ટપકેશ્વર મહાદેવ : બાળકના તપથી શિવલિંગ પર ફૂટી હતી દૂધની ધારા, વાંચો તેની પૌરાણિક કથા.

0
1009

હર હર મહાદેવ.

ભારતમાં ટપકેશ્વર મહાદેવ નામ હોય એવાં ઘણાં મંદિરો છે અને એમાંથી મોટાભાગનાં મંદિરોનાં શિવલિંગ પર સ્વયંભૂ જલાભિષેક થતો હોવાથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ બન્યાં હશે. પરંતુ કુદરતી સૌંદર્ય વચ્ચે દહેરાદૂનમાં આવેલું ટપકેશ્વર મહાદેવ મંદિર થોડું અલગ છે. ઉત્તરાખંડની અને એમાંય દહેરાદૂનની મુલાકાત કરતા પ્રવાસીઓ ભાગ્યે જ ટપકેશ્વર જવાનું ચૂકે છે.

ગુફામાં આવેલા શિવલિંગ પર ટપકતું દૂધ જેવું દેખાતું પાણી અહીંનું ખાસ આકર્ષણ છે. ટૌંસ નદીના (જેને પુરાતનકાળમાં તમસા નદીના નામથી ઓળખવામાં આવતી હતી. એક માન્યતા પ્રમાણે આ નદી દેવધારાના નામથી પણ જાણીતી હતી) કિનારે આવેલા આ મંદિર સાથે જોડાયેલી પ્રાચીન કથાઓ પણ એટલી જ રોચક છે અને શિવલિંગ પર ટપકતી ધારા વિશે પણ રસપ્રદ લોકકથાઓ પ્રવર્તે છે.

મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ : આ મંદિર સાથે બે કથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણ આ સ્થળ પર ૧૨ વર્ષ રહ્યા હતા અને ભગવાન શિવની તપસ્યા કરી હતી. ધનુવિદ્યામાં મહારત હાંસલ કરવા તેમજ ભગવાન શંકરનો સાક્ષાત્કાર કરવાની ખેવના સાથે ગુરુ દ્રોણાચાર્યે આ સ્થળ પસંદ કર્યું હતું. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરીને આકરી આરાધના કરી હતી. અંતે ભગવાન શંકરે દ્રોણની ઇચ્છા પૂર્ણ કરી હતી. પછીથી દ્રોણ આ ગુફાની આસપાસમાં જ કુટિર બાંધીને વર્ષો સુધી તેમની પત્ની કૃપી સાથે રહ્યા હતા અને અહીં જ તેમના પુત્ર અશ્વત્થામાનો જન્મ થયો હતો.

બીજી એક કથા મુજબ દ્રોણ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ઋષિ મળ્યા. ઋષિએ તેમને હિમાલયની તળેટીમાં તમસા નદીના કિનારે જઈને તપ કરવાનું સૂચવ્યું. ઋષિએ એમ પણ કહ્યું કે તમસાના કિનારે એક ગુફામાં સ્વયં સ્ફુરિત શિવલિંગ પાસે જઈને આરાધના કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે. ગુરુ દ્રોણે પછીથી તમસા નદીના કાંઠે આ સ્થળની શોધ ચલાવી અને શિવલિંગની ખોજના અંતે તેમને જે સ્થળ મળ્યું એ આજની ટપકેશ્વર મહાદેવની ગુફા. ટપકેશ્વર શિવલિંગની સ્થાપનાની કથા જેટલી રસપ્રદ પૌરાણિક કથા શિવલિંગ પર ટપકતી ધારાની પણ છે. એ કથા દ્રોણ અને તેના પુત્ર અશ્વત્થામાની સાથે જોડાયેલી છે.

બાળક અશ્વત્થામાના તપથી શિવલિંગ પર ફૂટી દૂધની ધારા : દ્રોણના નાના પુત્ર અશ્વત્થામાને દૂધ મળી રહે તે માટે ગુરુ દ્રોણે તેમના મિત્ર અને ગુરુભાઈ રાજા દ્રુપદ (આ બંને ભગવાન પરશુરામના શિષ્ય હતા) પાસે એક ગાયની યાચના કરી. દ્રુપદે ગાય આપવાની ના પાડી અને દ્રોણને અપમાનિત કર્યા. અશ્વત્થામા માટે દૂધની વ્યવસ્થા ન થતાં માતા કૃપી ભાતમાં પાણી નાખીને દૂધ જેવું પ્રવાહી તૈયાર કરતાં અને અશ્વત્થામાને પીવડાવતાં.

