ડોક્ટરોની ટીમે ખૂંધ વાળા બાળકો માટે જે કર્યું તે જાણીને એમ થશે કે ભગવાન સાક્ષાત તેમના માટે આવ્યા.

0
912

ડોક્ટરની ડાયરી

એક બાજુ પરબ છે.. અને બીજી બાજુ તરસ છે…

બેઉના સુખદ મિલનનું.. આ અધૂરું વરસ છે…

ડોક્ટર શરદ ઠાકર

“નામ?”

ડોક્ટર દેસાઈએ 14 વર્ષના એક છોકરાને પૂછ્યું. છોકરો ખૂંધ ના કારણે ગુજરાતી સાતડા જેવો દેખાતો હતો. લઘુતાગ્રંથિથી પીડાતો હોવાથી એ પોતે તો ચૂપ રહ્યો. દીકરાની મા એ રડતી આંખે જવાબ આપ્યો, “અશોક, મારો એકનો એક છોકરો છે સાહેબ. જન્મથી જ ખૂંધ હશે, પણ મને ખબર જ ન પડી. એ ચાર વર્ષનો થયો ત્યારે નવરાવતી વખતે પહેલી વાર મારું ધ્યાન ગયું. પછી તો ખૂંધ વધતી જ ગઈ… વધતી જ ગઈ… વધતી જ ગઈ… મારે એને નિશાળેથી એ ઉપાડી લેવો પડ્યો. બધા એને ખૂંધાળો કહીને ચીડવે છે. અશોક રોજ રોતો રોતો ઘરે આવે.”

મા એના લાડકવાયા ની છેલ્લા એક દાયકા ની વિતકકથા વર્ણવ્યા જતી હતી. ડોક્ટર કલ્પન દેસાઈ સમભાવ પૂર્વક એને સાંભળી રહ્યા હતા, પણ એમનું મન તો ચાલુ વાતથી પણ જોજનો દૂર આગળ નીકળી ગયું હતું. કોઈપણ બાળક બાળક કે બાળકીને ખૂંધ હોવી એ કાંઈ નવી વાત ન હતી. આ દેશમાં તો અસંખ્ય વાંકાચૂકા વક્રનાથો ગામેગામ અને શેરીયે શેરીયે રિબાતા, લજવાતા, અને જીવતરના બોજ ને વેંઢારતા નજરે પડે છે.

થોડાક વર્ષોથી આવી ખૂંધ દૂર કરવાના ઓપરેશન પણ થવા લાગ્યા છે, પણ આવું ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવવા જાય તો હજારો લાખો રૂપિયાનો ખર્ચો થઈ જાય. ગરીબ માણસ એટલા રૂપિયા ક્યાંથી લાવે? ડોક્ટર કલ્પન દેસાઈ અમદાવાદની સંસ્થા ‘પોલીયો ફાઉન્ડેશન’ ના સક્રિય સેવાભાવી તબીબ છે.

આ સંસ્થા છેક ૧૯૮૭ થી પ્રસિદ્ધિના નગારા વગાડયા વગર છાને ખૂણે બેસીને વિશ્વસ્તરનું સેવા કાર્ય કરતી રહી છે. ગુજરાતના શ્રેષ્ઠ કહેવાય તેવા સાંઠેક નિષ્ણાત ડોક્ટરો આ સંસ્થા સાથે દિલથી જોડાયેલા છે. મને તો ‘ટીમ ઇન્ડિયા’ કરતાં પણ આ ‘ટીમ પોલિયો’ નું પરફોર્મન્સ વધારે સારું લાગે છે. ટીમ પોલિયોના કેપ્ટન છે ડોક્ટર ભરતભાઈ ભગત અને વાઈસ કેપ્ટન છે ડોક્ટર કલ્પન દેસાઈ.

પ્રતીકાત્મક ફોટો

ખૂંધ થી રિબાતો અશોક અને રડતી મા તો ભાંગેલા પગે ચાલ્યા ગયા, પણ એમની પીડાની હાલતથી ડૉક્ટર દેસાઈને ભીંજવતા ગયા. દર્દીઓનો મેળો ખાલી કરી દીધા પછી ડોક્ટર દેસાઈએ સંસ્થાના વડા ડૉ ભરત ભગત સાહેબ આગળ વિચાર રજુ કર્યો..

