. નવરી પડતાં જ વળી અતિતના ઓછાયા છવાયા ને તે વળી તેમાં ગરકાવ થઈ ગઈ.

રાજેશના પિતાજી રાધાના પિતાની સરખામણીમાં નાના ખેડૂતો હતાં. પણ મહેનત અને ધગશથી તેનું ઘર ઠીક ઠીક ખાતું પીતું હતું.

રાજુ નાનપણથી જ મળતાવડો આને પહેલાં ધોરણથી જ અભ્યાસમાં તેજસ્વી.

રાજુ તેના શિક્ષકોનો પણ લાડકો હતો.

રાજુ, રાધાએ સાતમું ધોરણ પાસ કરીને ગામમાં ચાલું વરસે જ ખૂલેલી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો.

બંનેનો અભ્યાસક્રમ બરાબર ચાલતો હતો અને તેની ભાભીને પ્રસૂતિ આવી તેથી રાધા શાળામાં થોડી અનિયમિત થઈ.

અને આખરે આવતી બંધ થઈ. તેથી રાજુ થોડો ઉદાસ રહેતો પણ ક્યારેક બંને ખેતરને શેઢે અલપઝલપ મળી લેતાં.

એક દિવસ રાધા કહે, ” રાજુ, તું દસમું ધોરણ પાસ કરીને હવે શહેરમાં ભણવા જાય છે, કાલ સવારે વધું ભણતર માટે કોઈ મોટાં શહેરમાં જઈશ તો મને ભૂલી તો નહીં જાય ને?”

“એમ જો ભૂલાતું હોત તો શું જોઈએ રાધા, હું ગમે તે શહેરમાં જાઉં અને ગમે તેટલો આગળ અભ્યાસ કરું પણ તને ભૂલી જ ન શકું. હવે તો જીવવું મ રવુ સાથે, આ ભવે તો કોઈ તાકાત આપણને છુટાં નહીં પાડી શકે.” તરૂણ વયનો રાજુ દેખીતો ઠરેલ દેખાતો હતો.

રાજુ આગળ કંઈક બોલવા જતો હતો પણ રાધાનો ભાઈ બળદગાડું લઈને આવી રહ્યો હતો. બળદ હાંકવા ના ડચકારા નજીકથી સંભળાતા બંને છુટા પડી ગયાં. રાજેશ વિજ્ઞાન વિષય સાથે ૧૨મા ધોરણની તૈયારી કરતો હોય વડલા નીચે પુસ્તક ખોલી વાંચવા લાગ્યો.

આખરે રાજેશની પરીક્ષા આવી પહોંચી અને પૂરી પણ થઈ ગઈ. પરીક્ષા પછીની રજાઓમાં બંને બે ચાર મળ્યાં.

જો સારા ગુણાંક આવે તો રાજેશે કમ્પ્યૂટર ના ઉચ્ચ અભ્યાસ અર્થે બેંગ્લોર જવાની વાત કરી તો રાધા ઢીલી પડી ગઈ તેની આંખો ચૂવા લાગી. રાજેશે નિયમિત દૂરભાષિત વાત કરવાનું આશ્ર્વાસન આપી તેને શાંત કરી.

રાજુ રાધા પરસ્પર કૂણી લાગણી ધરાવે છે તે બંને ના પરિવારજનો પણ જાણતા હતાં અને એક જ જ્ઞાતિના હોવાથી કદાચ સબંધ જોડાય તો પણ કશું વાંધા સરખું નહોતું. બૈરામા તો રાજુ રાધાની જોડી સારી જામશે તેવી અછડતી વાત પણ થયેલી.

અને બારમાનુ પરિણામ જાહેર થઈ ગયું. રાજેશ સારા ગુણ મેળવીને પ્રથમ કક્ષામાં પાસ થયો હતો. અને બેંગ્લોરની કમ્પ્યુટર ઈજનેરીની સારી મહાશાળામા પ્રવેશ મળી ગયો હતો. આ વાતનો સૌથી વધારે આનંદ રાધાને હતો પણ દુઃખ એ બાબતનું હતું કે હવે તેનું મોં જોવા નહીં મળે.

પ્રતીકાત્મક ફોટો

આખરે સમગ્ર પરિવારે તેને જવા માટે વિદાય આપી જેમાં રાધાના ભાઈભાભી પણ હતાં.

