રુપાંતરણ – મેટામોર્ફોસીસ :
વિગ્નાન શિક્ષક સેવંતીલાલને આજે નોકરીનો છેલ્લો દિવસ હતો. અને છેલ્લો તાસ હતો.
પ્રાણીશાસ્ત્રના કિટકોના પ્રકરણમાં રુપાંતરણ – મેટામોર્ફોસીસ વિશે પાઠ આપ્યો.
કિટકો ચાર અવસ્થામાંથી રુપ બદલીને પસાર થાય છે , અને પુખ્ત બને છે. ઈંડા , ઈયળ , કોશેટો અને પુખ્ત. ઉપરાંત કિટકોમાં બહારના ફરતા વાતાવરણ પ્રમાણે પોતાનામાં ફેરફાર કરી લેવાની શક્તિ હોય છે. જેમ કે લીલા ઘાસમાં રહેતી , લીલી દેખાતી ખડમાકડીને પીળા ઘાસમાં રહેવાનું થાય , તો એ પોતાનો રંગ ઘાસ જેવો પીળો બનાવી લે છે. આ ઘટનાને ‘રુપાંતરણ’ અને આ શક્તિને ‘રીજનરેશન પાવર’ કહે છે.
એક પ્રશ્ન પુછાયો ”સર, માણસમાં આવું થાય?”
“ના. માણસ એક રુપમાં જ રહે. અને એનામાં બાહ્ય વાતાવરણ પ્રમાણે પોતાનામાં ફેરફાર કરવાની શક્તિ હોતી નથી.”
તાસ પુરો થયો. એ શિક્ષકખંડમાં આવીને બેઠા. પણ પેલો પ્રશ્ન એના દિમાગને ચકરાવે ચડાવી ગયો.
સેવંતીલાલ સુધારાવાદી હતા. એણે દિકરાના લગ્ન પરગ્નાતિમાં કરાવ્યા હતા. સામાવાળા જાણીતા જ હતા. વહુને દિકરી જેવા જ અધિકારો આપ્યા. લગ્ન પછી અનુસ્નાતક પદવીનો અભ્યાસ કરાવ્યો. હાથ ખરચીના પૈસા પણ જાતે લઈ લેવાની છુટ હતી. નવું કંઈ ખરીદાતું, તો પોતાની દિકરી બરાબર જ વહુ માટે આવતું.
પરંતુ વહુ જે સમાજમાંથી આવી હતી , તે નાની ગ્નાતિ હતી. સગા સંબંધીમાં આવવા જવાનો ટુંકો વહેવાર રિવાજ હતો. એટલે ઘરમાં આવતા મહેમાન વહુને ગમતાં નહીં. એકવાર તો આંટો દેવા આવેલી નણંદ સાથે તોછડું વર્તન કર્યું.
પૌત્ર જનમ્યો. પણ વહુ તે પોતાની માલિકીનો હોય તે માનતી. જાણે સાસુ સસરામાં કંઈ આવડત જ ન હોય , તેમ એને ‘આમ ના કરો.. તેમ ના કરો..’ એમ ટોક્યા કરતી.
એકવાર હદ પાર થઈ ગઈ. વહુએ પોતાના માટે સૌંદર્ય પ્રસાધનનો મોંઘો સામાન મંગાવ્યો. સસરાએ ના પાડી. વહુ બબડી. “તેવડ ના હોય તો ગગાને પરણાવાય જ નહીં ને.”
સેવંતીલાલ દિકરા વહુથી નિરાશ હતા. આજના પ્રશ્ને એને સત્ય સમજાવ્યું કે ’માનવજાતમાં રુપાંતરણ અને રીજનરેશન પાવર હોતો નથી. એટલે વહુ કદી દિકરી બની શકે નહીં.’
એણે નિવૃત થયા પછી દિકરા વહુ સાથે રહેવા જવાનો નિર્ણય રદ કર્યો.
વિદાય સમારંભમાં એણે કહ્યું..
“મારા વિષયે મને શીખવ્યું છે કે, માણસમાં કિટકોની જેમ રુપાંતરણ હોતું નથી. એટલે હું શિક્ષકમાંથી નિવૃત કર્મચારી નહીં બનું. વતનના ગામડામાં જઈ છોકરા છોકરીઓને ઘરે બેસી ભણાવીશ.”
– જયંતીલાલ ચૌહાણ ૨૪-૮-૨૧