સાચી મિત્રતાની આ સ્ટોરી તમારા હૃદયને સ્પર્શી જશે, જો જો વાંચવાનું ચુકી ન જવાય.

0
376

સાચી મિત્રતા :

બેંગલોર એરપોર્ટ ના મુંબઈ તરફ જતી ફ્લાઇટ ના ડીપાર્ચર લાઉન્જમાં બાજુ બાજુમાં બેઠેલી બે અજાણી વ્યક્તિઓ એક બીજા સાથે સમય પસાર કરવા વાતચીત કરી રહી હતી.

” આજકાલ ફલાઇટો બહુ લેટ પડે છે.” સુધીર ગણાત્રાએ બાજુમાં બેઠેલા ભાઈ સાથે વાત શરૂ કરી. એ ભાઈએ થોડી વાર પહેલાં જ મોબાઈલ ઉપર પોતાના ઘરે ગુજરાતીમાં વાત કરી હતી એટલે એ ગુજરાતી હોવાની સુધીરભાઈને ખાતરી થઈ હતી.

” હા તમારી વાત સાચી છે. સમયનું શિડ્યુલ સચવાતું નથી. લોકલ ફલાઈટો તો ઠીક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સમયસર ઉપડતી નથી. ”

” જો કે ફલાઈટો પણ ઘણી વધી ગઈ છે એટલે શિડયુલ સચવાતું નથી. તમે મુંબઈ રહો છો કે બેંગલોર? કારણ કે બેંગલોરમાં પણ ઘણા ગુજરાતીઓ વસે છે ” સુધીર ગણાત્રાએ વિષય બદલ્યો.

” ના જી… હું તો મુંબઈમાં જ રહું છું. ધંધાના કામે અવારનવાર મુસાફરીઓ થતી રહે છે. તમે? ” તુષાર પારેખે વળતો જવાબ આપ્યો.

” જી હું બોરીવલીમાં રહું છું. મારું નામ સુધીર ગણાત્રા. ” સુધીરભાઈ બોલ્યા.

” બોરીવલીમાં? બોરીવલી માં કઈ જગ્યાએ? કારણકે હું પણ બોરીવલીમાં જ રહું છું. ચંદાવરકર રોડ ઉપર પટેલ શોપિંગ સેન્ટર. તુષાર પારેખ મારું નામ.” તુષારભાઈ એ પૂછ્યું.

” એલ ટી રોડ બાભઈ નાકા. પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહુ છું. ” સુધીરભાઈએ પોતાનું એડ્રેસ જણાવ્યું.

” અરે વાહ તમે તો મારા પાડોશી નીકળ્યા. ખરેખર દુનિયા બહુ નાની છે. ‘ તુષારભાઈ એ હસીને કહ્યું.

” શાનો બિઝનેસ છે આપનો? સોરી ખોટું ના લગાડતા. આટલો પરિચય થયો છે એટલે જસ્ટ પૂછું છું. ” સુધીરભાઈ એ પૂછ્યું.

” અરે ભાઈ એમાં ખોટું શું કામ લગાડવાનું? હોસ્પિટલના તમામ ઇક્વિપમેન્ટ અને સાધનો સપ્લાય કરું છું. મારી પોતાની ઓફિસ ફોર્ટ એરિયામાં છે. નાનો ભાઇ યોગેશ પણ બિઝનેસમાં સાથે જ છે. એ સપ્લાય નું ધ્યાન રાખે છે. હું માર્કેટિંગ કરું છું. મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને મધ્ય પ્રદેશ ની હોસ્પિટલો સુધી વિસ્તાર કર્યો છે. સારો બિઝનેસ છે. ”

” ગ્રેટ !! આમ તો આપણે બંને એક જ લાઈનમાં છીએ. મારો મેડિસિન્સ નો હોલસેલ બીઝનેસ છે. મારો બિઝનેસ મહારાષ્ટ્ર પૂરતો જ છે. પણ શ્રીજી બાવાની કૃપાથી સારો ચાલે છે. મારી ઓફિસ મલાડ માં છે. ” સુધીરભાઈ એ કહ્યું.

