1000 લખોટીઓની આ પ્રેરણા સભર વાર્તા આપને જરૂર પસંદ આવશે અને ઉપયોગી શીખ પણ આપતી જશે.

0
1962

એક ખુબ મોટા ઉદ્યોગપતિ પોતાના કામમાં અતિ વ્યસ્ત રહેતા હતા. ધંધાના વિકાસમાં એવા તો ઓતપ્રોત હતા કે પરિવારને પણ પુરતો સમય આપી શકતા ન હતા.

એક દિવસ ઓફીસ જતી વખતે કારમાં રેડીયો સાંભળતા હતા. રેડીયો પર 75 વર્ષના કોઇ વૃધ્ધ માણસનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો.

વૃધ્ધ માણસને પુછવામાં આવ્યુ કે આપે જીવનના 75 વર્ષ પૂર્ણ આનંદથી વિતાવ્યા છે. આપના પરિવારના બધા લોકોને ખુબ પ્રેમ અને સમય આપ્યો છે. આવુ કેવી રીતે કરી શક્યા?

જવાબમાં વૃધ્ધે કહ્યુ, “મારા પારિવારિક મજબુત સંબંધોનું કારણ છે મેં ભેગી કરેલી 1000 લખોટીઓ.”

ઇન્ટરવ્યુ લેનારો મુંઝાઇ ગયો. 1000 લખોટીઓ અને પરિવારને વળી શું સંબંધ?

રેડીયો પર વાર્તાલાપ સાંભળી રહેલા ઉદ્યોગપતિને પણ આ જાણવાની ઇચ્છા થઇ એટલે એણે ડ્રાઇવરને વોલ્યુમ વધારમા માટે કહ્યુ.

વૃધ્ધે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, “મારી યુવા અવસ્થામાં મને સંબંધો કરતા સંપતિ વધુ વહાલી હતી. રાત-દિવસ હું સંપતિ કમાવા માટે જ દોડતો હતો. 55 વર્ષની ઉંમરે મને સમજ પડી કે માત્ર સંપતિ જ સર્વસ્વ નથી. મેં નક્કી કર્યુ કે હું જીવીશ ત્યાં સુધી અઠવાડીયામાં એક દિવસ તો મારા પરિવાર સાથે મોજ મસ્તીમાં વિતાવિશ.

સરેરાશ 75 વર્ષનું આયુષ્ય ગણીએ તો હવે મારી પાસે 1000 અઠવાડીયા હતા આથી મેં 1000 લખોટી ખરીદીને એક બરણીમાં ભરી દીધી. દર અઠવાડીએ એક એક લખોટી તેમાંથી કાઢીને બહાર ફેંકી દેતો.

જેમ જેમ બરણી ખાલી થવા લાગી તેમ તેમ મને સમજાતું ગયુ કે મારા પરિવાર માટે મારી પાસે બહુ જ ઓછો સમય છે આથી હું વધુ સમય પરિવારને આપવા લાગ્યો. આજે મારી બરણીની છેલ્લી લખોટી પણ મેં ફેંકી દીધી. બરણી સાવ ખાલી છે પણ હું ખુશ છું કે આ લખોટીને રમતને કારણે હું પરિવારને પુરતો સમય આપી શક્યો. હવેનો બધો જ બોનસ ટાઇમ પરિવારને જ આપવો છે.”

વાત સાંભળી રહેલ ઉદ્યોગપતિની આંખ ભીની થઇ ગઇ. કારણ કે એકનો એક દિકરો ઘણા સમયથી મેળામાં જવા માટે કહેતો હતો પણ એને મેળામાં લઇ જવાનો સમય નહોતો. રસ્તામાં એક સ્ટોર પાસે ગાડી ઉભી રખાવીને એણે ડ્રાઇવરને કહ્યુ, “ભાઇ સ્ટોરમાં જઇને 1000 લખોટી લઇ આવ.”

મિત્રો, સંપતિ આપણા માટે છે આપણે સંપતિ માટે નથી. સમય તો મર્યાદિત છે માત્ર સંપતિ કમાવા માટે નહી પરંતુ પરિવાર માટે પણ થોડો સમય અનામત રાખવો.

ચાલો આપણે પણ 1000 લખોટીની રમત રમીએ… પગને સતાવે એવી.

– ડો. આઇ. કે. વિજળીવાળા.

(સાભાર બી રિસ્પોન્સિબલ ઓર્ગેનાઇઝેશન)