શું છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું રહસ્ય, જાણો પૌરાણિક કથા.

0
1593

નાસિકના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા અને તેના રહસ્યો. ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. દરેક સિદ્ધિઓ આપનારા મહાદેવની આરાધના ફક્ત મનુષ્ય અને દેવતા જ નહિ, પણ વાનર, દૈત્ય, ગંધર્વ, અસુર તથા કિન્નર પણ કરે છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવના 12 જ્યોતિર્લિંગોનું મહત્વ જણાવવામાં આવ્યું છે, જે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે.

આ લેખમાં આપણે જાણીશું કે છેવટે શું છે આ જ્યોતિર્લિંગની સ્થાપનાની કથા, સાથે જ એ પણ જાણીશું કે તેનું આટલું મહત્વ કેમ છે? આ લેખના માધ્યમથી અમે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા : ત્રંબકેશ્વર મહાદેવ મંદિર નાસિકમાં ત્રયંબક નામના સ્થળ પર બ્રહ્મગિરિ પર્વત પાસે આવેલું છે. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતા અંતર્ગત આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ મળે છે જે આ પ્રકારે છે.

પ્રાચીન કાળમાં આ સ્થળ પર અનેકો વર્ષો સુધી વરસાદ થયો ન હતો. જેના લીધે અહીં ભયંકર દુકાળ પડ્યો, અને અહીંના રહેવાસી બીજા સ્થળ પર સ્થળાંતર કરવા લાગ્યા. તે સમયે ગૌતમ ઋષિએ કઠોર તપસ્યા કરીને વરુણદેવને પ્રસન્ન કર્યા. ઋષિની તપસ્યાને જોતા વરુણ દેવે ઋષિને એક ખાડો ખોદવાનું કહ્યું અને પોતાના દિવ્ય જળથી તેને ભરી દીધો. આ જળથી આ સ્થળ પર ફરીથી હરિયાળી થવા લાગી, અને પલાયન કરવાવાળા દરેક રહેવાસી આ સ્થળ પર પાછા આવી ગયા.

એક દિવસની વાત છે જયારે ઋષિના કેટલાક શિષ્ય તે તળાવમાં પાણી ભરવા માટે આવ્યા, અને તે સમયે કેટલીક ઋષિ પત્નીઓ પણ ત્યાં પહોંચી અને પહેલા પાણી ભરવાની જીદ્દ કરવા લાગી. એવામાં ઋષિ ગૌતમની પત્ની અહિલ્યા ત્યાં આવે છે અને તે ઋષિ પત્નીઓને આગ્રહ કરે છે કે, પહેલા આ દરેક શિષ્ય અહીં આવ્યા છે, તો કૃપા કરીને તેમને પહેલા પાણી ભરવા દે. તેના પર દરેક ઋષિ પત્નીઓએ વિચાર્યું કે, માતા અહિલ્યા આ વાતમાં પોતાના શિષ્યોનો પક્ષ લઇ રહ્યા છે, કારણ કે આ દિવ્ય જળની વ્યવસ્થા તેમના પતિ ઋષિ ગૌતમે કરાવી છે.

ઋષિ પત્નીઓએ પોતાના પતિઓને આ આખી ઘટના અતિશયોક્તિથી (બહુ વધારીને કરેલું વર્ણન) જણાવી અને તે દરેક ઋષિઓએ ગૌતમ ઋષિ સાથે બદલો લેવાનું વિચાર્યું. અને તેના માટે ઋષિઓએ ભગવાન ગણેશની મદદ લીધી. તેમણે ભગવાન ગણેશની કઠોર તપસ્યા કરીને ગૌતમ ઋષિ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તેના પર ભગવાન ગણેશે તે દરેકને સમજાવતા કહ્યું કે, આવા પરમ આત્મા સાથે વેર રાખવો યોગ્ય નથી. તેનું પરિણામ અત્યંત ખરાબ હોઈ શકે છે. પરંતુ ઋષિઓની જીદ્દને કારણે ભગવાન ગણેશે તેમની આજ્ઞા માની લીધી.

તેના થોડા દિવસો પછી ભગવાન ગણેશ એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરીને ગૌતમ ઋષિના ખેતરમાં આવ્યા. ગૌતમ ઋષિ તે ગાયને જોઈને તેની પાસે જઈને તેને પોતાના હાથથી ચારો ખવડાવવા લાગ્યા. પણ તેમના દ્વારા ખવડાવવામાં આવેલા ચારાના સ્પર્શ માત્રથી જ તે ગાય મૂર્છિત થઈને જમીન પર પડી ગઈ, અને તેનું મૃત્યુ થઈ ગયું.

