“સુખદ્ર-મંથન” : આજના માનવીના મગજમાં ચાલતા સમુદ્ર-મંથન વિષે જાણવા આ નાનકડો આર્ટિકલ વાંચો.

0
374

કોન્ટ્રાકટરને માલસામાન સાથે જ રિનોવેશનનું કામ સોંપી દીધું છે.. આખું મકાન પાડીને નવેસરથી પ્લિન્થ ઉંચી લઈને વિશાળ લક્ઝુરિયસ બંગલો બનાવું છું.. ત્રણ છે એને બદલે પાંચ મોટા મોટા બેડરૂમ થઈ જશે.. ભગવાન માટે જેસલમેરનાં પીળા પત્થરો જડેલું નાનકડું મંદિર વિશેષ આકર્ષણ હશે મારા ભવ્યાતિભવ્ય બંગલાનું..

વરસદિવસ કામ ચાલશે એટલે બે મહિના પછી પંદર દિવસ કામ બંધ રાખવાની વાત પણ કરી લીધી છે કોન્ટ્રાક્ટર સાથે.. કારણ કે ૧૩મી ઓગષ્ટે ૧૨ દિવસની યુરોપ ટૂરમાં જઈએ છીએ.. જોકે ૧૪ લાખની એફડી તો સપ્ટેમ્બરમાં પાકે છે એટલે આમ તો એને હાથ લગાડવાનો નથી પણ વ્યાજ સાવ ઘટી ગયું છે ને શેરો બધા તળીયે છે માટે એ નાણાં શેરબજારમાં નાંખી દેવા છે.. ગાડી છે એનાં કરતાં મોટી અને લેટેસ્ટ લેવી છે પરંતુ નવી ટેકનોલોજીમાં આપણને બૌ ગતાગમ નો પડે એટલે એ કામ દીકરાને સોંપી દીધું છે..

ગઈ કાલે ગામના મંદિરનાં ટ્રસ્ટીઓ આવ્યા હતાં.. મેં પ્રયોજન પૂછ્યું તો એમણે કહ્યું કે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે.. ચૂકી ન જવાય એ આશયથી મેં તો ઝડપથી મંદિરનાં ગુંબજ માથેનો સોનાનો કળશ અમારાં તરફથી લખાવી દીધો.. સપનું આટલે સુધી પહોંચ્યું હતું ત્યાં તો રસોડામાંથી ચા ઉકળવાની સોડમ આવી એટલે હું ઉંઘમાં જ ટ્રસ્ટીઓને કહેવા લાગ્યો, “ચા પીને જજો.. ચા પીને જજો..”

ત્યાં તો મારાં શ્રીમતીજીએ આવીને છણકો કર્યો, “કોની સાથે ચાની લહેજત માણો છો? અને કઈ રેસ્ટોરન્ટમાં બેઠાં છો?” પાછું એ આગળ ગણગણી, “સપનામાંય હખ નથી.!”

અચાનક હું જાગી ગયો.. મેં મારી રાણી રૂપમતીને સપનાની આખી વાત કરી.. અને મારા રૂમ-રસોડાનાં જર્જરિત ઘરને જોઈને કહ્યું, “ડાર્લિંગ, સપનામાં જ હખ છે.. બાકી જગનામાં (જાગવામાં) તો દ:ખ જ દ:ખ છે..”

મારાં સપનાની વાત સાંભળીને એ તો ખડખડાટ હસવા લાગી ! મને કહે, “ખોટી વાત.. આ જગનામાં (જે છે એમાં) જ હખ (સુખ) છે.. બાકી તો દુનિયા આખીમાં દ:ખ જ દ:ખ (દુ:ખ જ દુ:ખ) છે..!!

તમે ગામના મંદિરનાં ગુંબજે સોનાનો કળશ ચડાવો કે મારા ગળામાં હીરા-માણેક જડેલો હાર પહેરાવો કે પછી પાંચ બેડરૂમવાળો ભભકાદાર બંગલો બંધાવો….. પણ એ પાંચમાંથી એકેય બેડરૂમમાં ન તમને આવી સરસ ઉંઘ આવે ન આવાં સપનાં..

આખી આખી રાત તમારાં મગજમાં એફડીના રૂપિયામાંથી ક્યા શેર ખરીદવા, શેરમાંથી કમાઈને શેમાં ઝંપલાવવું.. પ્રોપર્ટી ઍક્વાયર કરવી કે ઘરેણાંઓથી લોકરો ભરવાં એવાં બધાં પ્લાનિંગ જ ચાલ્યા કરે.. મંદિર તો સાવ ભૂલાઈ જ જાય.. મારા ગળાનો હાર ખેંચાઈ જવાનો ડર સતાવ્યા કરે.. વળી પાછું બંગલામાં ચોર ઘૂસી ન જાય એ માટે શું કરવું એની મથામણ મગજને થકવી નાંખે. સમજ્યા મારાં સીસીટીવી?

વધુમાં તમને મુંઝાયેલા જોઈ-જોઈને મારી ઉંઘ પણ ઉડી જાય એ અલગ.. માટે એ બધાં શેખચલ્લીનાં સપનાં છોડો, મારી બાજુ મુખડું મોડો અને મસ્ત મસાલેદાર ચ્હા પીને ગાર્ડનમાં દોડો એટલે ‘મન’ મોજમાં રહેશે.”

– મનોજ દોશી ‘મન’ ૧૮/૦૬/૨૦૨૧. (અમર કથાઓ ગ્રુપ)