વડોદરાના સુબાએ સપનામાં ભાણસાહેબને દતાત્રેય સ્વરૂપે જોયેલા, વાંચો ભાણસાહેબના જીવનના પ્રસંગો.

0
575

પારણામાંથી જ ભક્તિ પદારથની કંઠી ભાણગુરુને મળી

ભાણ કહે ભટકીશ મા, મથી જો અંતરમાંય ;

સમજીને જો સૂઈ રહે, તો તારે કરવું પડે નૈં કાંઈ…

પંખીના માળા જેવું ચરોતર પ્નદેશનું કિનખિલોડ ગામઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં એનો જનમ ગળથૂથીમાં જ રામ ભગતિના સંસ્કાર મળેલા ને એમાં ભંડારી અંબાબાઈ પણ મળ્યા સતસંગી. કલ્યાણને સહુ લોક ભગતના નામથી ઓળખતા. પણ ભાઈ નામ જેવા જ એના ગુણ હો નામ કલ્યાણ ભગત… ઈ જીવ માતરનું ભલું થાય, સારૂં થાય, કલ્યાણ થાય એની રાત-દિ ચિંતા ર્ક્યા કરે.

નાનકડી એવી હાટડી માંડેલી-પરચૂરણ વેપાર કરે પણ મૂળથી જ જીવ ભગતિ ને સતસંગવાળો. એટલે આવ્યા ગ્યા સાધુ-સંતોને આશરો આપે છે, આદરમાન આપે છે, અભિયાગતને સાચવે. પંખીડાંને ચણ્ય નાખે ને કૂતરાને રોટલો દેવાના-ને ગાયુંને લીલું નાંખવાના એના કાયમના નીમ છે ભાઈ મૂળ વતન તો એનું મોટી જતવાડમાં. પાટણ જિલ્લાના રાધનપુર પાંહેનું વારાહી ગામ, પણ વેપારધંધા અરથે વારાહીથી નીકળી ગયેલા ને ચરોતર પ્નદેશમાં બોરસદ તાલુકાના કિનખિલોડ ગામે આવીને હાટડી માંડેલી. આવા સેવાભાવી ને ધરમનીમ પાળનારા અખાણી શાખના રઘુવંશી લોહાણા કલ્યાણ ઠક્કરને ત્યાં સદ્ગુરુ ભાણ સાહેબે અવતાર લીધો.

આજથી ત્રણસો ને ચાર વરસ પહેલાંની આ વાત છે. વિકમ સંવત ૧૭પ૪, મહા મહિનાની અંજવાળી અગિયારસ આવી, મંગળવારનો શુભ દિવસ છે. શુભ ઘડી ને શુભ નક્ષત્રમાં કલ્યાણ ઠક્કરને ત્યાં એક અવતારી પુરુષનો જન્મ થયો. સંતના આશીર્વાદ મળ્યા. પારણામાંથી જ ભક્તિ પદારથની કંઠી ભાણગુરુને મળી ગઈ. કલ્યાણ ભગત ને અંબાબાઈના મનનો ઉચાટ ભાંગી ગ્યો.

ધીરે ધીરે બાળક ભાણ મોટા થાય છે… પણ ઘરના સંત સેવાના સંસ્કાર લાગી ગ્યા છે. આવ્યા ગ્યા સાધુસંતોની સેવા કરવી ને ભજન મંડળીઓમાં જઈને સત્સંગ કરવો ઈ જ એનો શોખ જીવમાત્રની સેવાનો મહામંત્ર લઈને ભાણનું બાળપણ વીતે છે. આઠ વરસના ભાણ થ્યા ને કલ્યાણ ઠક્કરે કિનખિલોડ ગામ છોડયું.

પોતાના મૂળ વતન વારાહીમાં આવ્યા. ત્યાં હાટડી માંડી ને વેપાર શરૂ ર્ક્યો… વેપારમાં મોટો દીકરો કાનો મદદ કરે છે. ને ભાણ જીવતરની નિશાળમાં સેવા સતસંગના એકડા ઘૂંટે છે. યુવાની આવી. પચ્ચીસ-છવ્વીસ વરસના થયા ને વારાહીના મેઘા ઠક્કરની દીકરી ભાણબાઈ સાથે ભાણસાહેબના વિવાહ થયા. ભાણબાઈ ભંડારી પણ પૂરવ જનમના યોગ સંગાથી હતા. સંતોની ભજનમંડળીમાં ભાણ ઠક્કર સત્સંગ કરે છે, ભજનો ગાય છે ને ઉપદેશ આપે છે કે- તમે કૂડ કાયાના કાઢો રે, તમે વિખિયાના રૂખડાં વાઢો રે હે વીરા આવ્યો આષાઢો…

