“આ તમારી વહુ નથી પરંતુ તમારા ખાનદાનની આબરુ છે” – વાંચો હૃદયને સ્પર્શી જાય તેવી સ્ટોરી.

0
1814

આબરૂ :

અજય અત્યારે એમ બી એ કરી રહ્યો છે પરંતુ સાયકલનો અજીબ શોખ. પોતાના ગામથી કોલેજ સુધીનું અંતર ખાસ્સું બારેક કિલોમિટર પરંતુ કોઈ પણ થાક વગર કાયમ સાયકલ પર જ આવ જા કરે. માબાપ ઘણી વખત ટકોર કરે બેટા મોટરસાયકલ લાવી દે પરંતુ અજયનો એકજ જવાબ ‘બાપુજી એ બહાને શરીરને કસરત મળે’.

ભણવામાં તો કાયમ અગ્રેસર સાથે સાથે અન્ય ઘણી પ્રવૃત્તિઓ પણ એને ફાવે, એટલે કોલેજની બધી જ શાખાઓમાં સૌ કોઈ ઓળખે. કાયમ હસતો ચહેરો, દેખાવડો અને સૌની સાથે હળતો મળતો અજય ખરેખર સૌ સહાધ્યાયીઓને વહાલો લાગે. એની સાયકલના ઈતિહાસ વિષે સૌને ખબર એટલે કોલેજમાં એ બાબતે કોઈ પૃચ્છા ના કરે.

કોલેજ છુટી. અજય પોતાની સાયકલ પર સવાર થઈ ઘેર જઈ રહ્યો હતો. એક કાર એની બાજુમાં આવીને ઉભી રહી. ‘કેમ છો મિસ્ટર અજય? હું સલોની. આ કોલેજમાં જ અભ્યાસ કરુ છું. આપનો સ્વાભાવ મને બહુ પસંદ છે. આપ સારા પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છો છતાં આપની સાદગી ઉડીને આંખે વળગે છે. આપની પાસેથી મારે ગ્રામ્ય સંસ્કૃતિના પાઠ શીખવા છે, શું આપ મને મદદ કરશો? ‘

સહજ ભાવે અજય બોલ્યો, ‘મારાથી બનતી મદદ જરુર કરીશ, બોલો હું આપના શું કામમાં આવી શકું?’

‘બસ, તમારુ સરનામું મને આપો. દર શનિ રવિ હું તમારે ગામ આવીશ. મારે ગ્રામ્ય સંસ્કૃતિને માણવી છે’.

અજયે સરનામું લખાવ્યું, ‘જરુર આવજો’ કહી સાયકલ લઈ ચાલતો થયો.

રામનગર એક નાનકડું ગામ. ગામમાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા. અજયના પિતાજી વેલજીભાઈ પણ ખેડૂત. દશ ચોપડી ભણેલાય ખરા. માતા જશોદાબેન પણ સાત ધોરણ ભણેલાં ખરાં.

પશુપાલન અને ઘરકામ એમના માથે. અજય એક જ દિકરો, ટુંકમાં ત્રણ જણનો પરિવાર. રામનગર આમ તો શહેરથી ઘણું દુર નથી પરંતુ નવા જમાના સાથે હળતું ભળતું ખરુ સાથે સાથે ગ્રામ્ય સંસ્કૃતિને સાચવીને બેઠેલુંય ખરુ.

શનિવારના સવારના આઠેક વાગ્યા હશે. એક કાર આવીને અજયના ઘર પાસેના ચોકમાં ઉભી રહી. કારમાંંથી માથા પર સાડી ઓઢેલી એક તરુણી નીચે ઉતરી. અજય સલોનીને ઓળખી ગયો. નમસ્તે… ‘આવો’ કહીને અજય ઘેર લઈ ગયો. મા બાપની ઓળખાણ કરાવી.