હવે બંને અઠવાડિયે એકાદવાર દૂરભાષ વાર્તાલાપ કરી લેતાં. બંને પરિવારો એ રાધા રાજુની સગાઈ નક્કી કરી નાખી હતી. ખાલી વિધિવત ઔપચારિકતા બાકી હતી તે પણ રાજુ જ્યારે ઉનાળું વેકેશનમા ઘેર આવ્યો ત્યારે પૂરી કરી.

રાધા રાજુને ક્યારેક દૂરભાષ યંત્ર મારફતે કહેતી,. “રાજુ, હું ગામડાંની અભણ જેવી અને તું…..”

રાજુ તેની વાત વચ્ચેથી કાપી બોલી ઉઠતો, “તારૂં કહેવાનું એમ છે ને કે આપણી આ અસમાનતાની મને શરમ આવશે, પણ શરમ અને લાજ તો ત્યારે આવવી જોઇએ કે આપણે કોઈ હીણુ કામ કરીએ. આપણે તો બાળપણનાં ગોઠિયા અને એકબીજા સાથે રહેવાનાં વેણથી બંધાયેલાં. હવે પછી આવી વાત ક્યારેય ન કરતી.”

વાત સાભળી રાધા નિરાંત અનુભવતી.

દિવસો એક પછી એક પસાર થતાં ગયાં. રાધા રમણના ખેતરો ઉપરથી ત્રણ ત્રણ ચોમાસા ગોથા મા રીને વરસી ચૂક્યાં હતાં. ચોથું ચોમાસું માથા ઉપર ઝળુંબી રહ્યું હતું. રાજેશ તેનાં અભ્યાસક્રમનાં છેલ્લાં વર્ષની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો.

અને એક અકસ્માત સર્જાયો.

રાધા તેના ભાઈ સાથે ભરેલાં ટ્રેકટરમાં ઘેર આવી રહી હતી તે દરમ્યાન બાવળની એક નીચી તીરની ઝાપટ રાધાની આંખમાં વાગી. બાવળની શૂળ આંખમાં ખૂચી ગઈ. રાધાની ચીસાચીસ સાંભળી ટ્રેકટર ઉભું રાખી દોડી આવ્યો. ઘેર આવીને તરત જ નજીકનાં શહેરનાં આંખના દાક્તર પાસે લઈ ગયા, ત્યાથી રાતો રાત ટેક્સી કરી અમદાવાદ પહોંચાડી પણ તેની આંખ સાજી થાય તેવી કોઈ સંભાવનાં નહોતી. બાવળની શૂળ આંખના રતનમા જ ખૂપીને નીકળી ગઈ હતી.

આખરે તેની જમણી આંખમાં ફૂલુ પડી ગયું. રૂડી રૂપાળી રાધા એક આંખે અવજી થઈ ગઈ. ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાજેશ પરીક્ષામાં વ્યસ્ત હોવાથી તેને જાણ ન કરી પણ છેવટે એને પણ ખબર પડી ગઈ. તેણે રાધાને દૂરભાષથી આશ્ર્વાસન આપ્યું, મુંઝાઈશ નહીં મારી પરીક્ષા પૂરી થતાં જ હું આવું છું. આપણે મુંબઈ સુધી જવું પડે તો જઈશું અને તેમ કરતાં પણ આંખ સાજી ન થાય તો પણ કંઈ ચિંતા ન કરતી, મેં તો ‘ઓઢી એની ઓઢી’ પછી બાડી, બોબડી, લૂલી લંગડી હોય તો પણ શું!! અને આ અકસ્માત લગ્ન પછી થયો હોત તો!!

રાધાથી રડી પડાયું કહે કે હવે મને ભૂલી જા રાજેશ આપણે હવે સમોવડિયા નથી રહ્યાં. ક્યાં હું એક આંખે કાણી અને ક્યાં તું!!

“હવે હું તો ભૂલી રહ્યો રાધા,” “મને એક આંખ વાળી પત્નીની લાજ, શરમ નહીં આવે.”

અને સમગ્ર પરિવારના વિરોધ છતાં રાજુ રાધા પરણી ગયાં.

– ભાનુભાઈ અધ્વર્યુ.

(સત્ય ઘટના પર આધારિત.) (અમર કથાઓ ગ્રુપ)