એરપોર્ટના આ પરિચય પછી સુધીરભાઈ અને તુષારભાઈ ખાસ મિત્રો બની ગયા અને એકબીજાના ઘરે આવવા જવાનો સંબંધ પણ બંધાઈ ગયો. બંનેના પરિવારો પણ એકબીજાને ઓળખતાં થઈ ગયાં.

તુષારભાઈ ને એકમાત્ર દીકરી પૂર્વી હતી જે મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ ના બીજા વર્ષમાં હતી. જ્યારે સુધીરભાઈને બે સંતાનો હતાં. મોટો દીકરો ચિંતન ફાર્મસીના છેલ્લા વર્ષમાં હતો જ્યારે નાની દીકરી રીમા ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી.

ચિંતને ફાર્મસી લાઈન એટલા માટે પસંદ કરી હતી કે જેથી આગળ જઈને પિતાના મેડિસિન્સ ના ધંધાને આગળ ધપાવી શકે. એ પોતે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. દેખાવે પણ સ્માર્ટ હતો !!

સમય પસાર થતો ગયો. ત્રણ વર્ષના ગાળામાં તો બંને પરિવારો એક જ ફેમિલી હોય એટલા નજીક આવી ગયા. પૂર્વી એમ.બી.બી.એસ થઈ ગઈ હતી અને હવે ગાયનેકના લાસ્ટ યર માં અભ્યાસ કરતી હતી. ચિંતને ફાર્મસીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લીધું હતું અને હવે તે પિતાનો ધંધો સંભાળતો હતો.

બાળકો યુવાન થાય એટલે યુવાની સહજ આકર્ષણના ભાવો આંતરિક જગતમાં આપોઆપ પેદા થતા હોય છે. પૂર્વી ખૂબ જ ખૂબસૂરત હતી. વળી એક ડોક્ટર પણ બની ગઈ હતી. સતત તેને મળવાનું થતાં ચિંતનના મનમાં પણ તેના તરફ આકર્ષણ વધતું જતું હતું.

પૂર્વી પણ ચિંતનના આ મનોભાવોને પારખી ગઇ હતી પણ એણે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. એની ઉંમર 25 ની થઈ ગઈ હતી પણ એને પોતાની કેરિયર ઉપર ફોકસ કરવું હતું. ચિંતને પોતાની લાગણીઓ પૂર્વી આગળ પ્રગટ ના કરી. એ યોગ્ય સમયની રાહ જોતો હતો.

દીકરી મોટી થાય એટલે માતા પિતા એના માટે યોગ્ય પાત્રની શોધખોળ ચાલુ કરી જ દેતા હોય છે. પૂર્વી ભલે ડોક્ટર થઇ હોય પણ આખરે તો તે પારકા ઘરની લક્ષ્મી હતી !

અને અચાનક એક દિવસ તુષારભાઈ ને પૂર્વી માટે યોગ્ય મુરતિયો મળી ગયો. એમના એક અંગત મિત્ર દ્વારા આ વાત આવી. મહિના પછી ડિસેમ્બરમાં અમેરિકાથી એક યુવાન આવી રહ્યો હતો. એ લોકો પણ કપોળ વાણીયા જ હતા. છોકરા નાં મમ્મી પપ્પા સાંતાક્રુઝમાં ખીરાનગર રહેતા હતા.

તુષારભાઈ એ રૂગનાથભાઈની તપાસ કરી અને એ કુટુંબ પણ જાણીતું જ નીકળ્યું. એક દિવસ તુષારભાઈ અને મીનાબેન સાંતાક્રુઝ રૂગનાથભાઈ ના ઘરે પહોંચી ગયાં. પૂર્વી નો ફોટો બતાવ્યો. રૂગનાથભાઈ અને જયશ્રી બેન ને પણ છોકરી ગમી ગઈ. પાછી ડોક્ટર હતી.

