બરફ આચ્છાદિત થઈ ગયા નીલકંઠ વર્ણી… દેખાયો અદભુત નજારો, જુઓ નીલકંઠ વર્ણીનું અનેરું રૂપ.

0
763

ભગવાન શ્રી સ્વામીનારાયણનું બાલ્યાવસ્થા સ્વરૂપ શ્રીનીલકંઠ વર્ણી ભગવાનની ૪૯ ફૂટ ઊંચી મુર્તિ રોબિન્સવીલ અક્ષરધામ (અમેરિકા) માં આવેલી છે. આ મૂર્તિને તપો મૂર્તિ શ્રીનીલકંઠ વર્ણી પણ કહેવામાં આવે છે. હાલમાં થયેલી બરફવર્ષાને કારણે આ મૂર્તિ બરફ આચ્છાદિત થઈ. મૂર્તિને જોતા વર્ષો પહેલા જ્યારે નીલકંઠ વર્ણીએ હિમાલય પર તપસ્યા કરી હતી તે દૃશ્ય જીવંત થતું હોય એવું લાગે છે. આવો નીલકંઠ વર્ણીના વન વિચરણ અને તપસ્યા વિષે થોડી વાતો જાણીએ.

ભગવાન શ્રી સ્વામિનારાયણનું બાલ્યાવસ્થાનું નામ હતું ઘનશ્યામ. માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ માત્ર 11 વર્ષની કુમળી વયે બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નિકળી પડ્યા. વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠ વર્ણીએ 7 વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો.

સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાં 6 માસ સુધી એક પગે ઉભા રહી તપ કર્યું. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ગોપાળ યોગીને પોતાનાં ભગવાન પણાંનો નિશ્ચય કરાવી પોતાનાં ધામની પ્રાપ્તિ કરાવી.

ત્યાંથી નીલકંઠ વર્ણી આદિવરાહ તીર્થમાં આવ્યા. ત્યાંથી વંગ દેશમાં સીરપુર નામનાં શહેરમાં આવ્યા. અહીંના રાજાએ સોએક જેટલા વિવિધ પંથ અને મતના સિદ્ધોને ચાતુર્માસ કરવા માટે આશ્રય આપ્યો હતો. સીરપુરથી નીલકંઠ સિદ્ધો સાથે કામાક્ષી દેવીના મંદિર પાસેના એક ગામ નજીક આવી પહોંચ્યા.

આ પછી નીલકંઠ વર્ણી નવલખા પર્વત પર ગયા અને ત્યાં તપ કરતાં નવ લાખ યોગીને તેટલા જ રૂપ ધરીને એકસાથે મળ્યા. ત્યાંથી બાલવા કુંડ નામે તીર્થમાં જઇને ગંગાસાગર પહોંચ્યા. ત્યાંથી કપિલાશ્રમ થઇ જગન્નાથ પુરી પહોંચ્યા. અહીં લગભગ 10 માસ રહ્યા.

જગન્નાથપુરીથી તેઓ દક્ષિણ તરફ ગયા. ગુપ્ત પ્રયાગ, સુંદરરાજ થઇ કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી વળતાં પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ થઇને મલયાચલમાં દર્શન કરીને, કિષ્કિંધા થઇને પંપા સરોવર આવ્યા. ત્યાંથી પંઢરપુર, દંડકારણ્ય થઇને નાસિક પહોંચ્યા. છેલ્લે માંગરોળથી નજીક લોજ ગામે રામાનંદ સ્વામીના સાધુનો મેળાપ થતાં તીર્થાટનની સમાપ્તિ થઈ.