સ્ત્રીની આગેવાની હેઠળ વિકસેલા ગામ અને ત્યાં થયેલા ઉત્સવ વિષે જાણીને તમને ત્યાં રહેવાનું મન થઈ જશે.

0
323

(અડધો ભાગ લઘુકથા – ભાગ 10, 11)

(આગળના ભાગોમાં આપણે જાણ્યું કે, મહિલા સરપંચ બનેલી દીકરીએ પિયરના પંચાયતના સભ્યો પાસેથી મામેરાના રૂપમાં કામચોરી, દિલ દગડાઈ અને લાંચ જેવા દુર્ગુણોથી છેટા રહેવાનું વચન માંગ્યું હતું. અને તેની સાસુએ તેને કાર ભેટમાં આપી હતી. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.)

પિતૃવન-બાલવન :

રુપાની આગેવાની હેઠળ આનંદપુર ગ્રામ પંચાયતનું કામ નિયમસર ધમધોકાર ચાલવા માંડ્યું..

સ્ત્રી અને બાલ આરોગ્ય વિશેની યોજનાઓનો લાભ, ખોટી માન્યતા અને શરમ છોડી, સૌ બહેનો લેવા લાગી..

અને નવી શાળાએ તો બાળકો અને શિક્ષકોમાં એવો ઉત્સાહ લાવી દીધો કે.. પરાણે મોકલવા પડતા એવા છોકરા છોકરીઓ પણ સમયસર શાળાએ આવવા માંડ્યા..

સફાઈ માટે તો ચુંટાયેલી વહુઓએ જુંબેશ ઉપાડી.. સવારમાં સૌ પોત પોતાનું આંગણું વાળી નાખે.. એટલે આખું ગામ અડધી કલાકમાં ચોખું ચણાક.. કોકથી ના વળાયું હોય, તો બાજુવાળી વાળી નાખે..

એક દિવસ વન અધિકારીએ માહિતિ આપી.. “ગ્રામવન માટે ગામની ફાજલ જમીન પસંદ કરો.. અમે ઉનાળામાં ખાડા કરી આપશું.. ચોમાસા વખતે રોપા આપી જઈશું ..“

તલાટી સાહેબ, રુપા અને સભ્યોએ મળી, જમીનના બે ફાજલ ટુકડા પસંદ કર્યા.. ને યોજના બનાવી..

એક ભાગને પિતૃવન તરીકે વિકસાવવું. જેમાં સૌ પોતાના સદ્ગત પિતૃઓના નામે વૃક્ષ વાવશે.. અને પિતૃસેવા તરીકે જીવનભર માવજત રક્ષણ કરશે..

બીજા ભાગને બાલવન તરીકે વિકસાવવું .. જેમાં માબાપ પોતાના વહાલસોયા દિકરા દિકરીઓના નામે વૃક્ષ વાવશે.. અને પોતાનું બાળક સમજીને ઉછેરશે..

કોઈના ઘરે બાળક જન્મવાનું હોય..તે પોતાની જાતે ખાડો કરી આવશે.. ને બાળક જન્મે તે જ દિવસે રુપાળો છોડ વાવશે..

આખા ગામના લોકોએ આ યોજનાને વધાવી લીધી..

અને નાના બાળકો તો અત્યારથી જ જીદ કરવા માંડ્યા..

“મમ્મી.. મારા નામનું ઝાડ ક્યારે વાવવા જશો?“

(ગ્રામોત્સવ)

આનંદપુર ગામની મહિલા પંચાયતની કામગીરીની વાહવાહી થવા લાગી.. તેમાંયે ખાસ કરીને સ્વયં-સંચાલિત ગામ સફાઈ વ્યવસ્થા અને પિતૃવન બાલવન તો નવા અભિગમ માટે ખુબ નોંધપાત્ર બન્યા.. છાપાના પત્રકારો, ટીવી સમાચારવાળાઓએ આવીને ગામની પ્રગતિનું સુટીંગ કરી, વિગતો સમાચારમાં મુકી..

રાજ્ય સરકારે વિશેષ પુરસ્કાર તો આપ્યો.. ઉપરાંત કેન્દ્રને, દેશના આદર્શ ગામોની યાદીમાં આનંદપુરને સામેલ કરવા દરખાસ્ત પણ મોકલી.

આ સમાચાર રુપાએ મીટીંગમાં આપ્યા, ત્યારે આનંદની ચીચીયારી પડી ગઈ.

ગામના આગેવાનો, કર્મચારીઓ, પંચાયત સભ્યોએ મળી એક ગ્રામોત્સવ ઉજવવાની દરખાસ્ત મુકી..

સૌને અનુકૂળ હોય, તેવો દિવસ નક્કી થયો..

રુપાએ વિગત જાહેર કરી.. “આ આનંદનો ગ્રામોત્સવ આપણા ગામનો જ છે.. ચીલાચાલુ ભાષણબાજી અને ફુલહાર નહીં.. પણ ખરેખર આનંદ કરવો છે.. આપણે સાંજે પાંચ વાગ્યે નિશાળ પાસે આવશું.. સૌ પોતાના ઘરના સભ્યો હોય, તે પ્રમાણે ઘરેથી રાંધીને લાવશે.. પણ પોતે નહીં ખાય.. પ્રેમથી બીજાને ખવડાવશે.. ને આખું ગામ એકબીજાને પ્રેમથી જમાડશે.. અને તે પછી… સૌ થાકે નહીં, ત્યાં સુધી રાસની રમઝટ… બરાબર ને?“

સૌએ તાળીઓ પાડી.. એક સભ્ય બોલી.. “આ દીદી હોય, ત્યાં કંઈક નવું જ મજાનું હોય.”

એ દિવસ આવી ગયો.. રબારીવાસના રખમાઈ કાકી સૌ પહેલાં જ વિવેક રુપા પાસે જઈ બેઠા..” આ જમાઈ દિકરીને તો હું જ ખવડાવીશ.. “કહેતાં ભતાણું ખોલી, ઘીથી તસતસતો રોટલો, ઓળો ને માખણનો પીંડો કાઢી.. પોતાના હાથે જ બેયને એક એક કોળીયો દીધો..

સૌએ પ્રેમભર્યું ભોજન બીજાને કરાવ્યું.. ને, પછી જામી રાસની રમઝટ.. દાંડીયાની બઘડાટીનું તો પુછો જ મા..

– જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)

આ શ્રેણી અહીં પુરી થાય છે. ગામો ગામ આવા ઉત્સવ થાય, તેવી અપેક્ષા.