ટુંકી ખેતી.. અને મગન દેખાવમાં પણ નબળો , એટલે સગપણ થતું ન હતું અને ઉમર વધતી જતી હતી.. અંતે નક્કી કર્યું કે ‘ભલે થોડા પૈસા આપવા પડે.. બીજા ઘણા લાવ્યા છે એવી રીતે છેટેથી છોકરી લઈ આવવી..’ જમનાએ બે ચાર જણાને વાત કરી , સુરતના એક માણસે પચાસ હજારમાં ગોઠવી દીધું..
વહુ આવી ગઈ.. જમનાને હાશકારો થયો..
જમના વહુનું બહુ ધ્યાન રાખતી.. કોઈકે એને ચેતવી પણ હતી કે ‘આવી છોકરીઓ ઘરમાંથી દરદાગીના લઈને ભાગી જાય છે..’ પણ વહુના વર્તનથી એને જરા ધરપત થઈ કે આ એવી લાગતી નથી..
જયાપાર્વતિનું વ્રત આવ્યું.. જમનાએ વહુને વ્રત રહેવડાવ્યું.. પાડોશીની છોકરી સાથે ગોર પુજવા મોકલી.. બટેટાની કાતરી કરી દીધી.. માંડવી પાકનો ડબરો ભરી દીધો.. મગન થોડા દુધિયા પેંડા પણ છાનોમાનો લઈ આવ્યો હતો..
આજે જાગરણ હતું.. સાંજના ઘરકામ પુરા થયાં , એટલે જમના જાતે ભેગી જઈને વહુને છોકરીઓના ઘેરામાં મુકી આવી.. અને ભલામણ કરી.. ” આને તમારા ભેગી રમાડજો.. ના આવડે એ શીખવાડજો..”
શેરીના નાકે રાસડા લેવાયા.. મધરાત થઈ ત્યારે છોકરીઓ ફેરીમાં નિકળી.. પોતે જાગે ને બીજા કેમ સુવે? એ હિસાબે જોરજોરથી ગીત ગાયા..
” ચારવાર ચુકો.. જલેબીનો ભુકો.. મારી તે બાગમાં જાંબુના ઝાડ છે.. એમાં મારો ભાગ છે..
મેં બોલાવી કેમ ના આવી.. એટલી મારી ભૂલ છે..”
પછી હેલારો ચાલુ થયો..
” અડીકડીના અવળા દોર.. હેલારો..
નાથાભાઈની મેડીએ ચડીયા ચોર.. હેલારો..
નાથાભાઈનું શું શું ગ્યું.. હેલારો..
ગોખલેથી કુંચી ગઈ.. હેલારો..
નાથાભાઈની લુચી ગઈ.. હેલારો..”
આમ કોઈના ઘર પાસે.. ” પટારેથી કાંબી ગઈ.. પરસોતમની લાંબી ગઈ.. ” તો બીજા ઘર પાસે.. ” કબાટમાંથી વાળી ગઈ.. વજુભાઈની કાળી ગઈ..” એમ મજાક મસ્તી વાળું જાગરણ થયું..
સવાર પડવા આવી.. અવાજ બંદ થયો.. જમના વહુની વાટ જોતી જાગતી હતી.. સુરજ ઉગવા આવ્યો , તોય વહુ ના આવી.. જમના ગોતવા નિકળી.. જાણીતી છોકરીઓને પુછી જોયું.. તો જવાબ મળ્યો.. ” એ તો મને ભૂખ લાગી છે , એમ કહીને એક વાગે જતી રહી હતી.. પછી અમારા ભેગી આવી જ નથી..”
જમનાને સમજાઈ ગયું.. બીજાની ચેતવણી સાચી નિકળી.. પોતે હોંશથી પોતાના દાગીના વ્રતમાં પહેરવા આપ્યા હતા.. એ પહેરીને વહુ ભાગી ગઈ લાગે છે..
બિચારો મગન..
જાગરણવાળીઓએ એના ઘર પાસે આવીને હેલારો નહોતો લીધો..
” અડીકડીના અવળા દોર.. હેલારો..
મગનભાઈની મેડીએ ચડિયા ચોર.. હેલારો..
મગનભાઈનું શું શું ગ્યું.. હેલારો..
રસોડેથી થાયડી ગઈ.. હેલારો..
મગનભાઈની બાયડી ગઈ.. હેલારો..”
– જયંતીલાલ ચૌહાણ ૨૫-૭-૨૧ (અમર કથાઓ ગ્રુપ)