“સાહેબ, આવા ગરીબ દર્દીઓ માટે આપણે કાંઈ ન કરી શકીએ?”

ડોક્ટર ભગતસાહેબ ઉત્પાતિયા છે. બધું શાંતિથી ચાલતું હોય તો પણ સામે ચાલીને ઉપાધી વહોરવી લે તેવા માણસ. તેમણે પાયામાંથી પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી

“કલ્પન, આ અશોક જેવા કેટલા દર્દીઓ આપણી પાસે આવ્યા હશે?”

“ઘણા બધા.”

ડોક્ટર દેસાઈએ યાદ કર્યું. આપણે ગામ-પરગામ મફત સારવારના કેમ્પ યોજીએ છીએ ત્યાં પણ આવા ખૂંધવાળા દર્દીઓ આપણી પાસે આવે જ છે. આપણે એમને પાછા કાઢવા પડે છે.

“શા કારણથી? માત્ર પૈસાના અભાવે જ? અમદાવાદના જાણીતા સ્પાઈનલ સર્જન ડોક્ટર અમિત ઝાલા આવી ખૂંધની શસ્ત્રક્રિયાના નિષ્ણાત છે. જો તે એક પણ રૂપિયો લીધા વગર આપણી સંસ્થામાં આવીને ઓપરેશન કરી આપે તો.”

“તો પણ એ ન પરવડે સાહેબ, આવા ઓપરેશન માટે જે ઇમ્પ્લાન્ટસ વાપરવા પડે એની જ કિંમત દોઢ લાખ રૂપિયા જેવી થાય છે. દવાઓનો ખર્ચ તો સાવ અલગજ.”

“કાંઈક તો કરવું જ પડશે.”

ડોક્ટર ભગત માથું ખંજવાળવા લાગ્યા.

“ડોક્ટર કલ્પન તું એક કામ કર દોસ્ત, અશોક જેવા પાંચેક દર્દીઓ પસંદ કર. એમનું પ્રિ-ઓપરેટીવ એસેસમેન્ટ નક્કી કરી લે, ત્યાં સુધીમાં હું કાંઈક કરું છું.”

ડોક્ટર કલ્પન દેસાઈએ પાંચ દર્દીઓ શોધી કાઢ્યા. બે નર અને ત્રણ મહિલાઓ. બધા દર્દીઓ 6 વર્ષથી 16 વર્ષની ઉંમરના હતા. એમના એક્સરે કાઢ્યા, બ્લડ ટેસ્ટ કરાવ્યો, ખૂંધ દૂર કરવાનું ઓપરેશન ખૂબ લાંબુ ચાલે. છ થી આઠ કલાક નીકળી જાય. એટલો સમય એનેસ્થેસિયા માં રહેવાની શક્તિ પણ હોવી જોઈએ ને? ડૉક્ટર દેસાઈ ઝીણું કાંતવા લાગ્યા. હવે આ તરફ ડોક્ટર ભરતભાઈ ભગતે શું કર્યું? એમનો યુવાન પુત્ર ડો.શૈશવ ઇંગ્લેન્ડમાં સ્પાઈનલ સર્જન છે. એને ફોન કર્યો..

“દીકરા, તારી આવડતનો લાભ ત્યાંના લોકોને તો આપે જ છે થોડીક નજર આ તરફ પણ ફેક તો અમને સારું લાગશે.”

ડોક્ટર શૈશવે અડધા વાક્યમાં પિતાની વાતને સમર્થન આપી દીધું અને કહી દીધું, “પપ્પાજી, હું અહીંથી શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ લઈને આવું છું. તમે ઓપરેશનની તારીખ નક્કી કરી રાખો. મારી સાથે જે ડોક્ટરોની ટીમ આવશે તે માત્ર બ્રિટનના જ નહીં પણ વિશ્વભરના શ્રેષ્ઠ છે. એમની ફી અહીંના ફુટબોલના ખેલાડીઓને પણ ન પોસાય તેવી.”