” તુષારભાઈ હવે આમાં અમારે કંઈ બોલવા જેવું છે જ નહી. ખાનદાન ઘરની અને આટલી રૂપાળી ડોક્ટર છોકરી મળતી હોય પછી અમને તો શું વાંધો હોય? વિશાલ અમેરિકાથી આવી જાય એટલે મિટિંગ ગોઠવી દઈએ. છોકરા છોકરી એકબીજાને પસંદ કરે તો વાત પાક્કી !! ” રૂગનાથભાઈ એ કહ્યું.

ડિસેમ્બરમાં વિશાલ આવ્યો એટલે ચાર જ દિવસમાં તુષારભાઈ ના ઘરે વિશાલ અને પૂર્વીની મિટિંગ ગોઠવાઈ. વિશાલ માત્ર એક જ મહિના માટે આવ્યો હતો. એ સોફ્ટવેર એન્જિનિયર હતો અને સાન ફ્રાન્સિસ્કોમાં રહેતો હતો.

વિશાલ સ્માર્ટ અને દેખાવડો હતો. અમેરિકા સ્થાયી થયો હતો. એને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું. સારામાં સારું એનું પેકેજ હતું એટલે પૂર્વીને તો મિટિંગમાં કંઈ પૂછવા જેવું હતું જ નહીં. એના માટે તો આ એક ઔપચારિક મિટિંગ હતી !!

” તમને મારા વિશે જાણવાની કંઈ ઈચ્છા નથી? ” પૂર્વીને મૌન જોઇ વિશાલે થોડીવાર પછી શરૂઆત કરી.

” તમારા વિશે મારા મમ્મી પપ્પાએ બધું જાણી લીધું છે અને મને સંતોષ છે. હું પોતે ડોક્ટર છું. અમેરિકામાં માસ્ટર સ્ટડી કરવો પડશે. પણ એ હું કરી લઈશ. ” પૂર્વી બોલી.

” હા એ તો જરૂરી છે. અહીંની ડિગ્રી ત્યાં ચાલતી નથી. પણ મારે તમને બીજી એક વાત પણ કરવી છે. ”

” હા બોલો ને ? ”

” મને પહેલી મુલાકાતમાં કહેતાં સંકોચ થાય છે પણ મારામાં થોડી શારીરિક નબળાઈ છે. હું શું કહેવા માગું છું એ તમે સમજી શકો છો. મારી એ બાબતમાં અમેરિકામાં ટ્રીટમેન્ટ પણ ચાલે છે. આઈ મસ્ટ બી ક્લીઅર ઓન માય સાઇડ ! ”

” હું એક ડોક્ટર છું એટલે તમારી વાત સમજી શકું છું. ઘણા પુરુષોને લગ્ન પહેલાં શરૂઆતમાં આવો ભય સતાવતો હોય છે. એ માત્ર માનસિક ડર હોય છે. લગ્ન પછી ધીમે ધીમે બધું નોર્મલ થઇ જતું હોય છે. ” પૂર્વીએ હસીને કહ્યું.

” ધેટ આઈ ડોન્ટ નો. મારે જે કહેવાનું હતું તે મે કહી દીધું. હવે નિર્ણય તમારે લેવાનો છે. કાલે ઉઠીને તમને એમ ના થાય કે મેં તમને અંધારામાં રાખ્યાં” વિશાલે કહ્યું.

અને દસ મિનિટમાં બંનેની અંગત મિટિંગ પૂરી થઈ ગઈ. મિટિંગ તો થઈ ગઈ અને પૂર્વી એ લગ્ન માટે વડીલોને પોતાની સંમતિ પણ આપી દીધી છતાં એના મનને બેચેન બનાવી દીધું. વિશાલ એના તરફથી સ્પષ્ટ હતો.

પૂર્વીએ આ બાબતમાં એક ડોક્ટર કલીગ સાથે પણ ચર્ચા કરી. છતાં કોઇ સ્પષ્ટ જવાબ ના મળ્યો. ખરેખર ફિઝિકલ પ્રોબ્લેમ પણ હોઈ શકે અને ક્યારેક માત્ર માનસિક ડર પણ હોઈ શકે !! માત્ર ૧૫ દિવસમાં લગ્ન લેવાનાં હતાં. શું કરવું?

