સુખી સંપન્ન ઘરમાં થવાનું હતું નવા સભ્યનું આગમન, પણ અચાનક તુટી પડ્યું દુ:ખનું આભ, સ્ટોરી ભાવુક કરી દેશે.

0
371

લઘુકથા – “કેતકી” – ભાગ 5 અને 6 :

(ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કેતકીના થનારા સાસુ સસરાનું એક્સિડન્ટ થાય છે પછી કેતકી લગ્ન કર્યા વગર જ પોતાના સાસરે પોતાની સાસુની સેવા કરવા રોકાઈ જાય છે. હવે આગળની સ્ટોરી જાણીએ.

કુંવારી કેતકીએ સાસરિયાનું ઘર સંભાળી લીધું. વાસણ કચરા પોતા માટે બાઈની ગોઠવણ હતી જ.

બાકીના બીજા કામ.. અને વંદનાબેનની સારસંભાળમાં આખો દિવસ વ્યસ્ત રહેવા લાગી.

ખબર અંતર પુછવા આવતા સગા સંબંધીઓ પણ, આ ઘરમાં કેતકીની હાજરીથી અચરજ પામતા અને મનોમન કેતકી અને તેના માતા પિતાને ધન્યવાદ આપતા. તો કોઈ મોઢે જ વખાણ કરતું.. કેતકીનો વાંસો થાબડતું.. ” શાબાસ.. દિકરી.. તું તો હીરો છો હીરો..”

અઠવાડિયા પછી એણે વિનોદભાઈને પણ કહી દીધું.. “પપ્પા.. હવે તમે નોકરી પર જવા માંડો.. વધુ રજા મુકવાની જરુર નથી.. આપણા ઘરની બધી ગોઠવણ મને સમજાઈ ગઈ છે..”

એક દિવસ એકાંત મળતાં વંદનાબેન ભાવુક થઈ ગયા..

” બેટા.. મારે તને લાડ લડાવવા જોઈએ.. તેને બદલે એને બદલે તું મારી કેટલી સંભાળ રાખે છે..”

એમ કહેતાં એ રડી પડ્યા..

કેતકીએ વાત બદલી કાઢી.. ” મમ્મી .. ડોક્ટર કહેતા હતા કે.. તમે સાજા થઈ જશો તો પણ પગમાં થોડી ખોટ તો રહી જ જાશે.. પછી તમે કેમ ચાલશો.. તેમ ચાલી બતાવું..”

એમ કહી એ લંગડાતી ચાલ ચાલવા લાગી.. વંદનાબેનથી હસવું રોકી ના શકાયું..

વડિલોએ ચર્ચા વિચારણા કરી.. દિકરી જમાઈનો અભિપ્રાય લીધો.. કૌશીક અને કેતકીના મનની વાત પણ જાણી.. અને હાલની બદલાયેલી પરિસ્થિતિમાં સગાઈની નક્કી થયેલ તારીખે, સીધા લગ્ન જ કરી લેવા.. એવું નક્કી થયું..

લગ્ન પ્રસંગ ધામધુમથી કરવા બન્ને પક્ષે તૈયારી ચાલુ કરી દીધી..

કૌશીક પોતાના પ્રોફેસર શોભના દેસાઈને લગ્નનું આમંત્રણ આપવા ગયો.. એ ફુરસતમાં હતા.. બન્નેયે બેસીને બધી ઘટનાની વિગતવાર વાતો કરી..

પ્રોફેસરે કહ્યું.. “પહેલાં.. તમે જ્યારે સગાઈની વાત કરી હતી.. ત્યારે મને અને બીજા વિદ્યાર્થીઓને તમે બબુચક લાગ્યા હતા.. કે આવડા ડોક્ટર થઈને કેતકી જેવી સામાન્ય છોકરી પસંદ કરી.. પણ હવે મને લાગે છે કે.. તમે ખુબ જ સારું પાત્ર પસંદ કર્યું છે.. બન્ને સમાન પદવીવાળા હોય એટલું જ, સુખી જીવન માટે જરુરી નથી.. હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ..”

ખુબ ધામધુમ અને આનંદથી લગ્ન પ્રસંગ ઉજવાયો..

નવદંપતી પોતાના શયનખંડમાં મળ્યા.. કેતકી હસીને બોલી.. “ડોક્ટર.. આઈ લવ યુ વેરી વેરી મચ..”

થોડીવાર રહીને પાછી બોલી.. “આનું ગુજરાતી શું થાય.. એ કહું.. ‘હું ટમને ઠુબ ઠુબ પ્લેમ કલું સું..”

કૌશીક હસી પડ્યો.. ” તે દિવસે ફાંગી.. અને આજે તોતડી..”

(ભાગ 6)

સમય ઝરણાના પાણી જેમ વહેવા લાગ્યો..

કૌશીકની એમ.એસ. ની પદવી પુરી થઈ ગઈ. પોતાના શહેરના સરકારી દવાખાનામાં આંખના નિષ્ણાંતની જગ્યા ખાલી હતી. એટલે ત્યાં જ નિમણુંક મળી. નોકરીની બાંહેધરીનો સમય પુરો થઈ ગયો. એ રાજીનામું આપી છુટો થઈ ગયો. એ દરમિયાન એને ઘણો અનુભવ મેળવી લીધો હતો. એણે પોતાના ખાનગી દવાખાનાની તૈયારી ચાલુ કરી. બધાના જીવનમાં આનંદ હતો. શુભાંગીનું નર્સીંગ પુરું થઈ ગયું હતું. તે એક ખાનગી દવાખાનામાં જોડાઈ ગઈ હતી.

