સ્ત્રી લઈને આવી એવા “અદભૂત કપડા” જે સત્ય બોલનારને જ દેખાય, વાંચો તેનાલી રામાની વાર્તા ગુજરાતીમાં.

0
338

તેનાલી રામાની વાર્તા  ભાગ 1

એક સમયે. રાજા કૃષ્ણદેવ રાય વિજયનગરના દરબારમાં બેઠા હતા. તે જ સમયે એક સુંદર સ્ત્રી દરબારમાં એક બોક્સ લઈને આવી.

એ બોક્સમાં એક મખમલની સાડી હતી, જે બહાર કાઢીને તેણે રાજા અને દરબારમાં બધા દરબારીઓને બતાવવાનું શરૂ કર્યું. આ સાડી એટલી સુંદર હતી કે જેણે પણ જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયા.

સ્ત્રીએ રાજાને કહ્યું કે, તે આવી સુંદર સાડીઓ બનાવે છે. તેની પાસે કેટલાક કારીગરો છે, જેઓ તેમની ગુપ્ત કળા વડે આ સાડી વણે છે. તેણીએ રાજાને વિનંતી કરી કે જો રાજા તેણીને થોડા પૈસા આપે, તો તે તેમના પરિવાર માટે સાડી બનાવશે.

રાજા કૃષ્ણદેવ રાયે સ્ત્રીની વિનંતી સ્વીકારી અને તેને પૈસા આપ્યા. તે સ્ત્રીએ સાડી તૈયાર કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો હતો. એ પછી સ્ત્રી પોતાના સાડી વણકરો સાથે રાજાના મહેલમાં રહેવા લાગી અને સાડી વણવા લાગી.

આ દરમિયાન તે સ્ત્રી અને કારીગરોના ખાવા-પીવાનો તમામ ખર્ચ રાજમહેલ પોતે જ ઉઠાવતો હતો. એ જ રીતે 1 વર્ષ વીતી ગયું. પછી રાજાએ પોતાના મંત્રીઓને તે સાડી જોવા માટે મોકલ્યા. મંત્રી જ્યારે કારીગર પાસે ગયા તો તેમને જોઈને આશ્ચર્ય થયું. ત્યાં બે કારીગરો કોઈ દોરા કે કાપડ વગર કંઈક વણતા હતા.

સ્ત્રીએ કહ્યું કે તેના કારીગરો રાજા માટે સાડીઓ વણે છે. મંત્રીઓએ કહ્યું કે ત્યાં અમને કોઈ સાડી દેખાતી નથી. તેના જવાબમાં સ્ત્રીએ કહ્યું કે આ સાડી માત્ર તે જ લોકો જોઈ શકે છે, જેમનું મન સ્વચ્છ હોય અને જેણે જીવનમાં કોઈ પાપ કર્યું ના હોય.

સ્ત્રીની આ વાત સાંભળીને રાજાના મંત્રીઓ ચકરાઈ ગયા. અને નાછૂટકે સાડી દેખાતી હોય એવો ઢોંગ કરવા માંડ્યા. રાજા પાસે પાછા આવીને તેમણે કહ્યું કે સાડી ખૂબ જ સુંદર હતી.

આ વાતથી રાજા ખૂબ ખુશ થયા. બીજા દિવસે તેણે સ્ત્રીને સાડી સાથે રાજસભામાં હાજર થવાનો આદેશ આપ્યો. સ્ત્રી બીજા દિવસે તેના કારીગરો સાથે બોક્સ લઈને રાજાની સભામાં આવી. તેણીએ બોક્સ ખોલ્યું અને બધાને સાડી બતાવવાનું શરૂ કર્યું.

દરબારમાં બેઠેલા તમામ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા, કારણ કે રાજા સહિત કોઈપણ દરબારીને સાડી દેખાતી ન હતી. આ જોઈને તેનાલી રામાએ રાજાના કાનમાં કહ્યું કે સ્ત્રી જૂઠું બોલી રહી છે. તે બધાને મૂર્ખ બનાવી રહી છે.

એ પછી તેનાલી રામાએ સ્ત્રીને કહ્યું કે તેને કે સભામાં બેઠેલા કોઈપણ દરબારીને આ સાડી દેખાતી નથી.

તેનાલી રામાની આ વાત સાંભળીને સ્ત્રીએ કહ્યું કે આ સાડી ફક્ત તેમને જ દેખાશે જેમનું મન સ્વચ્છ છે અને જીવનમાં કોઈ પાપ કર્યું ના હોય.

સ્ત્રીની આ વાત સાંભળીને તેનાલી રામાના મગજમાં એક વિચાર આવ્યો. તેણે સ્ત્રીને કહ્યું – “રાજા ઈચ્છે છે કે તું પોતે જ તે સાડી પહેરીને દરબારમાં આવ અને તે સાડી બધાને બતાવ.”

તેનાલી રામાની આ વાત સાંભળીને સ્ત્રી રાજાના પગમાં પડી ને માફી માંગવા લાગી. તેણીએ રાજાને બધી હકિકત જણાવી કે તેણીએ કોઈ સાડી નથી બનાવી. તે બધાને મૂર્ખ બનાવતી હતી.

સ્ત્રીની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેઓએ તેને જેલમાં ધકેલી દેવાની સજા ફટકારી, પરંતુ જ્યારે સ્ત્રીએ ખૂબ આજીજી કરી, ત્યારે તેઓએ તેને છોડી દીધી અને તેને માફ કરી અને જવા દીધી. અને રાજાએ તેનાલી રામાની ચતુરાઈના વખાણ કર્યા.

વાર્તામાંથી બોધપાઠ – જૂઠ કે છેતરપિંડી લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી. એક દિવસ સત્ય સામે આવેજ છે.