‘ વિશાલ નો સ્વભાવ સરસ હતો. પર્સનાલિટી પણ સરસ હતી. એનું ફેમિલી પણ ખૂબ સારું હતું અને પોતે અમેરિકામાં સેટલ થયેલો હતો. આવું પાત્ર હાથમાંથી જવા ના દેવાય. જે પણ પ્રોબ્લેમ છે એનો કંઇક તો રસ્તો નીકળશે જ. ‘ – પૂર્વી એ વિચારી લીધું.

પૂર્વી અને વિશાલનાં ધામધૂમથી લગ્ન થઈ ગયાં. હનીમૂન માટે બંને જણા શિમલા પણ પહોંચી ગયા.

જો કે પૂર્વીની મધુરજની કડવી બની ગઈ. પૂર્વીએ એક પાર્ટનર તરીકે રોમેન્ટિક બનીને વિશાલને ઉત્તેજિત કરવા માટે ઘણી કોશિશ કરી પરંતુ વિશાલનો પ્રતિસાદ એકદમ ઠંડો જ રહ્યો. વિશાલે બીજી રીતે પૂર્વીને શાંત કરવા કોશિશ કરી જોઈ પરંતુ શારીરિક સંબંધ શક્ય ના બન્યો.

ત્રણ દિવસ શિમલામાં રહ્યાં. ખૂબ હર્યા ફર્યા શોપિંગ કર્યું પરંતુ વિશાલમાં પુરુષત્વ જાગૃત ના જ થયું. પૂર્વી અપસૅટ થઈ ગઈ. આ કોઈ માનસિક ડર ન હતો પરંતુ શારીરિક નબળાઈ હતી જે ક્યારે પણ નોર્મલ થાય તેમ ન હતી. પૂર્વીને ખૂબ જ આઘાત લાગ્યો.

વિશાલનો કોઈ વાંક ન હતો કારણકે એણે તો પહેલી મુલાકાતમાં જ પોતાની નબળાઈ ની વાત કરી દીધી હતી. આ લગ્નજીવનનું કોઈ ભવિષ્ય જ નહોતું. લગ્ન પછી શારીરિક સં બંધ એ તો દરેક યુવક અને યુવતીનું એક સ્વપ્ન હોય છે અને એક જરૂરિયાત પણ. બહુ જ ખોટો નિર્ણય લેવાઇ ગયો હતો.

હનિમૂન પૂરું કરીને બંને જણા મુંબઈ પાછા આવી ગયા. પૂર્વી ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. આ સંબંધને ચાલુ રાખીને એણે અમેરિકા જવું કે ડિવોર્સ લઈ લેવા એ જ એને સમજાતું નહોતું.

વિશાલ ના માતા પિતા ખુબ જ પ્રેમાળ હતા. વિશાલે શિમલામાં એને કહ્યું હતું કે એણે આ બાબતે કોઈ ચર્ચા માતા-પિતા સાથે કરી નથી એટલે તેનાં માતા-પિતા તો સાવ અજાણ જ હતાં.

અમેરિકા જવું કે ના જવું એ તો પછીની વાત છે પરંતુ પૂર્વીએ વિશાલ સાથે મળીને જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી દીધા જેથી એને વિઝા મળી શકે. પૂર્વીએ એમ પણ વિચારી લીધું કે એકદમ આ લગ્ન તોડવાં નથી. માતા-પિતાને પણ આઘાત લાગશે. અમેરિકામાં એની ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલે છે તો થોડી રાહ જોઈએ.

અને વિઝા મળી જતાં છ મહિના પછી પૂર્વી પણ અમેરિકા પહોંચી ગઈ. બંનેનું સહજીવન શરુ થયું પરંતુ એમાં રોમાન્સનો સદંતર અભાવ હતો. બે મિત્રો એક હાઉસમાં સાથે રહેતા હોય એથી વિશેષ કંઈ જ નહોતું.