વડિલો તેના અને કમલેશ માટે ઠેકાણું શોધી રહ્યા હતા.. કે જેથી ભાઈ બહેનના લગ્ન સાથે ગોઠવી શકાય.

એવામાં એક ખુશખબર આવી.. કેતકીને સારા દિવસો રહ્યા.

પણ એ ખુશી લાંબી ન ચાલી.. એની તબીયત બગડવા લાગી.. તબીબી તપાસમાં જણાયું કે પતિ પત્નિના લો હીના પ્રકાર વિસંગત છે.. એટલે આ તકલીફ ઉભી થઈ છે.. સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની સારવાર લેવાનું ચાલુ કર્યું.. છતાં સમય જતાં.. ઉંચા લોહી દબાણ અને બાળકનો ઓછો વિકાસ થવાની સમસ્યા ઉમેરાઈ. અંતિમ દિવસોમાં એની તબીયત ખુબ લથડી.. ભારે જહેમત લેવા છતાં..

કેતકી કે બાળકને બચાવી ન શકાયા.

સુખી ઘર પર દુ:ખનું આભ તુટી પડ્યું હોય એવું થયું.. વિનોદભાઈ, કેશવભાઈ, વંદનાબેન, શારદાબેન, કમલેશ, શુભાંગી, મીતા.. સારાસાર વિવેક ભૂલી.. એક બીજાને વળગી વળગીને ખુબ રોયા.. કોણ કોને કોને સાંત્વના આપે?

કૌશીક પર તો જાણે વીજળી પડી.. તે માનસિક રીતે વિચલિત થઈ ગયો.. એને લાગ્યું કે હૃદયમાંથી એક કટકી છુટી પડી ગઈ. એ ગુમસુમ રહેવા માંડ્યો.

વડિલોને ખુબ ચીંતા થવા લાગી. બધા ભેગા મળ્યા અને મોટી બેન મીતાને કૌશીકને સમજાવવાનું કામ સોંપ્યું. એક દિવસ સુતેલા કૌશીકના માથાપર હાથ ફેરવતાં ફેરવતાં એણે કહ્યું.. “ભાઈ, જે થવાનું હતું, તે થયું. તારું દુખ અમને સમજાય છે. પણ તારી આ હાલત બીજાથી જોવાતી નથી. કેતકી તારા કરતાં યે અમને સૌને વધુ વહાલી હતી. પણ આખું જીવન આમ પસાર ન થાય. અમે બધાએ શુભાંગીનો હાથ તને સોંપવાનું વિચાર્યું છે. શુભાંગી પણ રાજી છે.”

કૌશીક ખુબ રડ્યો અને બધાની લાગણીને વશ થઈ માની ગયો.

ખુબ સાદાઈથી લગ્નવિધિ થઈ. શુભાંગીને પ્રથમ મિલનમાં, પહેલો પ્રેમોપચાર પોતાના ખોળામાં માથું રાખી રડતા પતિને શાંત કરવાનો કરવો પડ્યો.

“હું તમારી કેતકી થઈને જ રહીશ..” એટલું બોલતાં તો એ પણ રડી પડી.

એણે પ્રેમાળ વર્તનથી પતિના હૃદયનો ઘા ભરવાનું શરુ કર્યું. ધીમે ધીમે એ સ્વસ્થ થવા લાગ્યો. દવાખાનાની તૈયારી આગળ ચાલી.

દવાખાનામાં કેતકીની મોટી તસવીર મુકવાની હતી. પતિ પત્નિ એ કામ માટે સ્ટુડિયોમાં ગયા. કેતકીના જુદા જુદા ફોટા બતાવ્યા. તેમાંથી હસતા ચહેરા વાળો ફોટો પસંદ કર્યો. સ્ટુડિયો વાળાએ એ ફોટો યંત્ર પર મોટો કરીને બતાવ્યો.

અચાનક કૌશીકે પુછ્યું.. ” આમાં આંખો ત્રાંસી થઈ શકે?”

એ માણસે આંખોમાં ફેરફાર કરવાનું ચાલુ કર્યું.. એક સ્થિતિ જોઈને કૌશીકે કહ્યું.. ” હા.. બસ.. આમ જ..”

એ ભૂતકાળમાં સરી પડ્યો.. પહેલી મુલાકાત યાદ આવી.. અને ફાંગી થયેલી કેતકી સામે દેખાઈ.. એ કહેતી હતી કે..

“જુઓ તો ડોક્ટર સાહેબ.. મારી આંખોમાં શું વાંધો છે?”

” કેતકી નેત્રાલય – આંખનું દવાખાનું ”

અહીં સારવાર માટે આવતા લોકોને અચરજ થતું કે..

” અહીં.. સુદર , હસતી , ફાંગી , સ્ત્રીની.. આવડી મોટી તસવીર કેમ મુકી હશે..! “

– જયંતીલાલ ચૌહાણ.

સમાપ્ત.

(ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)