જયારે ભગવાન વિષ્ણુએ કર્યું માતા પાર્વતી સાથે છળ, શું હતું તેનું કારણ?

0
375

જાણો બદ્રીનાથ અને કેદારનાથ સાથે જોડાયેલી કથા, ભગવાન વિષ્ણુએ કેમ માતા પાર્વતી સાથે કર્યું છળ.

એવું માનવામાં આવે છે કે બદ્રીનાથ ધામ ક્યારેક ભગવાન શિવ અને પાર્વતીજીનું વિશ્રામનું સ્થાન હતું. ભગવાન શિવ અહીં પોતાના પરિવાર સાથે રહેતા હતા, પણ શ્રીહરિ વિષ્ણુને આ સ્થળ એટલું સારું લાગ્યું કે તેમણે તેને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવી.

પુરાણ કથા અનુસાર સતયુગમાં જયારે ભગવાન નારાયણ બદ્રીનાથ આવ્યા ત્યારે અહીં બોરનું જંગલ હતું, અને અહીં ભગવાન શંકર પોતાની અર્ધાંગિની પાર્વતીજી સાથે આરામથી રહેતા હતા. એક દિવસ શ્રીહરિ વિષ્ણુ અહીં આવીને બાળકનું રૂપ ધારણ કરીને જોર-જોરથી રડવા લાગ્યા.

તેમનો રડવાનો અવાજ સાંભળીને માતા પાર્વતીને ઘણું દુઃખ થયું. તે વિચારવા લાગ્યા આ જંગલમાં ક્યુ બાળક રડી રહ્યું છે? તે આવ્યું ક્યાંથી? અને તેની માતા ક્યાં છે? આ બધું વિચારીને માતા પાર્વતીને તે બાળક પર દયા આવી ગઈ. પછી માતા પાર્વતી તે બાળકને લઈને પોતાના ઘરે પહોંચ્યા.

શિવજી તરત જ સમજી ગયા કે આ વિષ્ણુજીની કોઈ લીલા છે. તેમણે પાર્વતીજીને તે બાળકને ઘરની બહાર મૂકી દેવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે, તે થોડીવાર રડીને જાતે જ અહીંથી જતો રહેશે. પણ માતા પાર્વતીએ તેમની વાત નહિ માની અને બાળકને ઘરમાં લઇ જઈને ચૂપ કરાવીને સુવડાવી દીધો.

થોડી વારમાં બાળક સુઈ ગયો ત્યારે માતા પાર્વતી બહાર આવી ગયા અને શિવજી સાથે થોડે દૂર ભ્રમણ કરવા નીકળી પડ્યા. ભગવાન વિષ્ણુ આ ક્ષણની જ રાહ જોઈ રહ્યા હતા. તેમણે ઉઠીને ઘરનો દરવાજો બંધ કરી દીધો.

ભગવાન શિવ અને પાર્વતી જયારે ઘરે પાછા આવ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે જયારે બાળકને દરવાજો ખોલવા માટે કહ્યું, તો અંદરથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે, હવે તમે ભૂલી જાવ ભગવન. આ સ્થાન મને ઘણું પસંદ આવી ગયું છે. મને અહીં વિશ્રામ કરવા દો. હવે તમે અહીંથી કેદારનાથ જતા રહો. ત્યારથી લઈને આજ સુધી શ્રીહરિ વિષ્ણુ બદ્રીનાથમાં પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે અને ભગવાન શિવ કેદારનાથમાં.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.