કોઈને પણ ઈર્ષા આવે એવી આ ખૂબસૂરત જોડી હતી પણ લગ્નજીવનમાં જે જરૂરી હતું એ સંવનન બંને વચ્ચે શક્ય જ નહોતું. પૂર્વી એ મેડિકલ કોલેજમાં હજુ એડમિશન લીધું નહોતું કારણકે એ નક્કી જ નહોતી કરી શકતી કે વિશાલ સાથે લગ્ન નિભાવવું કે ડિવોર્સ લેવા !!

જે ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હતી તેની સાથે પણ એક ડૉક્ટર તરીકે એણે વિગતવાર ચર્ચા કરી પરંતુ વિશાલ માં જરૂરી હોર્મોન્સ હતા જ નહીં. પુરુષત્વની સંપૂર્ણ ખામી હતી. થોડી ઘણી આશા હતી એ પણ ઠગારી નીવડી. એણે નિર્ણય લઈ લીધો.

વિશાલ ખૂબ જ સમજુ હતો. ડિવોર્સ લેવામાં એણે સંપૂર્ણ સહકાર આપ્યો અને વિશાલના શારિરિક પ્રોબ્લેમથી થોડા મહિનામાં ડિવોર્સ મળી પણ ગયા. વિશાલે પૂર્વીને સાન ફ્રાન્સિસ્કોના એરપોર્ટ ઉપર ભાવભીની વિદાય પણ આપી.

” આઈ એમ સોરી. તારી સાથે જે થયું છે એનું મને પણ દુઃખ છે પરંતુ મેં તો પહેલેથી જ તને જાણ કરેલી. એનીવેઝ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફયૂચર !! આઈ વિલ નેવર ફર્ગેટ યોર બ્યુટીફૂલ કંપની !! ” કહીને એણે પૂર્વી નો હાથ ચૂમી લીધો. એની આંખમાં આંસુ પણ આવી ગયાં.

પૂર્વી અને વિશાલે ડિવોર્સ લઈ લીધા એ વાતની ન તો વિશાલના મમ્મી પપ્પાને ખબર હતી કે ના તો પૂર્વીના માતા-પિતાને !! પૂર્વી મુંબઈ એરપોર્ટ થી સીધી બોરીવલી પોતાના મમ્મી પપ્પા ના ઘરે ગઈ.

પૂર્વી નું આમ અચાનક આગમન તુષારભાઈ અને મીનાબેનને આશ્ચર્ય પમાડી ગયું ! પૂર્વીએ ફ્રેશ થઈને મમ્મી પપ્પાને સાચી વાત કહી દીધી.

” પપ્પા મેં વિશાલ સાથે ડિવોર્સ લઈ લીધા છે અને હું કાયમ માટે પાછી આવી છું. તમારી દીકરી કોઈ ખોટું પગલું નહીં ભરે. સંજોગો જ એવા હતા કે મારે ડિવોર્સ લેવા પડ્યા. પપ્પા વિશાલ ‘ ઈમ્પો ટેન્ટ ‘ છે, નામર્દ છે. ”

” એણે પહેલી મિટિંગમાં જ પોતાની આ નબળાઈ ની વાત મને કરી હતી પરંતુ મેં એને ગંભીર લીધી નહોતી. મને એમ કે આ માત્ર માનસિક ડર હશે. પરંતુ કિસ્મતે મારી સાથે મજાક કરી. કોઈનો પણ વાંક કાઢી શકાય એમ નથી પપ્પા. હવે મારે ક્લિનિક ખોલી દેવું છે. ”

પૂર્વીએ વાત જ એવી રીતે કરી કે તુષારભાઈ ને કઈ બોલવા જેવું ન રહ્યું કે દીકરીને ના કોઇ ઠપકો આપ્યો. હા આઘાત જરૂર લાગ્યો કે પોતાની એકની એક વહાલસોયી દીકરી એક જ વર્ષમાં ડિવોર્સી બની ચૂકી હતી !!

તુષારભાઈ એ રૂગનાથભાઈને ફોન ઉપર જાણ કરી. પરંતુ એ પહેલં વિશાલનો ફોન રૂગનાથભાઈ ઉપર આવી ચૂક્યો હતો અને એણે પપ્પા સાથે વિગતવાર વાત કરી હતી.

