સ્વાદડી જીભડી : આજના બાળકોને શું ખબર પિઝા, બર્ગર કરતા પણ વધારે સ્વાદિષ્ટ છે ગુરુકુલનું આ વિચિત્ર ભોજન.

0
850

તમે ક્યારેય દાળભાત ખાધેલી થાળીમાં છાસનું છાલિયું ઢોળીને પછી થાળી મોઢે માંડી છે ખરી..? એકવાર અખતરો કરજો, અમૃત પીતા હોય એવું લાગશે. ગુરુકુલ સંસ્થાઓમાં ભણેલા ભાઈબંધોએ આવા હબડકા ભરીને મોજ લીધી જ હશે. જમવામાં કેટલીક જુગલબંદી એવી છે, કે એમાંથી કંઈક નવો જ સ્વાદ ઊભો થાય. સ્વાદીયા જીવાત્માઓને કેટલીક ટીપ્સ આપું છુ, એના અખતરા અવશ્ય કરજો.

1. બપોરના ભોજનમાં ગરમ રોટલીને ગરમ દાળમાં પલાળીને પછી ખાવી, ખાતા ખાતા પલાળેલી છેલ્લી રોટલી દાળભાત સાથે ચોળી નાંખવી અને એમાં આખી મેથીવાળા કેરીના અથાણામાથી એક ચમચી બોળો નાંખી ત્રણેય મીક્ષ કરી જમો, જામો પડી જશે…

2. ક્યારેક સાંજની વાળુમાં ગલકાંના રસાવાળા તીખા શાકમાં ભાખરી ચોળીને એમાં એકાદ બે ચમચી ખાટુ દહીં મેળવીને પછી ત્રિકોણીયા કોળીયા બનાવી જમવું. સાથે મોળી છાસ અને ગોળનો ગાંગડો રાખવો. પાકા સત્સંગી ના હોવ તો શાકમાં લસણની કળીયુ ધમકાવીને નાંખવી… ટેસડો પડી જશે…

3. સાંજની વાળુમાં બાજરાના કડક પોપડીવાળા ગરમ રોટલાની પોપડી ખોલી એમાં થોડુ માખણ ભરી દેવું અને શાકને બદલે કોબી, મરચા અને ટીંડોરાંના હળદરવાળા પીળા સંભારા સાથે રોટલો ખાવો અને ખૂબ ચાવીને ખાતા ખાતા મોઢામાં થોડીવાર મમળાવો અને પછી થોડુ ગરમ એવું મોળા દુધનો ઘૂંટડો ભરવો અને ગળે ઉતારવું, જોરદાર સ્વાદ આવશે…

4. સવારના નાસ્તામાં ક્યારેક સાંજની ટાઢી રોટલીનું છાસમાં બનાવેલું ખટુમરું શાક હોય તો એની સાથે તીખા રાયતા મરચા ખાવા, માસીયાય ભાઈ બહેન એકબીજાને લાડ કરતા હોય એવું લાગશે…

5. સવારમાં જો ચા સાથે ભાખરી ખાતા હોય તો ઘરનાને કહેવું કે મોણને બદલે દુધની મલાઈ નાંખી લોટ બાંધે અને અડધી ચમચી ઘીનો દોરો મારી ભાખરી શેકી આપે, બેકરીમાંથી તાઝા બિસ્કૂટ કાઢીને ખાતા હોય એવો સ્વાદ આવશે…

6. રવિવારની રજામાં બપોરે કાળા ચણાનું શાક હોય તો કઢીભાત બનાવડાવવા. ખાટી છાસની સફેદ કઢીમાં તીખી લીલી મરચીના ટૂંકડા નાંખવા અને ભાતમાં બદામની થોડી ચિપ્સ અને જીરું ઘીમાં સાંતળીને નાંખવું. એ દિવસે રોટલી ભૂલી જવી, ફક્ત કઢીભાતમાં ચણાનું શાક મીક્ષ કરીને ખાવું, ઈન્દ્રદેવના દરબારમાં જમતા હોય એવું સુખ આવશે…

7. ક્યારેક સવારના શિરામણમાં સાંજનો ટાઢો બાજરાનો રોટલો ખાટાં દહીંમાં ચોળીને માથે થોડુ લાલ મરચું વેરી પછી ખાવું, માલધારીના નેહડે જમતા હોય એવી મોજ આવશે…

8. ક્યારેક સાંજની ખીચડી વધી હોય તો સવારે થોડી વધારે ખાંડવાળુ ગળ્યું દુધ બનાવી એકદમ ઠરવા દેવું અને એ ગળ્યા દુધમાં ખીચડી ડુબાડી પછી પીવું અને ચાવતું જવુ, આમાં તો કેવો સ્વાદ આવે એની મારી પાસે ઉપમાં જ નથી…

આવુ તો ઘણુ બધુ છે; કેટલુંક લખવું…..

લે : ભાસ્કર તળાવિયા

સંકલન

કર્દમ મોદી, પાટણ (અમર કથા ગ્રુપ)