તેનાલી રામા ભાગ 4: રાજાએ નિર્દોષ વ્યક્તિને ગણાવ્યો અપશુકનિયાળ, તેનાલી રામાએ તેને કેવી રીતે બચાવ્યો જાણો

0
286

રાજા કૃષ્ણદેવ રાયાના રાજ્યમાં ચેલારામ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે રાજ્યમાં એટલા માટે પ્રખ્યાત હતો કારણ કે જો કોઈ વ્યક્તિ સવારે સૌથી પહેલા તેનો ચહેરો જુએ, તો તેને આખો દિવસ ખાવા માટે કંઈ મળતું નહિ. લોકો તેને અપશુકનિયાળ કહેતા. બિચારા ચેલારામને આ બાબતનું દુ:ખ થતું, પરંતુ તેમ છતાં તે પોતાના કામમાં લાગેલો રહેતો.

એક દિવસ રાજાના કાને આ વાત પહોંચી. આ સાંભળીને રાજા ખૂબ જ ઉત્સુક થયા. તે જાણવા માંગતા હતા કે શું ચેલારામ ખરેખર અપશુકનિયાળ છે? આ જિજ્ઞાસાને દૂર કરવા તેમણે ચેલારામને મહેલમાં હાજર થવા માટેનું આમંત્રણ મોકલ્યું.

બીજી બાજુ, ચેલારામ, આ વાતથી અજાણ, રાજીખુશીથી મહેલ તરફ ચાલવા લાગ્યો. મહેલમાં પહોંચીને રાજાએ તેને જોયો તો જોઈને વિચારવા લાગ્યા કે આ ચેલારામ તો બીજાની જેમ સામાન્ય દેખાય છે. આ કેવી રીતે અન્ય લોકો માટે અપશુકનનું કારણ બની શકે છે. આ ચકાસવા માટે, તેમણે આદેશ આપ્યો કે ચેલારામને તેમના શયન કક્ષની સામેના ઓરડામાં રહેવા દેવામાં આવે.

આજ્ઞા મુજબ ચેલારામને રાજાના ઓરડાની સામેના ઓરડામાં રહેવા માટે સગવડ કરી આપવામાં આવી. મહેલની નરમ પથારી, સ્વાદિષ્ટ ભોજન અને શાહી ઠાઠ જોઈને ચેલારામ ખૂબ જ ખુશ થયો. તેણે ભરપૂર ભોજન લીધું અને રાત્રે વહેલા સૂઈ ગયો.

બીજા દિવસે સવારે તેની આંખો ખુલી, પણ તે પથારી પર જ બેઠો રહ્યો. એટલામાં રાજા કૃષ્ણદેવ રાય તેને જોવા માટે ઓરડામાં આવ્યા. તેમણે ચેલારામને જોયો અને પછી તેમના રોજિંદી જરૂરી કામ માટે જતા રહ્યા.

યોગાનુયોગ એ દિવસે રાજાને સભા માટે વહેલા નીકળવાનું હતું, તેથી તેમણે સવારનો નાસ્તો કર્યો ન હતો. સભાની બેઠક આખો દિવસ એટલી લાંબી ચાલી કે સવારની સાંજ થઈ ગઈ, પણ રાજાને જમવાનો સમય ન મળ્યો. થાકેલા, ભૂખ્યા રાજા સાંજે ભોજન માટે બેઠા જ હતા, ત્યાં પીરસવામાં આવેલા ભોજનમાં માખી પડેલી જોઈને તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે ભોજન ના કરવાનો નિર્ણય લીધો.