સલોનીએ અજયના મા બાપને વંદન કર્યા ને પોતાનો પરિચય આપ્યો. અજયે પણ સલોનીના સૂરમાં સૂર પુરાવ્યો અને એના આગમનની માહિતી આપી. વેલજીભાઈ અને જશોદાબેન પણ ખુશ થયાં. વેલજીભાઈએ સલોનીને અભિનંદન આપ્યા કે, એક શહેરી હવામાનમાં ઉછરેલી દિકરીને ગામડા પ્રત્યે આટલો લગાવ છે!

સીલસીલો આગળ વધતો ગયો. શનિ રવિ આવે એટલે સમયમાંથી સમય કાઢીને પણ અજય અને જશોદાબેન ગામ લોકો, સગાંવહાલાં… નો પરિચય કરાવતાં ગયાં. સાથે સાથે સલોની સાથેની નિકટતા વધતી ગઈ. ગામલોકો પણ ખુશ હતાં, ‘લ્યો… વેલજીકાકાને તો ઘેર બેઠાં સંસ્કારી વહુ મળી ગઈ’! વેલજીભાઈનું કુટુંબ સેવાભાવી, સંસ્કારીને ખાનદાનીને વરેલું. અજય પણ ગામ આખાનો લાડકો એટલે ખોટા ટીકા ટીપ્પણ કરનાર કોઈ નહોતુ. સૌ ખરા અર્થમાં ખુશ હતાં.

એક દિવસ જશોદાબેને જે હૈયે હતું એ હોઠે લાવી દીધું. ‘બેટા સલોની, મારો અજય તને પસંદ છે?’ થોડું ખચકાઈને સલોની બોલી, ‘મારા બા બાપુજીને પુછી જોઈશ. હું તો ખુશ જ છું’ એટલું બોલીને શરમાઈ ગઈ સલોની.

જશોદાબેને આ હકીકત અજયને પણ કહી. સભ્યતા અને સંસ્કારથી ભરેલો અજય મનોમન અનહદ ખુશ થઈ ઉઠ્યો છતાંય ધીમેથી બોલ્યો, ‘બા આપનો નિર્ણય મારા માથા પર. હા, હું ખુશ છું’. સમય વિતતો ગયો. ભાવિના ગર્ભમાં શું ભરેલું છે કોને ખબર!

કૃપા રામનગર પાસેના તારાપુરની ખેડૂત પુત્રી. અજયની જ જ્ઞાતિની. કૃપાના પિતાજી વેલજીભાઈના ઓળખીતા. સાથેસાથે કૃપા અને અજય એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. કૃપા એમ એ કરતી હતી. અજયને જરુર ઓળખે. અજયનો સ્વભાવ એને બહુ ગમે પરંતુ બિલકુલ આછાબોલો સ્વભાવ એટલે અજય સાથે પરિચય કેળવી ના શકી પરંતુ જાણ્યે અજાણ્યે અજય માટે અજબ આકર્ષણ પેદા થઈ ગયું. સંસ્કારી મા બાપની દિકરી એટલે થોડુંય મનમાં સંગ્રહ્યા વગર મા આગળ બધી હકીકત કહી દીધી. મા એ કૃપાના પિતાજીને દિકરીના દિલની વાત કરી.

કૃપાના પિતાજી કાનજીભાઈ તો અનહદ ખુશ થઈ ગયા. કૃપાના માથા પર હાથ મુકીને એટલું જ બોલ્યા, ‘બેટા, વેલજીના ખાનદાનને સારી રીતે ઓળખું છું. તારી પસંદગીને સાર્થક કરવાનો જરુર પ્રયત્ન કરીશ.

દિકરી એટલે બાપના હૈયાનો હાર, દિકરી એટલે બાપનો હ્રદયનો ટુકડો, કાળજાનો કટકો. કૃપાના પિતાજી બીજા જ દિવસે ઉપડ્યા રામનગર. રવિવારનો દિવસ. સલોની હાજર. વેલજીભાઈએ બાથ ભરીને આવકાર આપ્યો. ચા પાણી કર્યાં. આવવાનું કારણ પુછાયું.

