સ્ટોરી એક સંસ્કારી વહુની જેણે લગ્ન પછી ફરવા જવાની જગ્યાએ એક ખાસ રીતે પરિવારજનોને રાજી કર્યા.

0
1453

(અડધો ભાગ – ભાગ 3 અને 4)

(આગળના બે ભાગમાં આપણે જાણ્યું કે, કઈ રીતે પૈસાદાર પરિવારે ગરીબ ઘરની દીકરીને પોતાની વહુ બનાવી. અમારા પેજ પર – અડધો ભાગ લખીને સર્ચ કરશો એટલે એ ભાગ મળી જશે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.)

હનીમુન :

લગ્ન પત્યા પછી બધું ઠેકાણે પાડવાનું હતું, ને કેટલાક અંગત મહેમાનો રોકાયા હતા, એટલે વિવેક રુપા ક્યાંય બહાર જઈ શક્યા ન હતા.

વિવેકે રુપાને પુછ્યું.. ”હું તો ઘણું ફર્યો છું, હવે તારી પસંદગીના સ્થળે હનીમુન પર જઈશું.. એટલે અગાઉથી કંઈ ગોઠવણ કરી નથી. બોલ, ક્યાં જઈશું?”

“આવું સુંદર ઘર. સ્વતંત્ર મોટો ઓરડો અને મમ્મીએ મને સાત દિવસ સુધી રસોડામાં આવવાની મનાઈ કરી છે. બોલો, આનાથી વધારે સારું સ્થળ ક્યું હોય? તેમ છતાં તમારી ઈચ્છા હોય, ત્યાં લઈ જાવ. બસ.”

“રુપા, તું ફોન પર મળતી અને હવે રુબરુ મળી. એ બેયમાં ઘણો ફેર છે. તું બીજી કરતા સાવ જુદી છોકરી છો.”

“છોકરી નહીં.. સ્ત્રી.. હું તમારી પત્ની છું..” રુપાએ ભૂલ કાઢી.

વિવેક હસીને બોલ્યો.. “લે.. છોકરી નહીં.. સ્ત્રી.. બસ.. હવે કંઈ ભૂલ ના કાઢતી. માવડી.”

“એમ બોલાય?” કહીને રુપાએ ધબ્બો માર્યો, ને આલિંગન લીધું ને ખુબ લાંબુ મૌન ચાલ્યું.

મૌન તોડી રુપા બોલી.. “યાદ છે.. સગાઈ વખતે મેં કહ્યું હતું કે હું તમારી ઢીંગલી નહીં બનું. હું તમારી જીવનસાથી. તમે મારાથી ઉમરમાં મોટા, ને સમાજની પરંપરા એટલે તમે મારા ઉપરી. પતિ તરીકે માલીક નહીં.. હું ગૃહિણી.. એટલે તમારી દરેક જરુરીયાતનો ખ્યાલ રાખવો, એ મારી ફરજ. પણ ગુલામ નહીં. તમે પુછશો તો આવડત જેટલી સલાહ આપીશ. ભૂલ કરશો તો રોકીશ. મિત્ર તરીકે.”

“જુઓ, તમને એકડી- બગડી સમજાવું. આપણા બેમાં તમે એકડી, હું બગડી. વહેવારમાં પપ્પા એકડી, મમ્મી બગડી, તમે તગડી ને હું ચોગડી. ઘરમાં મમ્મી એકડી, હું બગડી. ધંધામાં પપ્પા એકડી, તમે બગડી. ને તમને પ્રેમ કરવામાં હું એકડી. એમાં બગડી હોય જ નહીં. સમજાણું?”

“હા ટીચર, તમારા આ નવી જાતના એકડા બગડા આવડી ગયા. બસ. રુપા, તું સાચે જ ખુબ સમજુ છો. પણ મને તારી આવી ફિલસુફીમાં ઢસડી ના જતી. એય.. ઓલું કંઈક સુભાષિત છે ને.. સયનેષુ રંભા.. એટલે શું?”