” તુષારભાઈ જે પણ થયું એ અંગે મને સાચે જ કંઈ જ ખબર નહોતી. વિશાલે આજે સવારે જ પહેલી વાર મને ફોન ઉપર બધી વાત કરી. તમારી જેમ મને પણ ખૂબ જ આઘાત લાગ્યો છે. કન્યાદાનમાં તમે જે પણ દાગીના કે વસ્તુઓ આપી છે એ હવે તમારી જ અમાનત છે. તમે ગમે ત્યારે આવીને લઈ જઈ શકો છો. ” રૂગનાથભાઈ એ ભારે હૃદયે વાત કરી.

થોડા દિવસોમાં જ સુધીરભાઈના પરિવારને પણ જાણ થઈ ગઈ કે પૂર્વીના ડિવોર્સ થઈ ગયા છે અને તે મુંબઈ પાછી આવી ગઈ છે. માત્ર સુધીરભાઈને નહીં પણ તુષારભાઈ ના સમાજમાં પણ આ ડિવોર્સની ખબર પડી ગઈ. સાચા કારણની કોઈને પણ ખબર નહોતી. લોકો પૂર્વી વિશે જેમ ફાવે તેમ વાતો કરવા લાગ્યા.

પૂર્વી તુષારભાઈની લાડકી દીકરી હતી. એકનું એક સંતાન પણ હતી. પૂર્વી ના જીવનમાં જે કંઈ પણ બન્યું એ તુષારભાઈ સહન ના કરી શક્યા. પૂર્વીના આવ્યા પછી લગભગ ત્રણેક મહિનામાં જ એમને માસીવ હાર્ટ એટેક આવ્યો અને 55 વર્ષ ની ઉંમરે કાયમ માટે આંખો મીંચી લીધી.

આર્થિક રીતે તો કોઇ તકલીફ નહોતી પરંતુ તુષારભાઈ ના ગયા પછી પરિવાર નોંધારો થઈ ગયો. મા દીકરી બંને એકલાં પડી ગયાં. ધંધાની અને તુષારભાઈના પરિવારની જવાબદારી હવે યોગેશભાઈ ના માથે આવી. એમણે પૂર્વી પગભર થાય એટલા માટે મલાડમાં એક ગાયનીક ક્લિનિક ખોલી આપ્યું.

પૂર્વીના ડિવોર્સની વાત ધીમે ધીમે થાળે પડી ગઈ પરંતુ પૂર્વીના જીવનની આ દુર્ઘટના એ સૌથી વધુ આઘાત ચિંતન ને પહોંચાડ્યો હતો. ચિંતન પૂર્વીને પહેલેથી જ ખૂબ પ્રેમ કરતો હતો અને એના હદયમાં સાચા દિલની લાગણી હતી. એ પૂર્વી ને પ્રપોઝ કરે તે પહેલા જ એકાએક પૂર્વીના લગ્ન થઈ ગયાં. બધુ અણધાર્યું બન્યું હતું એટલે ચિંતન ને કોઈ મોકો મળ્યો નહીં.

હવે પૂર્વી ડિવોર્સી બની ચૂકી હતી. ડિવોર્સી સાથે લગ્ન કરવામાં ચિંતનને કોઈ વાંધો ન હતો. કારણ કે એને પૂર્વી માટે સાચી લાગણી હતી. પરંતુ લગ્નના આ કડવા અનુભવ પછી પૂર્વી હા પાડશે કે કેમ એ બાબતમાં ચિંતન ચિંતિત હતો !!

વાત તો કરવી જ પડશે. બંને વચ્ચે સંબંધો મિત્રતાના અને પરિવારના તો હતા જ. વળી પોતે એક સફળ બિઝનેસમેન બની ગયો હતો. જુહુમાં એક વિશાળ ફ્લેટ પણ એણે ખરીદ્યો હતો. તેણે પપ્પા સુધીરભાઈને વાત કરી. પૂર્વી ડિવોર્સી હતી એટલે પપ્પાને વાત કરવી જ પડે !