ભૂખ અને થાકને કારણે રાજાની હાલત ખરાબ તો હતી જ, આવી સ્થિતિમાં ગુસ્સામાં તેમણે ચેલારામને આ માટે દોષી ઠેરવ્યો. તેમણે સ્વીકાર્યું કે તે એક અપશુકનિયાળ વ્યક્તિ છે અને જે કોઈ વહેલી સવારે તેનો ચહેરો જોઈ લે, તેને આખો દિવસ અનાજનો એક કોળિયો પણ નસીબ નથી થતો. તેમણે ગુસ્સે થઈને ચેલારામને મ-રૂ-ત્યુદંડની સજા સંભળાવી અને કહ્યું કે આવી વ્યક્તિને રાજ્યમાં જીવવાનો કોઈ અધિકાર નથી.

ચેલારામને આ વાતની જાણ થતાં તે તેનાલીરામ પાસે દોડી ગયો. તે જાણતો હતો કે માત્ર તેનાલીરામ જ તેને આ સજામાંથી બચાવી શકે છે. તેણે પોતાની વ્યથા તેમને સંભળાવી. તેનાલીરામે તેને ખાતરી આપી અને કહ્યું કે, તેણે ડરવું જોઈએ નહીં અને તે કહે છે તેમ કરવું જોઈએ.

બીજા દિવસે ચેલારામને ફાં-સી-ના સમયે લાવવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું કે શું તેની કોઈ છેલ્લી ઈચ્છા છે. જવાબમાં ચેલારામે કહ્યું, હા, તે રાજા સહિત સમગ્ર લોકોની સામે કંઈક કહેવાની પરવાનગી માંગે છે.

આ સાંભળીને સભાની જાહેરાત કરવામાં આવી હતી. ચેલારામ સભામાં પહોંચ્યા ત્યારે રાજાએ તેને પૂછ્યું, “બોલ ચેલારામ, તારે શું કહેવાની પરવાનગી જોઈએ છે?”

ચેલારામે કહ્યું, “મહારાજ, હું એટલું જ કહેવા માંગુ છું કે, જો હું એટલો અપશુકનિયાળ હોઉં કે જે મને સવારે જુએ છે તેને આખો દિવસ ભોજન મળતું નથી, તો તમે પણ મારા જેવા અપશુકનિયાળ વ્યક્તિ છો.”

આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને રાજા તરફ જોવા લાગ્યા. રાજાએ પણ ગુસ્સાભર્યા અવાજમાં કહ્યું, “તારી આટલી હિંમત, તું આવી વાત કેવી રીતે અને કયા આધારે કહી શકે?”

ચેલારામે જવાબ આપ્યો, “તે દિવસે સવારે સૌથી પહેલા મેં તમારો ચહેરો પણ જોયો અને મને મ-રૂ-ત્યુદંડની સજા થઈ. એનો અર્થ એ થયો કે તમે પણ અપશુકનિયાળ છો, જે કોઈ પણ વ્યક્તિ સવારે સૌથી પહેલા તમારો ચહેરો જુએ છે તેને મ-રૂ-ત્યુદંડ ચોક્કસ મળશે.

ચેલારામની આ વાત સાંભળીને મહારાજનો ક્રોધ શાંત થયો અને તેમને સમજાયું કે ચેલારામ નિર્દોષ છે. તેમણે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો અને તેની માફી માંગી. તેમણે ચેલારામને પૂછ્યું કે, તને આવું બોલવાનું કોણે કહ્યું હતું?

ચેલારામે જવાબ આપ્યો, “તેનાલીરામ સિવાય બીજું કોઈ મને આ મ-રૂ-ત્યુદંડમાંથી બચાવી શકે તેમ ન હતું. તેથી જ હું તેમની આગળ ગયો અને મને બચાવવા માટે વિનંતી કરી.”

આ સાંભળીને મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે તેનાલીરામની ખૂબ પ્રશંસા કરી. તેમની શાણપણ જોઈને મહારાજાએ તેમને રત્નોથી જડેલા સોનાનો હાર ઈનામમાં આપ્યો.

વાર્તામાંથી બોધ : તેનાલીરામની આ વાર્તા આપણને શીખવે છે કે આપણે વગર વિચાર્યે કોઈની વાતમાં ના આવવું જોઈએ.