“એટલે.. એ રંભા, એ જ આ તમારી રુપા..” કહી ગાલ વિવેકના મોં તરફ ધર્યો.

(વાયણું)

ક્યાંય ફરવા જવાનું ગોઠવાયું નહીં, એટલે મમ્મીએ સામેથી કહ્યું.. “આમ સાવ ઘરમાં શું પડ્યા છો. તમારી ઉમર છે. જાવ, ક્યાંક ફરી આવો.”

રુપાએ વિવેકને કહ્યું.. ”તમને ખબર છે.. નવા પરણેલાને વાયણું જમાડવાનો રીવાજ છે. આપણે બીજે જવાને બદલે મામા, ફઈ, કાકા, માસીઓના ઘરે ત્રણ ચાર દિવસ જઈ આવીએ તો? મારે બધા સાથે ઓળખાણ થઈ જાય, ને વાયણું પણ જમાય જાય.”

મમ્મી પપ્પાને પુછી જોયું, એમણે કહ્યું.. “તમે અચાનક જશો, એટલે બધા ખુબ રાજી થશે.”

રુપાએ મમ્મીને પુછીને કેના ઘરમાં કેટલા નાના છોકરા છોકરીઓ છે, તે પ્રમાણે, વિવેક સાથે બજારમાં જઈ, દરેક માટે નાની મોટી ભેટ ખરીદી.

પહેલાં મોટા ફઈને ત્યાં ગયા. જેઠાણીઓ નવી દેરાણીને અચાનક આવેલ જોઈ રાજી થઈ ગઈ અને ભેટ મળતાં, નાના છોકરા છોકરીઓ તો ખુશખુશાલ થઈ ગયા. એક રાત રોકાઈને સવારે નિકળ્યા ત્યારે બધી જેઠાણીઓએ સાડલાના સો સો રુપિયા હાથમાં આપ્યા.

પછી બીજા ફઈને ધરે.. પછી કાકાને ઘરે.. પછી માસીઓના ઘરે..

અંતે મોસાળમાં ગયા. મામા-મામીઓના આગ્રહને વશ થઈ ત્યાં બે રાત રોકાવું પડ્યું. એક સાંજે વાડીએ ભજીયાનો કાર્યક્રમ ગોઠવાયો.

નિકળતી વખતે રુપાએ વડિલોના ચરણસ્પર્ષ કર્યા. વૃધ્ધ નાનીમાની આંખમાં હરખના આંસુ આવી ગયા. રુપાને થોડીવાર પોતાની પાસે બેસાડી રાખી. માથે હાથ મુકી આશીષ આપ્યા.. “ખુબ ખુબ સુખી થાવ.. ને ઘરડાની આંતરડી ઠારો.”

રસ્તામાં રુપાએ પુછ્યું.. “વિવેક, આપણે ફરવાના સ્થળે ગયા હોત, તો આટલો આનંદ આવત ખરો? આપણે તો ઠીક, પણ એ બધા કેવા રાજી થયા.”

ઘરે આવી રુપાએ બધો જ વિગતવાર અહેવાલ મમ્મીને કહી સંભળાવ્યો. મમ્મીને સાંભળવાની મજા આવી.

“જુઓ, મમ્મી.. “રુપાએ કહ્યું.. “નાનીમાએ મને સૌથી મોટી ભેટ આપી..” કહીને ચાંદીનો સિક્કો બતાવ્યો.

“નાનીમા કહેતા હતા કે.. આ રાણીછાપ સિક્કો.. તે પરણીને આવ્યા ત્યારે.. એમના સાસુ, એટલે તમારા દાદી.. એ આપ્યો હતો..”

મમ્મીએ કહ્યું.. “આ સિક્કો ખુબ કિમતી છે.. પણ મારી રુપા જેટલો તો નહીં.”

રુપા વખાણથી શરમાણી.. ને માથું મમ્મીના ખભા પર ટેકવી દીધું.

લેખક – જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)

(ફોટા પ્રતીકાત્મક છે.)