ટપાલપેટી અને નાનકડા બાળકની આ લઘુકથા તમારી આંખો ભીંજવી દેશે.

0
877

શબ્દ :- ટપાલપેટી

પ્રકાર :- લઘુકથા

લેખક :- રઘુવીર પટેલ “જિગર”

‘આધુનિકતાએ ભરડો લીધો આ વિશ્વ પર,

ખોવાયા અમારા માનપાન આ વિશ્વ પર.’

સાતવર્ષનો નમાયો અનિકેત થોડો સમજનો થયો. ગામડામાં ચાલતી ગતિવિધિઓથી વાકેફ થયો. કોઈક કોઈક દિવસે એક ખાખી કપડાંવાળો વ્યક્તિ આવે ને સામેના ફળિયામાં લટકાવેલ લાલ ડબ્બો ખોલે અંદરથી કાગળ કાઢે. નાનકડું મન વિચારે આ કોણ હશે? તે શું કાઢતો હશે? પિતાને પૂછ્યું, ‘પપ્પા એ ભાઈ લાલ ડબ્બાને શું કરે છે?’

‘બેટા એ ટપાલ કાઢે છે. એને ડબ્બો ન કહેવાય, ટપાલપેટી કહેવાય.’

‘એટલે શું?’

‘લોકો પોતાનો સંદેશો જેને મોકલવો હોય તે એમાં નાખે આ ભાઈ ત્યાં પહોંચાડી આવે.’

‘ખરેખર!’

‘હા’

નાનકડા અનિકેતે તેની મમ્મીને તું પછી ક્યારે આવીશ? એવો પત્ર કાલીઘેલી ભાષામાં લખ્યો. દોડતો ટપાલપેટી પાસે જઈ, ‘ટપાલબેન… ટપાલબેન, તમે મારા દોસ્ત બનશો?’

નિર્દોષ બાળકની વાણી સાંભળી જડ ટપાલપેટીને વાચા ફૂટી.

‘હા. કેમ નહિ? મારેય કોઈ મિત્ર જોઈએ છે.’

‘હું છુને. મને તમારી ઓળખાણ તો આપો?’

‘તો સાંભળ, મારો જન્મતો વર્ષો પહેલાં ઇસ.1857 અંગ્રેજોના સમયમાં થયેલો. જયારે નવોનવો મારો આવિષ્કાર થયો ત્યારે બધા અભિભૂત થઈ ગયેલા. હું સ્નેહીઓના શબ્દમિલનનું માધ્યમ છું. લોકો હોંશે હોંશે મારી પાસે આવતા, પોતાની લાગણીઓ માગણીઓ પત્ર રૂપે મને આપતાં. મારી પાસે પ્રેમપત્ર પણ આવે ને જાસાચિઠ્ઠી પણ આવે. લગ્નપત્રિકા પણ આવે કે કાળોતરી પણ આવે. યથા સ્થાને પહોંચાડવાનું કામ અમારું તંત્ર કરતું. જેમ તમે અન્નનો કોળિયો મોઢામાં મૂકો છો પછી શરીરના અવયવોને જરૂરિયાત પ્રમાણે અંદરનું પાચનતંત્ર,પહોંચાડે છે તેમ અમે કામ કરીએ છીએ.

પણ…?’

‘પણ શું?’ અનિકેતે જીજ્ઞાશાથી પૂછ્યું.

આજના આધુનિક જમાનામાં ઈમેલ, વોઅટ્સઅપ આવી ગયા તેથી લોકો અમારાથી દૂર ગયાં. એટલે કોઈ આવે એની લાંબો સમય રાહ જોવી પડે છે. પહેલાં અમારું માનપાન હતું. પણ હવે તો તું જુવે છેને? મારા પર કેટલા ઘોબા પડી ગયા છે. એ અટકચારા છોકરાઓ દિવાળીના ફટાકડા મારી અંદર ફોડે છે. છતાં કોઈને કાંઈ પડી નથી. અમારો જમાનો આથમી ગયો છે. હુંમ રવાને વાંકે જીવી રહી છું. સારું થયું તું મારી પાસે આવ્યો મારો દોસ્ત બન્યો.તું નાનો છે એટલે તને બેટા કહીશ વાંધો નથીને?’

‘લ્યો તમે તો મારા મનની વાત કહી. બેટા શબ્દ સાંભળવા હું ક્યારનોય તલસું છું.’

‘બોલ બેટા. તારે શું પહોંચાડવું છે?’

‘આ મારો પત્ર મારી મમ્મીને પહોંચાડશો?’

‘છોક્ક્સ. સરનામું?’

‘ભગવાનનું ઘર. મારો પત્ર મારી મમ્મીને પહોંચાડી જો. ને જો આવે તો સાથે લેતાં આવજો.’

ટપાલપેટી… અવાક. એ સરનામે આજ દિવસ સુધી કોઈ ટપાલ કોઈએ મોકલી નથી.

લેખક :- રઘુવીર પટેલ “જિગર”

(સાભાર સંજય આચાર્ય, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે)