બે મિત્રોની મિત્રતાની આ હૃદય સ્પર્શી સ્ટોરી વાંચીને તમારી આંખોમાંથી આંસુ સરી પડશે.

0
1133

મિત્રતા :

નયન ભરેલાં નેહનાં:

કાયમ આદરભાવ,

ધન્ય શબ્દ છે મિત્રતા:

અજબ એનો લ્હાવ.

નાનકડું રામપુર ગામ પરંતુ અઢારે આલમથી હર્યુભર્યું. ગામમાં આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા. એમાં ભણતા અલગ અલગ જ્ઞાતિના બે બાળકો -એક વૈભવ ને બીજો વિવેક. વૈભવ સુખી સંપન્ન પરિવારનો દિકરો જ્યારે વિવેક બિલકુલ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો લોકોના મોઢે કહેવાતા પછાત વર્ગનો દિકરો, પરંતું ધોરણ ચારથી જ બન્ને વચ્ચે મિત્રતાનાં બીજ રોપાયાં. નિખાલસ, નિર્દોષ મિત્રતા ગાઢ બનતી ગઈ.

ઘણીવાર વિવેક પાસે પેન્સિલ ના હોય, પેન ના હોય કે અન્ય કોઈ વસ્તુ -વૈભવ ગમે તે રીતે મદદગાર બને. ઘેર ગમે તે બ્હાનાં બતાવી પૈસા લઇ લે પરંતુ મિત્ર ધર્મ નિભાવે. સમૃધ્ધ પરિવારના બાળકને ઘેર કોઈ કંઈ ના પુછે.

સમય વિતતો ગયો. મિત્રતા જામતી ગઈ. બન્નેએ ધોરણ આઠ સુધી અભ્યાસ પુરો કર્યો. વિવેક કાયમ પ્રથમ નંબરે રહેતો જ્યારે વૈભવ ભણવામાં પ્રમાણસર. વૈભવ નજીકના શહેરમાં ખાનગી હાઈસ્કૂલમાં ધોરણ નવમાં દાખલ થયો. વિવેક પણ એ જ શહેરની સરકારી હાઈસ્કૂલમાં ગયો.

સુખી પરિવારના વૈભવ માટે નવું ટુ વ્હીલર હાજર થયું. બીજા દિવસથી જ વૈભવ વિવેકને પોતાના ટુ વ્હીલર પર બેસાડીને ઘેરથી સ્કૂલની આવ-જા કરવા લાગ્યો. વૈભવના અન્ય કૌટુંબિક સહાધ્યાયીઓને ટુ વ્હીલર પર બેસવાનું ના મળતાં વૈભવના માતા પિતાને કાનભંભેરણી કરવા લાગ્યા. કોઈ કહે ‘વિવેકની ભાઈબંધીથી વૈભવ બગડી જશે’ તો બીજો વળી અન્ય બહાનું રજૂ કરે.

વૈભવના માબાપે વિવેકને ટુ વ્હીલર પર બેસાડવાનો પ્રતિબંધ મુકી દીધો. બાળપણમાં નિખાલસ સ્નેહથી પાંગરેલી બંધુતા એમ કંઈ છુટે ખરી! સવાર સાંજ બન્ને મિત્રો અવશ્ય મળે જ. બન્ને કિશોરાવસ્થામાં પહોંચી ચુક્યા હતા. દુન્યવી સમજણ આવી ચુકી હતી, વૈભવ છાનીછપની મદદ વિવેકને કરે ત્યારે વિવેક જરુર કહે ‘ભાઈ! તું આ ચોરી છૂપીથી મને મદદ કરે છે એ પાપ છે’. વૈભવ હસીને જવાબ આપે ‘મિત્ર તું જ્યારે મોટો નોકરીયાત બને ત્યારે વ્યાજ સહિત ચુકવી દેજે બસ’. વૈભવના પ્રત્યુતરથી વિવેક ચૂપ થઈ જતો.

સંસ્કાર અને સમજણ કોઈની જાગીર નથી. ગરીબ હોવા છતાં વિવેકમાં આ ગુણો સભર છે બીજી બાજુ માત્ર પૈસાને પરમેશ્વર ગણતા વૈભવના પરિવારમાં પણ સંસ્કાર સમજણનો “વૈભવ” હયાત છે.

સમયનું કાળચક્ર ફરતું રહ્યું. વિવેક અને વૈભવ બન્ને સ્નાતક થયા. વિવેક સ્નાતક થયો ત્યાં સુધી વૈભવ એને જરૂરી મદદ કરતો રહ્યો. વિવેક સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર બની ગયો. વતનથી દોઢસો કિલોમીટર દુર શહેરમાં નિમણૂંક થઈ. બન્ને મિત્રોની રૂબરૂ મુલાકાત તો બંધ થઈ ગઈ પરંતુ ફોન પર વાતો થતી રહી. વૈભવ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો રહ્યો પરંતું નોકરીનું કંઈ ઠેકાણું ના પડ્યું. સાથે સાથે વિધિની વક્રતા કહો કે ગમે તે, એનો પરિવાર પણ આર્થિક રીતે થોડો નબળો થતો ગયો.

