તને ઓળખુ છું માં…. માતૃપ્રેમ દર્શાવતુ આ ગીત વારંવાર સાંભળવુ ગમે છે.

0
250

તને ઓળખું છું, માં ! તને ઓળખું છું માં !

સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે, ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,

ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે

પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે

દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે

કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….

તને ઓળખું છું, માં !

– મનોહર રતિલાલ ત્રિવેદી

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)