હે ભાયું આ અષાઢ મહિનો આવ્યો છે. તમે તમારા મન ખેતરને ખેડીને ચોખ્ખા કરી રાખજો. કામ ક્રોધ-મોહ- મદના રૂખડાં વાઢી નાંખજો. જો તમારી ખેડય સાચી હશે તો જ વાવેલાં કણ ઊગશે, નકર ભગતિના કણમાં કોંટા નૈં ફૂટે. એક મૂઠી વાવશો ને તો પછી માણું ભરીને પામશો…આ વાવેતર તો છે સતનાં. મૂઠી ભરીને શબદનાં વાવેતર ર્ક્યાં હોય તો પછી અનુભવના કોઠાર ભરાઈ જાય,પણ ખોટમનાનું એમાં કામ નૈં. ઈ તો અરધે રસ્તેથી પાછાં વળે. એનાં ભગતિ-વૈરાગના ભાવ ઝાકળ થઈને ઊડી જાય. દેખાદેખીથી ભગતિને મારગે હાલવા જાય તો બીજને બદલે કૂથા જ- ફોતરાં જ ચાવવાની વેળા આવે.

એક્વાર ફરતાં ફરતાં ભાણસાહેબ શિષ્ય મંડળી સાથે વડોદરા પહોંચ્યા છે. વઢિયારા બળદ જોડેલો સીગરામ જોઈ વડોદરાના શેખ હુસેનદીનની મોઢામાં પાણી આવ્યું. વડોદરાના સુબા પાસે ખોટી ફરિયાદ કરી કે મારો સીગરામ આ સાધુ ઓળવી ગયો છે.

સુબાએ આ મિયાંનો પક્ષ લીધો. ભાણ સાહેબને ચોર ઠેરવી જેલમાં પૂર્યા. એ વખતે ભાણ સાહેબે ગાયું – અસુરાને મન દયા આણો રે , એમ ભણે લુહાણો ભાણો… હે અનાથુંના નાથ ભાંગ્યાના ભેરૂ એકલના બેલી ધ્રુવ – પ્નહલાદના તારણહાર તેં મીરાંના વખડાં પીધાં, નરસૈંયાની હૂંડી સ્વીકારી ને શામળિયો શેઠ થઈને આવ્યો.. તેં કબીર, નામદેવ, રૈદાસ ને પીપા ભગતની આબરૂ રાખી છે. હે દીન દયાળ .. હે પ્રભુ આ અસુરના મનમાં તમે દયા લાવજો. એ અજ્ઞાની છે. એને કંઈ ખબર નથી. મીરાબાઈનાં વખડાં તમે અમરત કરેલાં. નામા ભગતનું કારજ સાર્યું, કબીર માથે કરૂણા કરેલી, અરે વાલા ઉંડા જળમાં ગજને તમે જ તાર્યો તો ને …

આમ એક પછી એક સંત ભક્તના કામ ભગવાને કરેલા તેની યાદી આપતાં ભાણસાહેબ વડોદરાની જેલમાં આ ભજન ગાય છે, તે રાત્રે વડોદરાના સુબાને સપનું આવ્યું. પેટમાં ભારે પીડા ઉપડી. સદગુરુ ભાણને શરણે જતાં ઈ પીડા ટળી ગઈ. ભાણ સાહેબને એણે દતાત્રેયના સ્વરૂપે જોયા. એનું અજ્ઞાન અંધારૂં ટળ્યું ને સવારે ભાણસાહેબના ચરણમાં પડી ગયો. માનપાન આપીને એક જરક્સી નેજો, એક ઘોડી ને એક જરિયન શાલ આપી ભાણ સાહેબપોતાના સદગુરુ ધાર્યા.

પછી તો ભાણસાહેબની ખ્યાતિ વધવા માંડી, વડોદરા પાસેના શેરખી ગામના ઠાકોરની બે રાણીઓને તાંત્રિકના પંજામાંથી છોડાવીને શેરખી ગામે પ્રથમ જગ્યા બાંધી. પોતાના મોટાભાઈ કાનદાસજીને શેરખીના પ્રથમ મહંત તરીકે નીમ્યા. પોતાની લોહાણા જ્ઞાતિના સાતસો ઘરની નાત બાંધીને મહી રેવા લોહાણા પંચ એવું નામ આપ્યું. ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં કરતાં સંત ભાણસાહેબ પરમાત્માની ભક્તિ ને વૈરાગ્યનો આદેશ આપતા રહે છે.

આવા ભાણસાહેબના પ્રથમ શિષ્ય થયા બંધારપાડાના કુંવરજી ઠક્કર. ને બીજા શિષ્ય થયા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણસા ગામના શ્રીમાળી વાણિયા કુળમાં મંછારામ અને માતા ઈચ્છાબાઈને ત્યાં ઈ.સ. ૧૭૮૩માં જન્મેલા રવિદાસ. ઈ.સ. ૧૮૦૩ ને મહાસુદ ૧૧ ના દિવસે રવિદાસના અંતરના કમાડ ભાણસાહેબે ખોલી દીધા અને નામ દીધું રવિસાહેબ..