બન્ને મિત્રોનાં લગ્ન થઈ ગયાં. બન્નેના પ્રસંગમાં એકબીજાની હાજરી જરૂર હતી. વિવેકને નર્સ તરીકે અમદાવાદની ઓર્થોપેડિક હોસ્પિટલમાં નોકરી કરતી સ્નેહા નામની સંસ્કારી કન્યા મળી. વિવેકના દરરોજ ઓછામાં ઓછા બે ફોન તો નક્કી જ હોય. સવારે માતા પિતા સાથે ધરાઈને વાત કરે તો સાંજે વૈભવ સાથે મીઠડી વાતો જામે. ફોન પર વિવેક અને વૈભવની અગાઢ મિત્રતા ખીલી ઉઠતી, ફરક એટલો કે, હવે વિવેક એવું કહેતો કે, “ભાઈ કંઈ પણ જરુર હોય તો બેધડક કહી દે, તારા માટે જીવ પણ હાજર છે આ ગરીબ દોસ્તનો”.

કોઈ પણ વિક્ષેપ વગર સંસ્કારી સન્નારી સ્નેહા આ બન્ને મિત્રોની દોસ્તીને માણતી બેસી રહે, સાથે સાથે બન્નેની મિત્રતાના ઉંડાણનો તાળો મેળવે તો પોતાના પતિદેવના દારુણ ભૂતકાળને અશ્રુભીની આંખે પીતી રહે.

ફોન પુરો કરીને વિવેક સ્નેહાને ટકોરે. અરે યાર! જમવાનું ઠંડું થઈ ગયું તોય કંઈ બોલતી પણ નથી? મીઠા ટહુકાથી સ્નેહા જવાબ આપે “આપની મિત્રાચારીની ફોન ગોઠડીમાં હું કેમ વિક્ષેપ કરુ? બસ, આપના સુખદુઃખના ભેરુનાં એકવાર દર્શન કરાવો”. વિવેક ગળગળો થઈ જાય. આંખો સાફ કરી નીચા મોંઢે જવાબ આપે “મારે તો મિત્ર અને પત્ની -બન્ને મારી લાયકાતથી ચડીયાતાં મળ્યાં. આભાર પ્રભુ આભાર તમારો “.

સવારનો દશ વાગ્યાનો સમય છે. સ્નેહા હોસ્પિટલમાં નોકરી પર છે. એક વાન આવીને હોસ્પિટલ આગળ ઉભી રહી. જીવનમ રણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને ઉતારીને દાખલ કરવામાં આવ્યો. સ્નેહાએ જ દર્દીનું નામ સરનામું પુછ્યું. સ્નેહા જવાબ સાંભળીને ચોંકી ગઈ.

આ તો વિવેકના પરમ મિત્ર વૈભવ. ઘડીભર સુન્ન થઈ ગઈ પરંતુ તરત જ પોતાની જાતને સંભાળી લીધી. ડોકટરોની ટુકડીએ તપાસ શરુ કરી અકસ્માતનો મામલો છે, લો હીઘણું વહી ગયું છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ત્રણેક લાખનો ખર્ચ થશે. તરત જવાબ આપો તો ઓપરેશન જલ્દી શરૂ કરીએ.

વૈભવનાં સગાંવહાલાં આ બધું સાંભળી રહ્યાં છે, આવી પરિસ્થિતિમાં પણ કોઈક બોલ્યું, અલ્યા ભઈ એનો ભઈબંધ અઈ ક્યાંક રહે છે. કાંક મોટી નોકરી છે ને એનું બૈરુય મોટા દવાખાંનામાં છે, વૈભવ પાસેથી ઘણુંય લુ ટ્યું છે બોલાવો એને આલશે પૈસા.

કટાક્ષ સાંભળી સમસમી ગઈ સ્નેહા. ધીરેથી સરકીને ડોક્ટર પાસે જઈને બોલી, “સર દર્દી મારા પતિ વિવેકનો પરમ મિત્ર છે, બધો જ ખર્ચ અમે આપશું, ઓપરેશન જલ્દી શરુ કરો. બીજું કંઈ ના પુછશો સર ને આ લોકોને આ વાતની હાલ જાણ કરવાની નથી સર.

પોતાના દવાખાનાની અતિ નિષ્ઠાવાન નર્સને ડોક્ટર ઘડીભર જોઈ રહ્યા. હા એ જોવામાં પિતૃભાવ અને માનવતાનો એહસાસ ભરેલો હતો.

