પુષ્કરમાં એવા ઘણા મંદિરો આવેલા છે જેના દર્શન દરેક વ્યક્તિએ એક વખત જરૂર કરવા જોઈએ, જાણો કયા.

0
556

જ્યારે પણ રાજસ્થાનની વાત આવે છે તો તેને રાજાઓ, રાણીઓ અને મહેલો માટે ઓળખવામાં આવે છે. પણ અહિયાં એક એવું શહેર પણ છે, જેને તેના ધાર્મિક સ્થળ માટે ઓળખવામાં આવે છે. આ શહેરનું નામ છે પુષ્કર. એવું માનવામાં આવે છે કે આ શહેરને સ્વયં સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. એટલા માટે અહિયાં દેશનુ એક માત્ર બ્રહ્મા મંદિર આવેલુ છે. એટલું જ નહિ આ શહેરમાં બીજા ઘણા ધાર્મિક સ્થળ પણ આવેલા છે. જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

અહિયાં આવેલા ઘણા મંદિરોમાંથી કેટલાક ખુબ જુના છે તો કેટલાક નવા છે. આ મંદિરોની પોતાની એક અલગ સ્ટોરી છે, જે માત્ર શ્રદ્ધાળુઓને જ નહિ પણ પર્યટકોને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. તો આવો આજે આ લેખમાં અમે તમને પુષ્કરમાં આવેલા કેટલાક ઉત્તમ મંદિરો વિષે જણાવીએ.

વરાહ મંદિર : હિંદુ પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન વિષ્ણુ અલગ અલગ સમયે ખરાબ શક્તિઓને હરાવવા માટે પૃથ્વી ઉપર અવતરીત થતા હતા. તેમણે એવા નવ અવતાર અપનાવ્યા, જેમાંથી એક વરાહ અવતાર હતો. રાજસ્થાનનું આ મંદિર વિષ્ણુના વરાહ અવતારને સમર્પિત છે. વરાહ મંદિરનું નિર્માણ 12 મી સદીમાં રાજા અનાજી ચૌહાણે કરાવ્યું હતું. વરાહને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

આ મંદિરને આંશિક રીતે મોગલ સમ્રાટ ઔરંગજેબ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું હતું, પણ 18 મી સદીમાં જયપુરના રાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા તેનું પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું. મંદિરના અંદરના ગર્ભગૃહમાં ભગવાન વરાહની એક વિશાળ મૂર્તિ છે જે સફેદ રંગની છે. વરાહ મંદિર જવાનો સૌથી સારો સમય શિયાળા દરમિયાન હોય છે જે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી હોય છે. તમે સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી ક્યારે પણ મંદિરના દર્શન કરી શકો છો.

જુનું રંગજી મંદિર : પુષ્કરના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક જુનું રંગજી મંદિર છે, જે આશરે 150 વર્ષ જુનું મંદિર છે અને ભગવાન રંગજીને સમર્પિત છે જે ભગવાન વિષ્ણુના અવતાર છે. મંદિરમાં મુગલ અને રાજપુત વાસ્તુકળાની સાથે સાથે દક્ષીણ ભારતીય વાસ્તુકળાના રંગ પણ જોવા મળે છે.

મંદિરનું નિર્માણ વર્ષ 1823 માં હૈદરાબાદના એક શ્રીમંત વેપારી શેઠ પૂરન મલ ગનેરીવાલે કરાવ્યું હતું. મંદિરમાં ભગવાન રંગજીની મૂર્તિઓ, ભગવાન કૃષ્ણ, ગોડ્ડમહી, દેવી લક્ષ્મી અને શ્રી રામાનુજાચાર્યની મૂર્તિઓ છે. આ મંદિર સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખૂલું રહે છે અને તે પુષ્કર તળાવની નજીક છે.

આપ્ટેશ્વર મંદિર : આપ્ટેશ્વર મંદિરની વાસ્તુકળા કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે છે. આ મંદિરને ઔરંગઝેબ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું હતું પણ પાછળથી તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું. અહિયાંના મુખ્ય દેવતા શિવ લિંગમ છે જેને દહીં, દૂધ, ઘી અને મધ ચડાવવામાં આવે છે. તે ઉપરાંત ભક્ત ભગવાનને બીલીપત્રના પાન પણ ચડાવે છે.

ભક્તોનું માનવું છે કે, બીલીપત્ર ચડાવવાથી તેમની મનોકામના પૂરી થાય છે. શિવરાત્રી અહિયાંનો મુખ્ય તહેવાર છે, જેને ખુબ જ હર્ષઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. તે બ્રહ્મા મંદિરની નજીક આવેલું છે અને તમે આ મંદિરના દર્શન સવારે 6.30 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા સુધી કરી શકો છો.

રઘુનાથ મંદિર : પુષ્કરમાં બે રઘુનાથ મંદિર છે, જેમાંથી એક 1823 માં બનાવવામાં આવ્યું હતું અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહિયાં ભગવાન વિષ્ણુની પૂજા ભગવાન રામના રૂપમાં કરવામાં આવે છે, જે વિષ્ણુના નવ અવતારોમાંથી એક છે. મંદિરમાં ભગવાન વેણુગોપાલ, દેવી લક્ષ્મી અને ભગવાન નરસિંહ પણ બિરાજમાન છે. અને નવા રઘુનાથ મંદિરમાં ભગવાન વૈકુંઠનાથ અને દેવી લક્ષ્મી બિરાજમાન છે. આ મંદિરમાં સાત બીજા મંદિર છે જેમાંથી દરેકમાં એક શિખર છે. આ મંદિરમાં માત્ર ભારતીયોને પ્રવેશની મંજુરી છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.