“તમને કામ લાગશે” નાનકડી પણ જીવનમાં ઘણું બધું શિખવાડશે આ કવિતા…

0
321

જોઈ લેજો મારી ભૂલો ,તમને કામ લાગશે ,

અનુભવ આ મહામૂલો , તમને કામ લાગશે .

ઉપવન માંથી, શૂળો બધા, વીણી લીધા છે ,

બાકી છે હવે ફૂલો ,તમને કામ લાગશે .

‘આગળ વધો ભુલાવી ને,બરબાદી ના મંજર’.

તરક્કી ના આ ‘ઉસુલો’ ,તમને કામ લાગશે .

છો રક્ત ની સરિતા માં,નંખાઈ હો બુનિયાદો ,

સુંદર બન્યા છે પુલો ,તમને કામ લાગશે .

ઊંચે ચઢો ,મૂકી ચરણ ,અમ શીશ -પીઠ પર ,

હા ,’ઉચ્ચ એ વર્તુળો ‘ તમને કામ લાગશે .

અમને મુકો,દોસ્તી કરો તો,પહોંચતા જન ની,

એ ‘વગ’ અને ‘વસીલો ‘,તમને કામ લાગશે .

આગળ કદાચ ,ક્યાંય , મળે બંધ સર્વ દ્વાર ,

દિલ નો છે દ્વાર ખુલ્લો ,તમને કામ લાગશે .

પ્રાર્થના તમારે માટે , અમે જ કરીશું ,

‘હામી’ જરા ભરી લો ,તમને કામ લાગશે .

ઓમપ્રકાશ વોરા ,અમદાવાદ.