આજે ઓફિસમાં વિવેકને ચેન નથી પડતું. દિલને હળવું કરવા મિત્ર વૈભવને ફોન કરે છે. ફોન બંધ બોલે છે. જેમ તેમ કરી છ વાગતાં જ ઘેર આવી જાય છે. ઘેર સ્નેહા હાજર નથી. ફોન જોડ્યો સ્નેહાને. “ઓપરેશન ચાલુ હોવાથી હું હમણાં આવી શકીશ નહિ ને રાત પણ અહીં જ રોકાવવું પડશે. તમે સારી હોટલમાં જમી લેજો. મારી કોઈ ચિંતા કરતા નહીં”.

“સ્નેહા મને તારી ચિંતા નથી પરંતુ આજે કોણ જાણે કેમ હું બેચેન છું? કંઈ સુઝતું નથી મને, ના જાણે કેમ આવું થાય છે આજે”!

બધું પામી ગઈ સ્નેહા, મનોમન બબડી ઉઠી… ધન્ય છે તમારી દોસ્તીને… છતાંય સ્નેહાને વિવેકના આત્મવિશ્વાસની ખબર હતી કે ગમે તેવી મનોવ્યથાને પણ ખંખેરી નાખશે. બસ, એટલો પ્રત્યુત્તર જ આપ્યો કે મારી હાજરી નથી એટલે તમને ગમતું નહીં હોય.

પાંચેક કલાક ઓપરેશન ચાલ્યું ને સફળ રહ્યું. સ્નેહાના જીવમાં જીવ આવ્યો. હોસ્પિટલમાં આખી રાત આંખનું મટકું પણ માર્યા વગર ખડેપગે હાજર રહી સ્નેહા વૈભવના ખાટલા પાસે. આ બાજું વિવેકે જેમતેમ રાત પસાર કરી. સવારે આઠેક વાગ્યે વૈભવને ફોન જોડ્યો, ફરીથી પણ બંધ જ બોલતો હતો. અચાનક ખ્યાલ આવ્યો કે, વૈભવના સમાચાર તો ગામના અન્ય વ્યક્તિ પાસેથી પણ લઈ શકાય! પોતાના પિતરાઈ ભાઈને ફોન કર્યો. જવાબ મળ્યો, વૈભવને અકસ્માત થયો છે ને અમદાવાદ કોઈ દવાખાને દાખલ છે.

હે રામ! માથું પકડીને ઘડીભર બેસી ગયો વિવેક. થોડો સ્વસ્થ થતાં જ સ્નેહાને ફોન કરીને બોલ્યો, “મારો ભેરુ વૈભવ અહીં કોઈ હોસ્પિટલમાં દાખલ છે, બહું સીરીયસ છે, કઈ હોસ્પિટલમાં છે તે વાયા વાયા શોધવું છે”. સ્નેહાએ કહ્યું તમે અહીં આવી જાઓ. ગમે ત્યાંથી શોધી કાઢશું. વિવેક જલ્દી જલ્દી પ્રાત:ક્રિયા આટોપીને રવાના થયો.

સ્નેહા રાહ જોઈને જ ઉભી હતી. આવતાં વેંત સ્નેહા વિવેકનો હાથ પકડીને મુંગા મોંએ ચાલવા લાગી. વિવેક પાછળ પાછળ ઘસેડાતો ગયો. એક રૂમમાં જઈને ઉભી રહી…. દર્દી ધીરે ધીરે ભાનમાં આવી રહ્યો હતો ને જેવો ભાનમાં આવ્યો ત્યારે હોઠ પર પહેલા શબ્દો હતા “વિવેક”.

વિવેક અમિનેષ નજરે વૈભવને જોઈ રહ્યો. વૈભવનાં સબંધી વિવેકને જોઈ રહ્યાં. એ જ વખતે ડોકટરનો પ્રવેશ થયો. વૈભવને ભાનમાં આવેલ જોઈને ડોકટરે એનાં સબંધીઓને સંબોધીને કહ્યું, જુઓ વૈભવ હવે સ્વસ્થ છે. એનો ખરો યશ આ સ્નેહાને છે. ઓપરેશનનો બધો જ ખર્ચ એણે ઉપાડ્યો છે. તમારી પાસેથી કશું જ લેવાનું નથી. દર્દી સામે નજર કરીને ડોક્ટર બીજા રૂમમાં વીઝીટે ઉપડી ગયા.

ડોક્ટર જતાં જ બધાં સ્નેહાને પુંછવા લાગ્યાં, કોણ છો તમે બહેન? સ્નેહાએ પ્રથમવાર માથા પર સાડી ઓઢીને જવાબ વાળ્યો, હું તમારા ગામની પુત્રવધુ છું ને (વિવેક તરફ ઈશારો કરીને) આમની ધર્મપત્ની. જે વૈભવભાઈના પરમ મિત્ર છે.

લેખન રચના :- નટવરભાઈ રાવળદેવ થરા.