તમે ઈચ્છો છો કે તમારા સુખી જીવનની ગાડી પાટા પર દોડતી રહે તો આ લેખ વાંચી તેને જીવનમાં ઉતારજો.

0
321

“સમાધાન”

ઘંટડી વગડી એટલે વૃધ્ધ વનિતાબેને બારણું ખોલ્યું.. આગંતુક એક અજાણ્યું યુગલ હતું.. યુવતિએ કહ્યું “અમે દાદાને મળવા આવ્યા છીએ..” એટલે અંદર આવવા કહી, બેઠકમાં બેસાડી પાણી આપ્યું..

કૃષ્ણકાંત બેઠકમાં આવ્યા.. તેણે અને યુગલે પરસ્પર અભિવાદન કર્યું.. એણે યુગલના આવવાનું પ્રયોજન પુછ્યું.. એટલે યુવતિ બોલી.. “દાદા, મારું નામ નિશા.. અને આ કમલેશ.. અમારા લગ્નને એક વરસ થયું.. અમે બન્ને જુદા જુદા શહેરમાં નોકરી કરીએ છીએ.. એક જગ્યાએ ભેગા થવાની અરજી કરી દીધી છે..“

થોડું અટકીને એ આગળ બોલી.. “શનિ રવિની રજામાં અમે મળીએ.. ક્યારે એ આવે .. ક્યારેક હું જાઉં.. અમારા વચ્ચે ક્યારેક વિચાર ભેદ થતો.. ધીમે ધીમે ઘર્ષણ થવા લાગ્યું.. છુપો કજીયો વધી ગયો.. અમે મળવાનું બંદ કર્યું.. હું એકવાર છુટાછેડાનું બોલી ગઈ.. એણે પણ ગુસ્સામાં હા કહી દીધી..”

“મેં કે એણે ઘરમાં વાત કરી નહોતી.. ઘરનાને એમ હતું કે અમે નોકરીના કારણે નહીં મળી શકતા હોઈએ..” યુવતિએ થોડું પાણી પીધું.. વાત આગળ ચલાવી.. “દાદા, એક દિવસ છાપામાં તમે કટાર લખો છો.. તે વાંચવામાં આવી..”

કૃષ્ણકાંત ‘નિજાનંદી’ ઉપનામથી સામાજીક વિષયો પર દૃષ્ટાંતો સાથે કટાર લખતા..”તમારી વાતમાં રસ પડ્યો.. જુના છાપા પણ શોધીને વાંચ્યા.. તમારા પતિ પત્નીના સંબંધો અંગેના વિચારો ગળે ઉતર્યા.. મને સમજાયું કે.. હું સારી પત્ની બનવામાં અને ભારતીય પરંપરાના પાલનમાં થોડી ઉણી ઉતરું છું.. મેં ભૂલ સ્વિકારી, એક વિગતવાર પત્ર કમલને લખ્યો.. એ બીજે જ દિવસે રજા લઈ મળવા આવ્યા.. એણે પણ પોતાના ઉગ્ર સ્વભાવનો સ્વિકાર કર્યો.. દાદા, હવે અમારે કોઈ ફરિયાદ નથી.. બેય ખુબ રાજી છીએ.. યુવતિએ વાત પુરી કરી..

કૃષ્ણકાંતે હળવેથી તાળી પાડી.. “તમે બેયે શિક્ષણને ખરેખર દિપાવ્યું..”

કમલેશે કહ્યું “દાદા, નિશાની ઈચ્છા તમને મળવાની હતી.. મેં એક પત્રકાર મિત્રને કહી છાપાના કાર્યાલયમાંથી તમારું નામ સરનામું વિગેરે તમામ વિગત મેળવી.. અને આજે તમને મળવા જ આવ્યા છીએ..”

એટલામાં ચા નાસ્તો લઈ વનિતાબેન આવ્યા.. કૃષ્ણકાંતે તેને ટુંકમાં વાત કરી..

વનિતાબેને કહ્યું “બાળકો પાંચ સાત વરસના થાય.. ત્યાં સુધી અંદરોઅંદર ઝગડે.. તોય તરત જ પાછા ભેગા રમવા માંડે.. એમ નવા પરણેલાએ પણ પાંચ સાત વરસ બાળકની જેમ રહેવું જોઈએ..”

વાત સાંભળી સૌ હસ્યા.. જતાં જતાં નિશાએ એક પેકેટ કાઢ્યું.. “દાદા, આજે તમારો જન્મદિવસ છે, એની અમને ખબર છે.. આ અમારા તરફથી ખુશી ભેટ.. તમારા માટે જભ્ભો લેંઘો લાવી છું..”

કૃષ્ણકાંત બોલ્યા.. “આજે મને લાગે છે કે, હું લખું છું.. તે સાવ વ્યર્થ તો જતું નથી..”

પત્ની તરફ જોઈને બોલ્યા “આપણા તરફથી કંઈક આપો..”

નિશા બોલી “દાદા, આપવું હોય તો મને ‘તુંકારો’ આપો.. “

કૃષ્ણકાંતે એના ખભાપર હાથ મુકી થપથપાવ્યો.. “બેટા, આ ઘરને પોતાનું સમજી, ક્યારેક ક્યારેક આવતી રહેજે..”

– જયંતીલાલ ચૌહાણ ૬ -૪ -૨૧ (અમર કથાઓ ગ્રુપ)