સુગરીના માળાને કારણે એક વ્યક્તિનો ગુસ્સો અને તેના મનની મૂંઝવણ દૂર થઈ, જાણો કઈ રીતે?

0
839

લઘુકથા – માળો :

– માણેકલાલ પટેલ.

બાબુલાલ ખૂબ જ ખીજાઈ ગયા. હાથમાં રહેલો ચાનો કપ પણ ધ્રુજવા લાગ્યો. મેં એમને શાંત પાડવા પ્રયત્ન કર્યો.

એમણે કહયું :- “આવું તો ના ચાલેને? ત્રણ મકાન બતાવ્યાં. એક પણ પસંદ ન આવ્યું.”

બાબુલાલ અને હું સાથે કોલેજમાં ભણતા હતા. નોકરીએ પણ સાથે જ લાગેલા. એ સૂરત હતા અને હું વડોદરા.

એમની બદલી વડોદરા થતાં એ પતિ-પત્ની મારા ઘરે રોકાયાં હતાં. ભાડેથી રાખવા અમે ત્રણ મકાન જોયેલા. બાબુલાલને તો ગમે પણ હિનાબેન મોંઢું મચકોડી ના પાડી દે.

બાબુલાલ તો બરાબર બગડેલા. મને કહી દીધેલું :- “મારે અહીં વડોદરામાં મકાન રાખવું જ નથી. એતો હું સૂરતથી જ અપડાઉન કરીશ.”

તોયે મેં એમને સમજાવેલા અને પાછા અમે ચોથા મકાનની શોધમાં નીકળી પડ્યા. અમારા બન્નેના એક કોમન મિત્ર રમેશભાઈ હતા. એમને મળવા અમે એમના ઘરે ગયા. એમના ધ્યાનમાં કોઈ મકાન હોય તો એ બતાવે એ આશાએ.

અમે વાતે વળ્યા. દરમ્યાન બાબુલાલ તો નિરસ જ હતા. બેઠકરૂમમાં સુગરીનો સરસ માળો હતો જેને હું નીરખી રહ્યો હતો. રમેશભાઈએ કહ્યું :- “આ માળા વિશે તમે જાણો છો?”

મેં ના પાડી એટલે એમણે હસીને કહ્યું :- “માળો બનાવવાની જવાબદારી નર સુગરીની હોય છે. માળો તૈયાર થઈ જાય એટલે માદા સુગરી એ માળાનું નિરિક્ષણ કરે અને જો એને એ ન ગમે તો એ માળો પડતો મૂકી દે એટલે નર એની બાજુમાં જ નવો માળો બનાવવાના કામમાં લાગી જાય- બિલકુલ થાક્યા કે કંટાળ્યા વિના જ.”

બાબુલાલ અચાનક ઉભા થયા અને કહ્યું :- “ચાલો, આપણે હજુ બીજાં બે-ત્રણ મકાન હોય તો જોઈએ!”

– માણેકલાલ પટેલ.