સુર્ય પુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પતીની સ્ટોરી, જાણો શા માટે તેમને સુર્ય પુત્રી કહેવાય છે?

0
1154

તાપી નદીનું ઉદ્‌ગમ સ્થાન મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું મુલ્તાઇ છે. મુલ્તાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે. જેનો અર્થ થાય છે ‘તાપીનું મૂળ’.

તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે.

મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇને મળે છે.

ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.

આપણા પુરાણોમાં નદીઓનું ખૂબ જ મહત્વ છે. નદીઓને આપણે માતા માનીએ છીએ. સુરતમાં વહેતી સુર્ય પુત્રી તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે ઉજવાય છે.

લોકો આ તિથિએ તાપીનો જન્મદિવસ ઉજવીને તેના પ્રત્યે ઋણ ચુકવે છે.

લોકવાયકા મુજબ સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડયુંને લોકમાતાનો જન્મ થયો.

સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પતીને લઇને અનેક લોકવાયકાઓ છે. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ, બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્યનું તપ કર્યુ હતું.

દેવોના તપને લઇ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડયું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો.

ગંગા, નર્મદા કરતા પણ તાપી પૌરાણિક નદી છે. ગંગાજીમાં સ્નાન, નર્મદાના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે.

સૂર્યપૂત્રી તાપીના ૨૧ નામ છે, જે આ મુજબ છે – સત્યોદ્ભવા, શ્યામા, કપિલા, કિલાંબિકા, તાપિની, તપનહ્નદા, નાસત્યા, નાસિકદ્ભવા, સાવિત્રી, સહસ્ત્રકરા, સનકા, અમૃતસ્યંદિની, સૂક્ષ્મા, સૂક્ષ્મતરમણી, સર્પા, સર્પવિષાપહા, તિસ્મા, મિગ્મસ્યા, તારા, તામ્રા, તાપી.

– સાભાર રાકેશભાઈ ખાચર (અમર કથાઓ ગ્રુપ)