વિ.સં. ૧૮૦પ-ઈ.સ.૧૭૪૯માં કચ્છના રાઓશ્રી દેશળજીએ ભૂજમાં શિવરામંડપનો સંતમેળો ર્ક્યો. આ મેળા- મંડપમાં ભારતભરમાંથી સંતો-મહંતો-ભક્તોને નિમંત્રણ આપીને તેડાવેલા. ભાણસાહેબ અને તેમના શિષ્યમંડળને ખાસ આમંત્રણ આપી બોલાવેલા ને સારો સત્કાર કરેલો. આ વખતે કચ્છના ઘણા સ્થળોની મુલાકાત લીધેલી, એમાં કચ્છ વાગડના રાપરમાં આવેલ દરિયાસ્થાનની જગ્યા પોતે સંભાળેલી.

જ્ઞાન, ભક્તિ, યોગ, સેવા, સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગોનો ઉપદેશ આપતાં આપતાં ભાણસાહેબ કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતની યાત્રાઓ કરવાં જાય છે, દ્વારકાની યાત્રાએથી પાછાં ફરતાં વિ.સં.૧૮૧૧ ચૈત્ર સુદી ર ના દિવસે નળકાંઠા વિસ્તારમાં ફરતા ફરતા વિરમગામથી નળસરોવર જતાં રસ્તામાં આવતાં કમીજલા ગામે આવી પહોંચ્યા. આખી રાત સત્સંગ-ભજન થયાં, સવારે ઊઠીને સંતમંડળી રવાના થઈ.

ગામના સેવકો ઝાંઝ-કરતાલ લઈને ભાણ ગુરુને વળાવવા ભજનની રમઝટ બોલાવે છે, ગામ બહાર આવેલા તળાવની પાળ પાસે મંડળી પહોંચી, ત્યાં પાછળથી પરગામ ગયેલો ભરવાડ ભગત મેપો દોડતો દોડતો સાદ પાડતો આવે છે : ‘ગુરુદેવ ભાણબાપુ થોભો.. ઊભા રયો… રોકાઈ જાવ..મારે ન્યાં પગલાં ર્ક્યા વિના આમ હાલી નીકળાય ? ઊભા રયો..હવે એક ડગલુંય આગળ વધો તો તમને રામદુહાઈ છે..’

‘રામદુહાઈ ’ શબ્દ સાંભળતાં જ ભાણસાહેબ થંભી ગયા. એ જ ક્ષણે સ્થિર થઈ ગયા. ભાવાવેશમાં દોડતા આવેલા મેપાભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે ભાણગુરુએ હસતાં હસતાં વેણ કાઢયાં : ‘ મેપા હવે તો એક ડગલુંય આઘું-પાછું નૈં જવાય. તેં રામદુહાઈ દીધી.

મારું આયખું પૂરું થયું. હવે આ જ ઠેકાણે સમાધ ગળાવો..’ રામદુહાઈની બેડી પગમાં પડી ગઈ. શ્રી રામના સોગંદનું એ વચન પાળવા ભાણસાહેબે ત્યાં જ સમાધિ ગળાવી. નછૂટકે ભાણસાહેબના દૃઢ નિશ્ર્ચયનો અમલ કરવાનું કાર્ય શરૂ થયું. મેપા ભગતે ગુરુની સાથે જ દેહ ત્યાગ કરવાની જીદ કરી ત્યારે ભાણસાહેબે બરોબર એક વર્ષ પછી સમાધિ લેવાનો આદેશ આપ્યો, અને કહ્યું કે, જા આ લીમડાની ચીર વાવી દે, એમાં કૂંપળ ફૂટે ત્યારે જાણજે કે એક વરસ થઈ ગયું.

ભાણગુરુ હસતાં હસતાં ગાય છે : હંસો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, તમે પોરા પરમાણે જાગો..

એ દિવસ હતો વિક્રમ સંવત ૧૮૧૧ના ચૈત્ર સુદી ત્રીજનો.ઈ.સ.૧૭પપમાં બરોબર સત્તાવન વર્ષનું આયુષ્ય સાથે અર્ધી રાત વીતી જતાં ભાણસાહેબે જીવતાં સમાધિ લઈ લીધી. સાથોસાથ ભાણસાહેબની વહાલી ઘોડી અને એક પાળેલી કૂતરીએ પણ પોતાના દેહ એ જ સમયે છોડી દીધા.

આજે પણ વિરમગામ-નળસરોવર રોડ પર આવેલ કમીજલા ગામે ભાણસાહેબનું સમાધિમંદિર સંતસેવા-સાધના-સમાજ સુધારણા, શિક્ષણ ,આરોગ્યની વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરતું ધર્મની ધ્વજા લહેરાવતું ઊભું છે. હાલમાં જાનકીદાસજીબાપુ મહંત ગાદીએ બિરાજે છે.

– સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)