કાંગડા શહેર છે અત્યંત સુંદર, અહીંના આ મંદિરો શ્રદ્ધાળુઓની સાથે ટુરિસ્ટોને પણ કરે છે આકર્ષિત, એકવાર જરૂર જવું જોઈએ. હિમાચલ પ્રદેશનું નામ સામે આવતા જ પ્રાકૃતિક સૌંદર્યની અનુપમ છબી આંખોની સામે આવી જાય છે. એ વાતમાં કોઈ બે મત નથી કે હિમાચલ પ્રદેશનું નૈસર્ગીક સૌંદર્ય દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. પણ હિમાચલ પ્રદેશના કાંગડા શહેરની સુંદરતાની સાથે સાથે અહીં આવેલા મંદિર પણ એક અલગ વિશેષતા ધરાવે છે.
કાંગડા જેને દેવ ભૂમિના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, તે હિમાચલ પ્રદેશનું સૌથી મોટું ક્ષેત્ર છે. અહીં આવેલા પર્વત અને હરિયાળીની સાથે સાથે આ ક્ષેત્રનો પોતાનો એક સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. કટોચ રાજવંશ જેને દુનિયાની સૌથી જૂની સંપન્ન સભ્યતાઓમાંથી એક માનવામાં આવે છે, તે અહીં વિકાસ પામી છે. આ રાજવંશે કાંગડામાં ઘણા બધા મંદિરોનું નિર્માણ કર્યું જેમાંથી અમુક આજે પણ હાજર છે. કાંગડામાં આવેલા આ મંદિરો તમને શહેરી ભીડભાડથી દૂર એક અલગ શાંતિ અને એકાંતનો અનુભવ કરાવશે. તો ચાલો જાણીએ કાંગડામાં આવેલા અમુક એવા જ મંદિરો વિષે.
વ્રજેશ્વરી મંદિર : વ્રજેશ્વરી મંદિર (બૃજેશ્વરી મંદિર) વિશ્વમાં એક શક્તિપીઠના રૂપમાં ઓળખાય છે, જે નગરકોટ શહેરમાં આવેલું છે. હિંદુ પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન શિવે પોતાના ખભા પર પોતાની પ્રિય પત્ની દેવી સતીના શરીર સાથે તાંડવ કર્યું હતું.
ભગવાન શિવના ગુસ્સા અને ઉદાસીનતાને રોકવા માટે ભગવાન વિષ્ણુએ દેવી સતીના શરીરને 51 ભાગોમાં વિભાજિત કર્યું, જેના દરેક ભાગ દુનિયાના અલગ અલગ ભાગોમાં પડ્યા અને ત્યાં શક્તિપીઠો બન્યા. દેવી સતીનું ડાબું સ ત ન આ ભૂમિ પર પડ્યું, જ્યાં વ્રજેશ્વરી મંદિર આજે પણ ઊભું છે. આજ કારણ છે કે કાંગડાનું આ મંદિર દરેક ભક્તોના મનમાં એક વિશેષ મહત્વ રાખે છે, અને તેને હિમાચલ પ્રદેશમાં મુખ્ય મંદિરોમાંથી એક માનવામાં આવે છે.
વૈજનાથ મંદિર : વૈજનાથ મંદિર વાસ્તુકલાની પ્રાચીન શૈલીનું એક શાનદાર ઉદાહરણ છે, જેને ‘નાગરા’ ના રૂપમાં ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ હજી પણ શિવલિંગના શ્વેતામ્બુ રૂપમાં અહી નિવાસ કરે છે. આ મંદિરની પૂજા 1204 AD થી કરવામાં આવી રહી છે. આ કારણે વૈજનાથ મંદિર કાંગડામાં આવેલી સાંસ્કૃતિક રૂપમાં સૌથી સમૃદ્ધ મંદિરોમાંથી એક છે.
આશાપુરી મંદિર : આશાપુરી મંદિર સમુદ્રની સપાટીથી 5000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, મંદિર પર મુગલોના હુ મ લા દરમિયાન ભમરીઓ દ્વારા તેનું રક્ષણ કરવામાં આવ્યું હતું. આ જૂની દંતકથાને કારણે જ આ મંદિર સ્થાનિક લોકો વચ્ચે ઘણું લોકપ્રિય છે. કહેવામાં આવે છે કે આ મંદિરને પાંડવો દ્વારા તેમના દેશનિકાલ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
ભાગસૂ નાગ મંદિર : ભાગસૂ નાગ મંદિર ફક્ત ધાર્મિક જ નહીં, ઐતિહાસિક રૂપથી પણ ઘણું મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. આ મદિર લગભગ 5100 વર્ષ જૂનું છે, અને તેના કિનારે એક ઝરણું વહે છે. આ કાંગડાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિરમાં એક ધર્મશિલા આવેલી હતી, જેના પરથી પ્રસિદ્ધ હોલિડે સ્પૉટ ધર્મશાળાનું નામ પડ્યું.
મસરૂર મંદિર : મસરૂર મંદિર રૉક-કટ મંદિરનું એક પ્રતિભાશાળી અને ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિર પર્યટકોને આશ્ચર્યચકિત કરી દે છે. તેનું કારણ તેની અદ્દભુત વાસ્તુકલાની શૈલી છે. આ મંદિર એક પર્વત પર આવેલું છે, જેના લીધે આ મંદિર સુધી પહોંચવા અને મંદિરમાં પૂજા કરવા પર ભક્તજનોને એક અલગ જ અનુભવ મળે છે. આ અન્ય પ્રસિદ્ધ કાંગડા મંદિરોથી ઘણું અલગ છે.
બગલામુખી મંદિર : માં બગલામુખી મંદિર કાંગડામાં આવેલું વધુ એક શક્તિપીઠ છે. અહી સાધના અને સિદ્ધિ પૂજા બંને જ થાય છે. માં બગલામુખી અથવા માં પીતામ્બરી હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર દશ મહાવિદ્યાઓમાંથી એક છે. તે પોતાના ભક્તોને દરેક ખરાબ શક્તિઓ અને મુશ્કેલીઓથી બચાવે છે. આ કાંગડાના સૌથી શક્તિશાળી મંદિરોમાંથી એક છે.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.