સુધીરભાઈ વર્ષોથી પૂર્વી ને જાણતા હતા. વળી પૂર્વી એક ગાયનેક સર્જન હતી. જો દીકરાને કોઈ વાંધો ના હોય તો પોતે તો આધુનિક વિચારસરણી વાળા હતા. એમણે ચિંતનને હા પાડી.

પહેલાં તો એવું નક્કી થયું કે સુધીરભાઈ પૂર્વી ની મમ્મીને અને યોગેશભાઈ ને વાત કરે પરંતુ છેવટે એવો નિર્ણય લેવાયો કે ચિંતને જ પૂર્વી સાથે આ બાબતે વાત કરી લેવી જોઇએ.

એક રવિવારે ચિંતન પૂર્વી ના ઘરે પહોંચી ગયો. બંને મા-દીકરી ઘરે જ હતાં.

“માસી મારે પૂર્વી સાથે થોડીક ચર્ચા કરવી છે. તમને જો વાંધો ના હોય તો બેડરૂમમાં પૂર્વી સાથે વાત કરી શકું ? ”

” અરે બેટા તારે રજા લેવાની થોડી હોય? તું તો ઘરનો જ છે ને !! જે વાતો કરવી હોય તે કરો બંને જણા. ”

પૂર્વીને ચિંતનના આગમન થી થોડું આશ્ચર્ય થયું કે એવી તે કઈ વાત હશે જે ચિંતન મારી સાથે એકાંતમાં વાત કરવા માગતો હતો?.

“પૂર્વી તારી સાથે જે પણ થયું એનો મને પણ ખૂબ આઘાત લાગ્યો છે. પરંતુ એનાં કારણો જાણવામાં મને કોઈ જ રસ નથી અને તારા એ ભૂતકાળને હું યાદ કરાવવા પણ નથી માગતો. હું એક બીજા જ આશયથી આવ્યો છું. ”

” જો પૂર્વી તારી ઉંમર હજુ નાની છે અને સામે લાંબી જિંદગી પડી છે. તારે હવે ભૂતકાળને ભૂલીને મૂવ ઓન થવું જોઈએ. મારા ધ્યાનમાં એક સારું પાત્ર છે. એને મળ્યા પછી મને વિશ્વાસ છે કે તું ના નહીં પાડે ! ”

” ચિન્ટુ લગ્નમાંથી મને હવે રસ જ ઉડી ગયો છે. વિશાલ એક સરસ પતિ હતો. અમારુ લગ્નજીવન આમ તો ખૂબ જ સુખી હતું પરંતુ મારી જ એક ભૂલ ના કારણે આજે હું ડિવોર્સી છું. ”

ચિંતન કંઈ સમજ્યો નહીં. લગ્નજીવન ખૂબ જ સુખી હતું તો પછી ડિવોર્સ કેમ?

” એ જે હોય તે. પણ હવે તારે સારું પાત્ર મળતું હોય તો બીજા લગ્ન માટે વિચારવું જ જોઈએ. તારા પરિવારમાં મમ્મી સિવાય બીજું કોઈ જ નથી. તું ભવિષ્યનો વિચાર કર પૂર્વી ”

” તારી લાગણી હું સમજુ છું ચિન્ટુ. પણ હવે લગ્ન માટે મારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું નથી. ”

” કોમ્પ્રોમાઇઝ નો સવાલ જ નથી પૂર્વી. તું મળીશ તો તને પણ એમ થશે કે મારા માટે આ જ પાત્ર યોગ્ય છે !! ”

” એને તારા વિશેની બધી જ ખબર છે પૂર્વી. તું જેવી છે તેવી એ સ્વીકારવા તૈયાર છે. એણે તને જોઈ પણ છે. તારા લગ્ન થઈ ગયાં એ પહેલા એ તને પ્રપોઝ કરવાનો હતો પણ અચાનક તું પરણી ગઈ !! ”

” અરે વાહ એવું તે વળી કોણ છે જેની તું આટલી બધી ભલામણ કરે છે !! ” પૂર્વીએ આશ્ચર્યથી કહ્યું.