બીજા ઋષિઓ તે સમયે તે સ્થળ પર સંતાયેલા હતા, અને ગાયના મૂર્છિત થવા પર તે બહાર આવી ગયા અને તેના માટે ગૌતમ ઋષિને જવાબદાર ગણાવવા લાગ્યા, અને તેમના પર ગૌ હ ત યા નું પાપ નાખવા લાગ્યા. તે બધા ઋષિઓએ ગૌતમ ઋષિને અપમાનિત કરીને તેમને ગામ છોડીને જતા રહેવા કહ્યું. અને ગૌતમ ઋષિ તે સ્થળ છોડીને ત્યાંથી દૂર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા.

પરંતુ આ ઋષિઓએ ત્યાં પણ તેમનો પીછો નહિ છોડ્યો અને ગૌતમ ઋષિને કહેવા લાગ્યા કે, તમે ગૌ હ ત યા નું પાપ કર્યું છે. અને આ પાપથી મુક્ત થવા માટે તમારે ત્રણ વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આ સ્થળ પર આવીને એક મહિના સુધી વ્રત કરવું પડશે, તેની સાથે જ તમારે બ્રહ્મગિરિ પર્વતની 101 વાર પ્રદિક્ષણા પણ કરવી પડશે, ત્યારે જ તમારી શુદ્ધિ થઈ શકશે. અથવા તો તમે આ જગ્યા પર માતા ગંગાને લાવીને તેમાં સ્નાન કરો અને મહાદેવના પુરા 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની આરાધના કરો, પછી બ્રહ્મગિરિ પર્વતની 11 વાર પ્રદક્ષિણા કરી 100 ઘડાના જળથી તે દરેક પાર્થિવ શિવલિંગનો અભિષેક કરો, ત્યારે જઈને જ તમને આ પાપમાંથી મુક્તિ મળી શકે છે.

તે ઋષિઓના કહેવા પ્રમાણે ગૌતમ ઋષિએ મહાદેવના પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની આરાધના શરૂ કરી. આ તપમાં ગૌતમ ઋષિની પત્ની અહિલ્યાએ પણ તેમનો સંપૂર્ણ સાથ આપ્યો.

ગૌતમ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાના દિવ્ય દર્શન આપ્યા અને તેમને વરદાન માંગવા કહ્યું. તેના પર ગૌતમ ઋષિએ તેમને ગૌ હ ત યા પાપમાંથી મુક્ત થવાનું વરદાન માંગ્યું. આથી મહાદેવ બોલ્યા કે તમે તો કોઈ પાપ કર્યું જ નથી. એ તો પેલા ઋષિઓએ વેરને કારણે ષડયંત્ર બનાવ્યું હતું. તમે હંમેશાથી નિષ્પાપ છો. ભગવાનના મુખથી આ વાણી સાંભળી ગૌતમ ઋષિ સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા કે, જો તે ઋષિઓએ આવું ન કર્યું હોત, તો મને તમારા દર્શન પણ ના થાત. એટલા માટે હે મહાદેવ જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન છો, તો અહીં માં ગંગાને પ્રકટ કરો.

ગૌતમ ઋષિના આગ્રહથી ભગવાન શિવે ગંગાને આ સ્થળ પર પ્રકટ થવાનું નિવેદન કર્યું. તેના પર માં ગંગાએ કહ્યું કે, હું ત્યારે જ આ સ્થળ પર પ્રગટ થઈશ જયારે મહાદેવ પોતે પોતાના પરિવાર અને સમસ્ત દેવતાઓ સાથે અહીં વાસ કરશે. મહાદેવે તથાસ્તુ કહ્યું અને દરેક દેવોને કહ્યું કે, દર વર્ષે જયારે બૃહસ્પતિ દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો આ સ્થળ પર દરેક દેવતાઓનો વાસ હશે. પછી માં ગંગા તે સ્થળ પર પ્રગટ થયા અને વિશ્વમાં ગોદાવરીના નામથી ઓળખાવા લાગ્યા, અને મહાદેવ આ લિંગ સ્વરૂપ સંસારમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા.

આ લેખમાં અમે તમને નાસિકમાં આવેલા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથાનો સાર વિધિપૂર્વક જણાવ્યો છે. અન્ય જ્યોતિર્લિંગોની સ્થાપના સંબંધિત કથાઓ આગળના લેખમાં વાંચવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.