ડોક્ટર ભગતસાહેબ ચિંતામાં પડી ગયા.

“બેટા, તું ત્યાંના દેશની વાત કરે છે? અહીં મારા દેશના દર્દીઓ એટલા ગરીબ છે કે એમને તો એક સામાન્ય ફૂટબોલ ખરીદવો પણ પોસાય તેમ નથી. જોજે.. અમારી આબરૂ જાય તેવુ ન કરીશ.. બેટા..!”

ડોક્ટર શૈશવે હસી ને ફોન મૂકી દીધો. એજ વર્ષની ૧૦ મી ફેબ્રુઆરીએ લંડનથી વિમાનમાં બેસીને ડોક્ટર શૈશવ ભગત અમદાવાદ આવી પહોંચ્યા. એની ટીમ બે દિવસ પછી પધારી. પોલીયો ફાઉન્ડેશનની ઓફિસમાં બધા વિદેશી મહેમાનોનો પરિચય કરાવ્યો.. ‘આ છે ડોક્ટર શશીન આહુજા, મૂળ વતન મુંબઈ, પણ હાલ યુકેના કાર્ડિફમાં કાર્યરત છે. એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે છ-છ મહિના સુધી પ્રતીક્ષા કરવી પડે છે.

પ્રતીકાત્મક ફોટો

આ છે ડો.એમ રાય, બ્રિટનમાં જન્મેલા ઇન્ડિયન છે. એ લાંબા સમયથી ઇન્ડિયામાં ફરવા માટે આવવાનું વિચારતા હતા. હું એમને એવા કામ માટે લઈ આવ્યો છું કે એ બીજી વાર આ દેશનું નામ બોલતા એ સો વખત વિચાર કરશે.

આ ડોક્ટર મુસ્તાક શેખ. મૂળ સુરતીલાલા છે. આજે બ્રિટનમાં એમની બોલબાલા છે. ન્યુરોમોનીટરીંગ સિસ્ટમ ના ખેરખાં-ખાંટુ છે.

અને આ છે.. સ્ટોકેન ટ્રેપથી આવેલા સ્પાઇન સર્જન ડોક્ટર જસાણી. આ છે ડોક્ટર ઇકરૂપ ચોપરા. અને આ નખશિખ અંગ્રેજ છે, ડોક્ટર સ્ટીવન પદ્ય.

ગોરાઓના દેશમાંથી પધારેલા આ દેવાંશી અશ્વિનીકુમારોને જોઈને ડોક્ટર ભગતસાહેબ પૂછી બેઠા.. “શૈશવ.. આ બધાને રહેવા માટે તો ફાઈવ સ્ટાર હોટલ પણ ગંદી લાગશે..!! અમે એમને ઉતારો ક્યાં આપીશું?”

“તમે એની ચિંતા છોડી દો. એકાદ ખાલી ફ્લેટ હશે તો આ બધા અબજોપતિઓ એમાં રહેવા માટે રાજી છે. એમના બ્રેકફાસ્ટની કે લંચની પણ ચિંતા ના કરશો. અમદાવાદી ખાખરા ખાઈને પણ આ ખમતીધરો ૬ ૮ કલાક સુધી ઓપરેશન થિયેટરની પિચ ઉપર ટકી રહેવાની તૈયારી સાથે આવ્યા છે. ડોક્ટર કલ્પન દેસાઈ અને ડોક્ટર અમિત ઝાલા ને વળી જુદી જ ચિંતા સતાવતી હતી.

“ઓપરેશન માટે જરૂરી ઇમ્પ્લાન્ટસ નું શું કરીશું?

એક-એક સળીયો અને એને બેસાડવાના સ્ક્રુ ની કિંમત લાખોમાં.”

“અમારી ટીમ ૧૫ લાખ રૂપિયાના ઇમ્પ્લાન્ટસ સાથે લઈને જ આવી છે.”

“ન્યુરો મોનીટરીંગ ના મશીન નું શું કરિશુ?”

“એની કિંમત ઝાઝી નથી, માત્ર ૩૦ લાખ રૂપિયા છે. ડોક્ટર શૈશવે મજાક કરી. પછી ગંભીરતાથી જણાવ્યું કે એ પણ અમે સાથે લઈને જ આવ્યા છીએ.”