શું બોલે કૃપાના પિતાજી? ‘બસ એમ જ આંટો મારવાનું મન થયું તે આવી ગયો. તારાપુર ક્યાં દુર છે? આડોશ પાડોશમાં સગા સબંધીઓમાં ચા પાણી કરતા ગયા ને સલોનીનાં વખાણ સાંભળતા ગયા. તારાપુર દુર તો નહોતું પરંતુ પાછા આવતાં તો ખરેખર દુર થઈ પડ્યું. ઘેર આવીને બધી હકીકત કૃપાની માતાને કહી. ધરકામ કરતાં કરતાં આડાકાને બધું સાંભળી લીધું હતું કૃપાએ……

કૃપાને અજય- સલોની વિષે કોઈ વાતની આજસુધી કોઈ જાણ નહોતી…… હા, એ સલોનીને સારી રીતે જાણતી હતી.

સોમવારનો દિવસ છે. કોલેજના દરવાજે સલોની આમંત્રણ પત્રિકાઓ લઈને ઉભી છે. ખાસ ખાસ મિત્રોને આમંત્રણ આપી રહી છે. અજય આવ્યો. એના માટે ખાસ કાર્ડ હતું. ‘જોજો કાલે આવવાનું ભુલતા નહિ અજય.’

સાયકલ પાર્ક કરીને અજયે કાર્ડ જોયું. “પદવીદાન સમારોહ”…..”સરપ્રાઈઝ”!! આવતીકાલે દશ વાગે સવારે.

અજય મુંઝવણમાં મુકાઈ ગયો. શાનો પદવીદાન સમારોહ? શાની સરપ્રાઈઝ? દરવાજે આવ્યો પરંતું સલોની નહોતી. ફોન જોડ્યો સલોનીને. “એ બધું કાલે” જવાબ સાંભળીને વિચારે ચડી ગયો અજય. ચાલો કાલે વાત.

મંગળવારે સવારે યુનિવર્સિટી હોલ મહેમાનો, વિદ્યાર્થીઓથી ભરાયેલો છે. વિવિધ અધિકારીઓએ વક્તવ્યો આપ્યાં. પદવીઓ એનાયત થવા લાગી. સલોનીનું નામ બોલાયું. “ગ્રામ્ય સંસ્કૃતિ અને અસ્મિતા”…. મહા નિબંધને માન્ય રાખી કુ.સલોનીને પી એચ ડી ની પદવી એનાયત કરવામાં આવે છે. અજય ખુશ થઈ ગયો.

હવે પદવી પ્રાપ્તકર્તાઓના બે બોલ શરુ થયા. સલોનીનો વારો આવ્યો… ‘આદરણિય મંચસ્થ મહાનુભાવો અને સહાધ્યાયી મિત્રો અને મહેમાનો. આ પદવી પ્રાપ્ત કરીને હું ખુબ જ ખુશ છું. એની સાથે આ કોલેજના હોનહાર સ્ટુડન્ટ મિસ્ટર અજયની હું ખુબ આભારી છું કે, એમના પરિવારે અને એમણે મને આ વિષયમાં ખુબ સહયોગ આપ્યો છે. એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. હા,મિસ્ટર અજયને વિનંતી કરુ છું કે, એમનાં માતા પિતાને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન છે એ એમના સુધી પહોંચાડજો’. અસ્તૂ.

સમારોહ પુરો થયો. શું કોલેજના ક્લાસ ભરે અજય? હતાશ હૈયે બગીચામાં જઈ નીચું માથું કરીને બેસી ગયો.

