સ્વાવલંબન
છોકરાને નોકરી મળે એટલે તરત જ સગાઈ માટે દરખાસ્તો આવવા માંડે.. પરેશને પણ એવું જ થયું.. મા દિકરાને લાગ્યું કે ‘ બહુ ના પાડીએ તો સમાજમાં ખરાબ છાપ પડે.. સારું લાગે તો કરી લઈએ ‘ .. એમ વિચારી બે ત્રણ ઠેકાણા જોયાં..
મોટીબેને બતાવેલી છોકરી રત્ના એને પસંદ આવી.. એ બી.એ. ના છેલ્લા વરસમાં હતી.. તેની પરીક્ષા પછી લગ્ન કરવા એવું નક્કી કરી સગાઈની વિધિ કરી લીધી..
પરેશ નોકરીના શહેરમાં એકલો રહેતો.. દયાબેન વતનમાં એકલા રહેતા.. પરેશ શનિ રવિની રજામાં મમ્મી પાસે આવતો.. અને વચ્ચે ક્યારેક ફોન પર ખબર પુછી લેતો.. પણ હવે એવું થયું કે દયાબેનને રત્નાના ફોન એકાંતરે દિવસે આવવા લાગ્યા..
એક દિવસ દયાબેને ઠપકો આપ્યો.. “ આમ મારું ધ્યાન રાખવામાં , તું તારા ભણવામાં બેધ્યાન ના થઈ જતી..”
રત્નાએ હસીને જવાબ આપ્યો.. “ મને તમારી સાથે વાતો કરવી ગમે છે.. જો જો .. હું ત્યાં આવીશ ત્યારે તમારું માથું પાકી જાય એટલી વાતો કરીશ..”
રત્નાની પરીક્ષા પુરી થઈ.. લગ્ન થઈ ગયા.. શહેરમાં ઘર વસાવાઈ ગયું.. પરિણામ આવ્યું.. રત્ના પ્રથમ વર્ગમાં ઉતિર્ણ થઈ.. બધાને આનંદ આનંદ થઈ ગયો..
આજ રત્ના ડાહી ડાહી વાતો કરવા લાગી..
” મમ્મી , આપણે સ્ત્રીઓએ તો ઘર જ સાંચવવાનું હોય ને..? ઘરમાં બધા રાજી રહે તેમ વર્તન રાખવું જોઈએ .. ખરું ને..?”
દયાબેન હસ્યા..” સીધી મુળ વાત પર આવને.. શું આજે પરેશે કંઈ ગુસ્સો કર્યો..? હું એને ઠપકો આપીશ.. બસ..”
રત્ના તેની પાસે જઈ બેઠી..
” ના મમ્મી .. એવું કાંઈ નથી.. પણ એ મને આગળ ભણવાનું ને બી.એડ. કરવાનું કહે છે.. મને હવે ભણવું ગમતું નથી.. મારે નોકરી કરવી નથી.. પરેશનો પગાર પણ સારો છે.. ઘર સારી રીતે ચલાવતાં હું તમારી પાસેથી શીખી જઈશ.. મમ્મી .. એને કંઈક કહોને.. મને બી. એડ. કરવાનું ના કહે..”
” ભણવાની ચોરટી.. “ એમ કહી દયાબેન હસ્યા.. પછી ગંભીરતાથી બોલ્યા..
” જો દિકરી , આજે સમય બદલાયો છે.. પુરુષ કમાય , અને સ્ત્રી ખાલી ઘર સાચવે.. તે અધુરું ગણાય.. હવે સંયુક્ત કુટુંબો નથી.. કે સગા વહાલા એવી લાગણીવાળા નથી.. કે કંઈ અઘટિત થાય તો સ્ત્રી બાળકોનું જીવન ચલાવવામાં મદદ કરે..”
” જો .. તારા સસરા આ ભાઈબેન નાના હતા ને ગુજરી ગયા.. મને સિલાઈ કામ આવડતું , અને દીદીને પણ શીખવી દીધું.. એટલે પરેશ ભણી શક્યો.. લગ્નના ખર્ચા પણ નિકળી ગયા..”
” ખરાબ થશે જ .. એવું ધારવું નહીં.. પણ દરેક સ્ત્રીએ એકલા પગભર થતા શીખવું જોઈએ.. તારે નોકરી ના કરવી હોય તો કંઈ નહીં.. બી. એડ. કરી લે તો સારું..”
રત્ના જરા નજીક સરકી.. દયાબેને તેના ખભા પર હાથ રાખ્યો..
રત્ના બોલી.. “ મારી બેનપણીના મામાની અહીં ખુબ મોટી ચશ્માની દુકાન છે.. મામા મને ઓળખે પણ છે.. હું એની દુકાને ચશ્માનું કામ શીખવા જાઉં..?મામા બીજા કારીગરોને ઘરે કામ મોકલે છે.. આપણે મશીન વસાવી લઈશું.. હું ચશ્મા બનાવીશ.. પણ મમ્મી .. મારે ભણવું નથી..”
” હા , તો એમ કર.. જેવી તારી મરજી.. હું પરેશને કહીશ..”
રત્ના હસી.. “ મમ્મી .. મેં તમારું માથું પકાવી દીધું ને..? હવે ચા પીવડાવું..” કહેતી રસોડામાં ગઈ..
– જયંતીલાલ ચૌહાણ ૫-૪-૨૧ (અમર કથાઓ ગ્રુપ)
નોંધ : દિકરીઓ આત્મ નિર્ભર બને.. માત્ર નોકરી ને રોજગાર ન ગણતા , તાંત્રિક કામોમાં પણ આગળ વધે.. તેવી પ્રેરણા આપવા આ કથા લખી છે.