બાળપણમાં જેમણે સાથે વિદ્યાભ્યાસ કર્યો છે એવા બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે – એ ભૂમિકા પર રચાયેલું કવિ શ્રી પ્રેમાનંદ કૃત આ સુપ્રસિદ્ધ આખ્યાનોમાંનું એક આખ્યાન છે.
શ્રીકૃષ્ણ – સુદામા વચ્ચેની અદ્દભુત મિત્રતાને વર્ણવતી એક નવી જ ભાત પાડતી (પ્રશ્ન અને ઉત્તરના માધ્યમ દ્વારા) શ્રી પ્રેમાનંદજીની ઉત્તમ કૃતિ.
પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?
હાજી નાનપણાની પ્રેમ, મને કેમ વીસરે રે ?
આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?
આપણે સૂતા એક સાથ રે, તને સાંભરે રે ?
સુખદુ:ખથી કરતા વાત, મને કેમ વીસરે રે ?
પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી કરતા વેદની ધુન્ય, મને કેમ વીસરે રે ?
ગુરુ આપણા ગામે ગયા, તને સાંભરે રે ?
હાજી જાચવા કોઈક મુન્ય, મને કેમ વીસરે રે ?
કામ દીધું ગોરાણીએ, તને સાંભરે રે ?
કહ્યું લેઈ આવોને કાષ્ઠ, મને કેમ વીસરે રે ?
શરીર આપણાં ઊ કળ્યાં, તને સાંભરે રે ?
હાજી માથે તપ્યો અરીષ્ઠ, મને કેમ વીસરે રે ?
સ્કંધે કહોવાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે રે ?
આપણે વાદ્વ વદ્યા ત્રણે બાંધવા, તને સાંભરે રે ?
હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?
ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?
શીતળ વાયુ વાયો ઘણો, તને સાંભરે રે ?
ટાઢે થરથર ધ્રુજે દેહ, મને કેમ વીસરે રે ?
નદીએ પૂર આવ્યું ઘણું, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુશળાધાર, મને કેમ વીસરે રે ?
એકે દિશા સુઝી નહીં, તને સાંભરે રે ?
થયા વીજ તણા ચમકાર, મને કેમ વીસરે રે ?
ગુરુજી ખોળવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને કીધો તેં કેર, મને કેમ વીસરે રે ?
આપણને હૃદયાંશુ ચાંપિયા, તને સાંભરે રે ?
પછી તેડીને લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?
ગોરાણી ગૌ દોતાં હતાં, તને સાંભરે રે ?
હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વીસરે રે ?
મેં નિશાળેથી કર વધારિયો, તને સાંભરે રે ?
હાજી દીધી દોણી તતખેવ, મને કેમ વીસરે રે ?
જ્ઞાન થયું ગુરુપત્નીને, તને સાંભરે રે ?
તમને જાણ્યા જગદાધાર, મને કેમ વીસરે રે ?
ગુરુદક્ષિણામાં માંગિયું, તને સાંભરે રે ?
હાજી મૃ ત્યુપામ્યો જે કુમાર, મને કેમ વીસરે રે ?
મેં સાગરમાં ઝંપલાવ્યું, તને સાંભરે રે ?
તમો શોધ્યાં સપ્ત પાતાળ, મને કેમ વીસરે રે ?
હું પંચાનન શંખ લાવિયો, તને સાંભરે રે ?
હાજી દૈત્યનો આણ્યો કાળ, મને કેમ વીસરે રે ?
સંયમની પુરી હું ગયાં, તને સાંભરે રે ?
પછી આવી મળ્યો જમરાય, મને કેમ વીસરે રે ?
પુત્ર ગોરાણીને આપિયો, તને સાંભરે રે ?
હાજી પછે થયા વિદાય, મને કેમ વીસરે રે ?
આપણે તે દિનથી જુદા પડ્યા, તને સાંભરે રે ?
હાજી ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?
હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?
મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે ?
– સં. હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)