“પણ દવાઓ અને બીજી સારવારનો ખર્ચો તો અમારે કાઢવો પડશે ને?”

ના.. અમે અમેરિકાની સંસ્થા પાસેથી દસ હજાર ડોલરનું ડોનેશન લઈને આવ્યા છીએ. અમારી આવવાની અને જવાની વિમાનની ટિકિટનો ખર્ચ પણ અમે જ ભોગવવાના છીએ. તમે હવે ચિંતા નું પોટલું અભરાઈ ઉપર ચડાવી દો. અમને ઓપરેશન થિયેટર બતાવો, અમને દર્દીઓ બતાવો, અમને અમારા મહાન દેશના કમનસીબ દર્દીઓની સેવા કરવાની તક આપો. હવે એક પણ વાતની ચોખવટ બાકી રહેતી ન હતી.

પૂરી ટીમ સવારના સાડા આઠ વાગ્યાથી કામ પર ચડી જતી હતી. જે ગરીબ દર્દીઓ એ જિંદગીમાં ક્યારે પણ ઝુપડી સિવાય બીજા કોઈ ચોખ્ખા મકાન માં પગ પણ મૂક્યો ન હતો, તેમને અમદાવાદની શ્રેષ્ઠ જગ્યાએ સંગેમરમરના બેક્ટેરિયા ફ્રી વાતાવરણમાં ફાઇસટાર ઓપરેશન થિયેટરમાં સેવન સ્ટાર ડોક્ટર ના હાથે ઓપરેશન કરાવવાનું સદભાગ્ય સાંપડી ગયું.

શ્રીકૃષ્ણનો સ્પર્શ પામીને સુદામાઓ ધન્ય થઈ ગયા. સમગ્ર કાર્યવાહીમાં તબીબો ડોક્ટર ઝાલા તેમજ ડોક્ટર કલ્પન દેસાઈનું યોગદાન શ્રેષ્ઠ રહ્યું. સાત દિવસના નિ:શુલ્ક રોકાણ પછી પાંચ દર્દીઓ ઘરે સિધાવ્યા. ત્રણ-ચાર મહિના સુધી છાતી અને પેટ પર પટ્ટો બાંધવો પડ્યો પછી એ પણ નીકળી ગયો.

અશોક, દીપુ, ચંપા, મોહન, અને મધુ..

હવે સાવ સાજા, મારા તમારા જેવા બની ગયા છે. એમની જન્મદાત્રીઓ ની આંખમાં હવે આંસુ નથી રહ્યા. અને આ ખૂંધિયાઓના મનમાં હવે હિન ભાવના નથી રહી. ટટ્ટાર છાતી અને ઉન્નત મસ્તક લઈને તેઓ હવે સાવ નોર્મલ જિંદગી જીવી શકશે. આ આખીયે ઘટનાના ચશ્મદીદ ગવાહ બન્યા પછી મેં સ્વાભાવિક સવાલ પૂછી લીધો..

“ડોક્ટર ભરત સાહેબ…

ડોક્ટર કલ્પના ભાઈ…

કામ તો તમે ખૂબ સારું કર્યું, પણ આવું એક જ વાર કર્યું છે કે પછી બીજી વાર પણ કરશો?”

કેપ્ટન વાઈસ કેપ્ટન એક જ સૂરમાં બોલી ઉઠ્યા..

“આ કામ સતત ચાલુ રહેશે. ગુજરાતભરના ખૂણે-ખૂણેથી કોઈપણ દર્દી જે કરોડસ્તંભની ખોટ થી પીડાતો હોય તો તે ‘પોલીયો ફાઉન્ડેશન’ માં પધારી શકે છે. સાથે એક પણ પૈસો લાવવાનો જરૂરી નથી. આ મંદિર છે. અમે પૂજારીઓ છીએ. અમને પ્રતીક્ષા છે, અમારા ભગવાનની.”

શીર્ષક પંક્તિ: બરબાદ અમદાવાદી

– સાભાર પ્રકાશ ઓઝા (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે)

દરેક ફોટો પ્રતીકાત્મક