એક વાર અશ્વત્થામા દ્રોણ સાથે હસ્તિનાપુર ગયો અને ત્યાં તેણે ગાયનું દૂધ પીધું. ઘરે આવીને એવું જ દૂધ પીવાની તેણે હઠ પકડી. ગુરુ દ્રોણે નાનકડા પુત્રને ખૂબ સમજાવ્યો પણ તે ન માન્યો. અંતે દ્રોણે પુત્રને એમ જ સમજાવવાના આશયથી કહી દીધું કે જો તું ભગવાન શિવની આરાધના કરીશ તો તને એવું દૂધ જરૂર મળશે. અશ્વત્થામાએ તે દિવસથી જ આ ગુફામાં જઈને શિવલિંગ સામે બેસીને ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી. નાનકડા બાળકના તપથી ભગવાન શંકર એક ઋષિના વેશમાં આ ગુફામાં આવ્યા અને બાળકને તપ કરતો જોઈને તપ કરવાનું કારણ પૂછયું.

અશ્વત્થામાએ દૂધ માટે તપ કરતો હોવાનું જણાવ્યું એટલે ઋષિએ બાળકને કહ્યું કે થોડા દિવસમાં આ શિવલિંગ પર દૂધ ટપકશે. શિવલિંગ પર ટપકતા દૂધમાંથી જે શેષ રહે તે તું પીજે એમ કહીને ઋષિ તો જતા રહ્યા. બાળકને પણ આશ્વાસન મળ્યું એટલે તેણે તપ પૂર્ણ કર્યું. બીજા દિવસે જ્યારે દ્રોણ શિવલિંગની પૂજા કરવા ગુફામાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે શિવલિંગ ઉપર ખડકમાંથી દૂધ ટપકી રહ્યું હતું એટલે દ્રોણે આ શિવલિંગને દુગ્ધેશ્વર મહાદેવ એવું નામ આપ્યું હતું. જોકે, ત્યાર પછી સમયાંતરે આ શિવલિંગનું નામ ટપકેશ્વર મહાદેવ પડી ગયું.

લોકમાન્યતા પ્રમાણે કળિયુગમાં હવે દૂધને બદલે દૂધ જેવું શ્વેત પ્રવાહી ટપકી રહ્યું છે. આ પૌરાણિક કથાઓના કારણે ભાવિકોમાં ઓટપકેશ્વર મહાદેવ મંદિરનું માહાત્મ્ય વધી જાય છે. મહાશિવરાત્રિના સમયગાળા દરમિયાન અહીં પાંચ દિવસનો મેળો ભરાય છે. વિશેષ પૂજા, રુદ્રાભિષેક તેમજ મહામૃત્યુંજયના જાપ પણ થાય છે. પ્રતિ માસ તેરસના દિવસે દૂર-દૂરથી ભાવિકો ટપકેશ્વર મહાદેવ આવીને વિશેષ પૂજા કરે છે. વળી, શ્રાવણ માસમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર સદીઓથી શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે.

ટપકેશ્વર મહાદેવની આસપાસનાં અન્ય મંદિરો : ટપકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ અન્ય મહત્ત્વનાં મંદિરો પણ છે. ટપકેશ્વર મંદિર પાસે પહોંચતાં પહેલાં પરિસરમાં રાધાકૃષ્ણ મંદિર છે. આ મંદિરની સામેના રસ્તા પર જ હરસિદ્ધ દુર્ગામાતાનું મંદિર આવેલું છે. બાજુમાં જ એક ટેકરી પર શનિદેવનું મંદિર છે. અહીં નિઃસંતાન દંપતીઓ ખાસ પૂજન કરવા આવે છે. આ ઉપરાંત નજીકમાં ગણેશ ભગવાનનું મંદિર છે. પુલની પેલી તરફ સંતોષીમાતાનું મંદિર પણ આવેલું છે. સંતોષીમાતાના મંદિરની પાસે સપ્તમુખી હનુમાનજીનું મંદિર છે. ટપકેશ્વર મહાદેવ સૌથી પૌરાણિક મંદિર છે, પણ એ સિવાયનાં મંદિરોનું પણ અનેરું માહાત્મ્ય છે.

હર હર મહાદેવ.

– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)