લઘુકથા – એંધાણ :
– માણેકલાલ પટેલ.
ચાર રસ્તા જ્યાં મળતા હતા તે ચોકમાં એક પાણી ભરેલું કૂંડું મૂકી અને વિનોદે ગર્ભવતી વનિતાને સમજણ આપતાં કહ્યું:-
“બે- ચાર દિવસ પછી આ કૂંડાનું પાણી તું પીશ એટલે તારે પેટે જન્મનાર આપણો બાળક જે જે પશુ- પક્ષીઓએ આ પાણીને પીધું હશે – એંઠું કર્યું હશે એ બધાંની બોલી સમજી શકશે, આવી લોકવાયકા છે.”
વનિતાને પણ પોતાનો પુત્ર પક્ષીવિદ થશે એ જાણીને આનંદ થયો.
બન્નેને તરસ લાગી હોઈ કૂંડામાંથી થોડું પાણી પીધા પછી તેઓ ઘરે આવ્યાં.
થોડા દિવસો પછી એમના ઘરે જન્મેલો બાળક ખૂબ જ રડતો હોઈ વિનોદનાં બા એને છાનો રાખવા મથી રહ્યાં હતાં.
બાળક છાનો રહ્યો એટલે એ વૃદ્ધા અનેરા પ્રેમથી એને લાડ લડાવવા માંડ્યાં.
ત્યારે ઘોડિયામાં પડ્યા પડ્યા એ બાળક એની ભાષામાં બોલ્યો :-
“દાદીમા ! મને જોઈને મૂડી કરતાં વ્યાજ વહાલું હોય તેમ તમે અડધાં- અડધાં થઈ જાઓ છો ને? પણ, ઘરમાં તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની વેતરણ ચાલી રહી છે !!”
– માણેકલાલ પટેલ.