લગ્નની એનિવર્સરી પર પત્ની માટે ગીફ્ટ લાવેલા પતિની સ્ટોરીમાં એક કામનો મેસેજ છુપાયેલો છે, જાણો કયો?

0
943

ખાસ પ્રસંગ (Special Occasion) :

આજે રોહિત અને રોશનીના લગ્નની પાંચમી એનિવર્સરી હતી. હંમેશાની જેમ જ રોહિત, રોશની માટે એક સુંદર મજાની ગિફ્ટ લઈને આવ્યો હતો. રોશનીએ ગિફ્ટ ખોલીને જોઇ તો અંદરથી એ જ સાડી નીકળી જે એણે મોલમાં જોઈ હતી. ગમતી સાડી મળવાથી રોશની તો ખૂબ જ ખુશ થઇ ગઇ હતી.

પછી તેણે વ્યવસ્થિત રીતે સાડી ની ઘડી કરી અને બોક્સ માં મૂકી દીધી. ત્યારે રોહિતે કહ્યું, “રોશની, આજે સાંજે આપણે ડિનર પર જશું ત્યારે તું આ જ સાડી પહેરજે.” ત્યારે રોશનીએ કહ્યું, “ના રોહિત, આ સાડી તો હું કોઈ ખાસ પ્રસંગ આવશે ત્યારે જ પહેરીશ” અને બોલતા બોલતા તેણે સાડી કબાટમાં મૂકી દીધી.

થોડા દિવસ પછી તેમને એક સંબંધીને ત્યાં લગ્નમાં જવાનું થયું. મોડી રાતે લગ્નમાંથી પાછા ફરતી વખતે તેમની સાથે એક ગંભીર અકસ્માત સર્જાયો. એ અકસ્માતમાં રોહિત તો બચી ગયો પણ, રોશની ગંભીર રીતે ઘવાઈ ગઈ. ઘણા પ્રયત્નો બાદ પણ ડોક્ટરની ટીમ રોશનીને ન બચાવી શકી.

આ ઘટનાથી રોહિતને ખૂબ જ આઘાત લાગ્યો. થોડા દિવસ બાદ રોહિતનો મિત્ર સૌરભ, તેના ઘરે આવ્યો. સૌરભ સાથે રોશની વિશેની વાતો કરતા કરતા, રોહિત તેને રોશનીના કબાટ તરફ લઈ ગયો અને કબાટ ખોલ્યો. કબાટમાં મોટા ભાગની ગિફ્ટમાં તો કપડાં અને ઘરેણાં જ હતા.

અંદર રહેલી ગિફ્ટને જોઈને સૌરભને ખૂબ જ નવાઈ લાગી. તેણે રોહિતને પૂછ્યું, “આટલી બધી પેક કરેલી ગિફ્ટ કોની છે?” ત્યારે રોહિત બોલ્યો, “આ બધી ગિફ્ટ, હું રોશની માટે લાવ્યો હતો.” ત્યારે સૌરભે પૂછ્યું, “તો પછી આ બધી ગિફ્ટ પેક કેમ છે?” ત્યારે રોહિતે જવાબ આપ્યો, “રોશની હંમેશા એમ જ કહેતી, કે કોઈ ખાસ પ્રસંગ આવશે ત્યારે હું આ પહેરીશ” અને આટલું બોલતા બોલતા રોહિતની આંખો ભીની થઈ ગઈ.

આપણને અવાર નવાર આપણા મિત્રો દ્વારા, સ્વજન દ્વારા, બાળકો દ્વારા, માતા-પિતા દ્વારા કપડાં અથવા ઘરેણાં જેવી ખૂબ જ કીમતી ગિફ્ટ મળતી હોય છે અને આપણે એ ગિફ્ટને ખૂબ જ સંભાળીને કબાટમાં મુકી દઇએ છીએ એમ વિચારીને કે ક્યારેય કોઈ ખાસ પ્રસંગ આવશે ત્યારે પહેરશું. પણ આ ખાસ પ્રસંગના ચક્કરમાં ઘણી વાર આખી જિંદગી પૂરી થઈ જાય છે અને કીમતી ઘરેણાં તેમજ કપડાં કબાટમાં એમના એમ રહી જાય છે. માટે પ્રસંગની રાહ ન જુઓ. જ્યારે તમને એ પહેરવાની ઈચ્છા થાય ત્યારે એ પહેરી લો. ગયેલો સમય પાછો નથી આવતો.

લેખક – મીના સાવલા કારીઆ (અમર કથાઓ ગ્રુપ)