અડધોએક કલાક વિત્યો હશે. અચાનક ખભા પર કોઈકનો હાથ મુકાયો. જાણે લાંબી તંદ્રામાંથી જાગતો હોય એમ અજયે ઉંચે જોયું. પરિચિત ચહેરો પરંતુ નામથી અજાણ તરુણી ઉભી હતી.’ કોણ છો તમે’?

‘હું તારાપુરથી કાનજીભાઈની પુત્રી કૃપા. આ કોલેજમાં એમ એ કરુ છું. મારા પિતાજી મારુ માગું લઈને મારા જ કહેવાથી તમારા આંગણે આવ્યા હતા પરંતુ ત્યાં આવ્યા ત્યારે સલોનીની હાજરી અને સગાસબંધીઓ પાસેથી બધું સાંભળીને ભારે હૈયે પાછા આવ્યા હતા. હા, મને એ વખતે સલોની વિષે ખબર નહોતી.

સલોની માલેતુજાર પરિવારનું સ્વછંદી ફરજંદ છે. એણે પી એચ ડી માત્ર શોખ ખાતર કર્યું છે. તમારી લાગણીઓ સાથે રમત રમી છે. એના બેફામ ખર્ચા, મિજબાનીઓ મેં મારી સહેલીઓ સાથે નજરે જોઈ છે. માફ કરશો, મેં આ રીતે આજ સુધી કોઈની સાથે છાની-છપની વાતો કરી નથી. તમે કોઈ ખોટું પગલું ભરી ના બેસો એ માટે આપને લેવા આવી છું ‘

તૂટક તૂટક શબ્દોમાં અજય એટલું જ બોલ્યો ‘ક્યાં… લ… ઈ… જ…. શો?

મારે ઘેર………. સૌ સારાં વાનાં થશે………

કાનજીભાઈએ કૃપાની માને કહ્યું, કૃપા દિકરીને એવી શણગારો કે, આખું રામનગર મોંઢામાં આંગળાં નાખે.

ઘડીકમાં તો આડોશી પાડોશી સૌ ભેગાં થઈ ગયાં. સૌને તાળો મળી ગયો. ગાડીઓ પાછળ ગાડીઓ.

ગાડીઓ રામનગરના ગોંદરે પહોંચી. સૌ અચંબામાં પડી ગયાં.સૌના મોંઢે એક જ વાત.સાવ આવું કરાય? અજયની જાનમાં જવાની તો આખા ગામને ઈચ્છા હતી. સૌની મનની મનમાં રહી ગઈ. લ્યો આ ભણાવ્યા તે.

કાનજીભાઈ બહું સમજું હતા, એમને વેલજીભાઈનો ખ્યાલ આવ્યો. હાકલ કરી. જલ્દી ઉપડો હવે વેલજીભાઈના ઘેર.

ગાડીઓ ઉપડી. વાત વાયુવેગે વેલજીભાઈના ઘર સુધી પહોંચી ચુકી હતી. વિહવળ હૈયે પતિ પત્નિ વિચારવા લાગ્યાં. ‘શું બની ગયું? અજય આમ સલોની વહુને એકલો એકલો લઈને આવી ગયો’?

બન્ને ઉપડ્યાં સામે. ગાડીઓ ચોકમાં આવી ગઈ હતી. વેલજીભાઈએ કાનજીભાઈને જોયા, પરંતુ આ શું? ઘુંઘટો તાણેલી કન્યાને લઈને કાનજીભાઈ આવી રહ્યા હતા.

કેમ કાનજીભાઈ સલોની વહુને તમે લેવડાવવા ગયા’તા કે શું?

મર્મભેદી શબ્દોનો નિર્મળ પ્રત્યુતર આપતાં કાનજીભાઈ વેલજીભાઈ પાસે આવીને ધીમેથી એટલું જ બોલ્યા ‘આ તમારી સલોની વહુ નથી પરંતુ તમારા ખાનદાનની આબરુ છે વેલજી વેવાઈ.’

લેખન :- નટવરભાઈ રાવળદેવ થરા.