ઉચ્ચી પિલ્લયાર મંદિર : માન્યતા છે કે અહીં વિભીષણે કર્યો હતો શ્રીગણેશ પર પ્રહાર, જાણો કેમ?

0
741

ભગવાન રામે આપેલી આ વસ્તુ લંકામાં લઇ જતા સમયે ગણેશજીએ કર્યું એવું કામ કે, વિભીષણે કર્યો તેમના પર પ્રહાર.

ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે ઉચ્ચી પિલ્લયાર મંદિર (ઉચ્ચી પિલ્લાઈયર મંદિર), જે તમીલનાડુના તિરુચીરા પલ્લી (ત્રિચી) નામના સ્થળ ઉપર રોક ફોર્ટ પહાડોની ટોચ ઉપર આવેલું છે. આ મંદિર લગભગ 273 ફૂટની ઊંચાઈ ઉપર છે અને મંદિર સુધી પહોચવા માટે લગભગ 400 સીડીઓ ચડવી પડે છે. પહાડો ઉપર હોવાને કારણે અહિયાંનું દ્રશ્ય ઘણું જ સુંદર અને જોવા લાયક હોય છે. સુંદરતાની સાથે સાથે અહિયાંની એક બીજી ખાસિયત આ મંદિર સાથે જોડાયેલી કથા પણ છે. માન્યતા છે કે આ મંદિરની કથા રાવણના ભાઈ વિભીષણ સાથે જોડાયેલી છે.

મંદિર સાથે જોડાયેલો ઈતિહાસ : કહેવામાં આવે છે કે રાવણનો વધ કર્યા પછી ભગવાન રામે પોતાના ભક્ત અને રાવણના ભાઈ વિભીષણને ભગવાન વિષ્ણુના જ એક રૂપ રંગનાથની મૂર્તિ પ્રદાન કરી હતી. વિભીષણ તે મૂર્તિ લઈને લંકા જવાનો હતો. તે રાક્ષસ કુળનો હતો, એટલા માટે બધા દેવતા નહોતા ઇચ્છતા કે મૂર્તિ સાથે લઈને વિભીષણ લંકા જાય. બધા દેવતાઓએ ભગવાન ગણેશને મદદ કરવાની પ્રાર્થના કરી.

એ મૂર્તિને લઈને એ માન્યતા હતી કે તેને જે સ્થાન ઉપર રાખવામાં આવે, તે હંમેશા માટે તે સ્થાન ઉપર સ્થાપિત થઇ જશે. ચાલતા ચાલતા જયારે વિભીષણ ચિત્રી પહોંચ્યા તો ત્યાં કાવેરી નદી જોઇને તેમના મનમાં તેમાં સ્નાન કરવાનો વિચાર આવ્યો. તે મૂર્તિને સંભાળવા માટે કોઈને શોધવા લાગ્યો. ત્યારે તે સ્થળ ઉપર ભગવાન ગણેશ એક બાળકના રૂપમાં આવ્યા. વિભીષણે બાળકને ભગવાન રંગનાથની મૂર્તિ પકડાવી દીધી અને તેને જમીન ઉપર ન રાખવાની પ્રાર્થના કરી.

વિભીષણના ગયા પછી ગણેશજીએ મૂર્તિને જમીન ઉપર મૂકી દીધી. જયારે વિભીષણ પાછો આવ્યો તો તેણે મૂર્તિ જમીન ઉપર જોઈ. તેણે મૂર્તિ ઉપાડવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ઉપાડી ન શક્યો. એમ થવાથી તેને ઘણો ગુસ્સો આવ્યો અને તે બાળકની શોધ કરવા લાગ્યો. ભગવાન ગણેશ દોડતા દોડતા પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા, આગળ રસ્તો ન હોવાથી ભગવાન ગણેશ તે સ્થાન ઉપર બેસી ગયા.

જયારે વિભીષણે તે બાળકને જોયો તો ગુસ્સામાં તેના માથા ઉપર હુમલો કરી દીધો. ત્યારબાદ ભગવાન ગણેશે પોતાના સાચા રૂપમાં દર્શન આપ્યા. ભગવાન ગણેશનું વાસ્તવિક રૂપ જોઇને વિભીષણે તેમની ક્ષમા માંગી અને ત્યાંથી જતા રહ્યા. ત્યારથી ભગવાન ગણેશ તે પર્વતની ટોચ ઉપર ઉચ્ચી પિલ્લયારના રૂપમાં સ્થિત છે.

આજે પણ છે ભગવાન ગણેશના માથા ઉપર ઈજાના નિશાન : કહેવામાં આવે છે કે, વિભીષણે ભગવાન ગણેશના માથા ઉપર જે પ્રહાર કર્યો હતો, તે ઈજાનું નિશાન આજે પણ આ મંદિરમાં રહેલા ભગવાન ગણેશની મૂર્તિના માથા ઉપર જોઇ શકાય છે.

તિરુચીરાપલ્લીનું પ્રાચીન નામ હતું થીરીસીરપૂરમ : માન્યતા મુજબ તિરુચીરાપલ્લી પહેલા થીરીસીરપૂરમના નામથી ઓળખવામાં આવતું હતું. થીરીસીરન નામના રાક્ષસે આ સ્થળ ઉપર ભગવાન શિવની તપસ્યા કરી હતી, તે કારણે તેનું નામ થીરીસીરપૂરમ રાખવામાં આવ્યું હતું.

સાથે જ એ પણ માનવામાં આવે છે કે, આ પર્વતની ત્રણ ટોચ ઉપર ત્રણ દેવો પહેલા ભગવાન શિવ બીજા માતા પાર્વતી અને ત્રીજા ગણેશ (ઉચ્ચી પિલ્લયાર) આવેલા છે, તેના કારણે જ તેને થીરી-સીકરપુરમ કહેવામાં આવે છે. પાછળથી થીતી-સીકરપુરમને બદલીને થીરીસીરપૂરમ કરી દેવામાં આવ્યું.

મંદિરમાં ઊજવવામાં આવતા ઉત્સવ : ઉચ્ચી પિલ્લયાર મંદિરમાં ભગવાન ગણેશની દરરોજ છ આરતીઓ કરવામાં આવે છે. અહિયાં આદિ પુરમ અને પંગુની તહેવાર પણ ઘણી ધામધૂમ સાથે ઊજવવામાં આવે છે.

કેવી રીતે પહોચવું?

વિમાન માર્ગ – તિરુચીરાપલ્લી જેને ત્રીચોના નામથી પણ ઓળખવામાં આવે છે, તે તમિલનાડુના મોટા શહેરોમાંથી એક છે. મંદિરથી લગભગ 7 કી. મી. ના અંતરે ત્રિચી એયરપોર્ટ છે.

રેલ માર્ગ – દેશના લગભગ તમામ મોટા શહેરોથી ત્રિચી માટે ટ્રેન ચાલે છે.

રોડ માર્ગ –ત્રિચીથી ચેન્નઈનું અંતર લગભગ 320 કી.મી., મદુરેનું અંતર લગભગ 124 કી.મી. છે. અને નિયમિત બસ સેવા દ્વારા દક્ષીણ ભારતમાં તમામ મોટા શહેરોથી ત્રિચી પહોંચી શકાય છે.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.