” એનું નામ છે ચિંતન સુધીરભાઈ ગણાત્રા.” ચિંતને પૂર્વીની આંખોમાં આંખો પરોવીને કહ્યું અને પૂર્વીની હથેળી હાથ માં લીધી.

” પૂર્વી હું તને તારાં લગ્ન પહેલાં કેટલી બધી વાર મળતો હતો…. લાગણી બતાવતો હતો… છતાં તું મારા પ્રેમને ન ઓળખી શકી? હું તને ખૂબ જ પ્રેમ કરું છું પૂર્વી !! તું ભલે ડિવોર્સી હોય તો પણ મારા માટે તો તું આજે પણ કુંવારી જ છે ! પપ્પા પણ આપણાં લગ્ન માટે રાજી છે. ”

પૂર્વી કંઈ બોલી નહીં. એની આંખો ભરાઈ આવી. પોતે આટલો સુંદર દેખાવડો અને એક સફળ બિઝનેસમેન હોવા છતાં એ મારા જેવી ડિવોર્સી ને સ્વીકારવા તૈયાર થયો છે !! એના પ્રેમની આ કેટલી મહાનતા !!

” ચિન્ટુ.. ચિંતન.. તારી આ લાગણી માટે મારી પાસે કોઈ શબ્દો નથી. અને હું કું વારી જ છું ચિંતન ! આજે પણ હું કુ વારીછું !! મારા અને વિશાલ વચ્ચે આજ સુધી શારીરિક સં બંધ થયો જ નથી. એનામાં પુરુષત્વની ખામી હતી અને એણે લગ્ન પહેલાં જ એ કબૂલાત કરી હતી. પરંતુ મને એમ કે એ માનસિક ડર હશે !! લગ્ન થયા હોવા છતાં અમેરિકામાં અમે અલગ જ સુ તાં હતાં !! હું યુવાન છું. ક્યાં સુધી મારે આવું જીવન જીવવું? એટલે છેવટે મેં ડિવોર્સની વાત કરી તો એક પણ શબ્દ બોલ્યા વિના એણે મને ડિવોર્સ આપી દીધા. હી વોઝ આ ગ્રેટ પરસન !!”

” વોટ આર યુ ટેલિંગ? આઈ કેન્ટ બિલિવ ધિસ !! ઓહ માય ગોડ !! ” ચિંતનથી બોલાઈ ગયું.

” લોકો મને ડિવોર્સી સમજે છે પરંતુ મારી અંદરની વેદના કોઈ જાણતું નથી ચિંતન ” અને ફરી પૂર્વીની આંખમાં આંસુ આવી ગયા.

” ચાલ હવે ફ્રેશ થઈ જા. આપણે એક લોંગ ડ્રાઇવ ઉપર જઈએ. લંચ પણ સાથે જ લેશું.”

બંને એ ડ્રોઈંગરૂમ માં જઈ ને મીનાબેનને બધી વાત કરી. પૂર્વીની વાત સાંભળીને મીનાબેનની આંખમાં થી પણ પાણી આવી ગયાં. એમના માથા ઉપરથી દીકરીની ચિંતાનો સો મણ નો ભાર ઊતરી ગયો. બંને જણાં મીનાબેનને પગે લાગ્યાં.

બરાબર 25 દિવસ પછી એક સારા મુહૂર્તમાં સાદાઈથી પૂર્વી અને ચિંતન લગ્નગ્રંથી થી જોડાઇ ગયાં. લગ્ન કરીને સૌથી પહેલાં બંને જણાં પૂર્વીના ઘરે ગયાં અને તુષારભાઈની વિશાળ તસવીર સામે મસ્તક નમાવી આશીર્વાદ માગ્યા.

સુધીરભાઈ પણ એ લોકોની સાથે જ હતા. તુષારભાઈના ફોટાની સામે જોઈ એ બોલી ઉઠ્યા.

“તમારી દીકરીને હું લઈ જાઉં છું તુષારભાઈ. બેંગ્લોર ની મિત્રતા આજ સુધી નિભાવી છે. હવે વર-કન્યાને આશીર્વાદ આપો.”

– અશ્વિન રાવલ (અમદાવાદ) (અમર કથાઓ ગ્રુપ)