તેનાલી રામા ભાગ 8: રાણીને આવ્યું બગાસું તો રાજાએ તેમને આપી સજા, પછી તેનાલીએ જે કર્યું તે જાણવું જોઈએ

0
574

એક દિવસ રાણી તિરુમાલા દ્વારા તેનાલી રામાને સંદેશો મોકલવામાં આવ્યો કે, તે ખૂબ જ મુશ્કેલીમાં છે અને તેમને મળવા માંગે છે. રાણીનો સંદેશ મળતાં જ તેનાલી રામા તરત જ રાણીને મળવા પહોંચી ગયો. તેનાલી રામાએ કહ્યું, “રાણી! તમે આ સેવક કેમ યાદ કર્યો?” એટલે રાણી તિરુમાલાએ કહ્યું, “તેનાલી રામા! અમે એક મોટી મુશ્કેલીમાં છીએ.”

તેનાલી રામાએ કહ્યું, “જરા પણ ચિંતા ન કરો અને મને કહો કે શું વાત છે?” તેનાલી રામાની વાત સાંભળીને રાણીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, “હકીકતમાં મહારાજ અમારાથી બહુ નારાજ છે.” તેનાલી રામાએ કહ્યું, “પણ કેમ? એવું શું થયું છે?” રાણીએ કહ્યું, “એક દિવસ મહારાજ અમને નાટક વાંચીને સંભળાવી રહ્યા હતા અને ત્યાં એકાએક અમને બગાસું આવ્યું, બસ આટલી વાતમાં મહારાજ નારાજ થઈને ચાલ્યા ગયા.”

રાણીએ તેનાલી રામાએ કહ્યું, “એ પછી ઘણા દિવસો વીતી ગયા, પણ મહારાજ મારી પાસે આવ્યા નથી. મારી ભૂલ ન હોવા છતાં મેં મહારાજની માફી માંગી હતી, પણ મહારાજ પર તેની કોઈ અસર થઈ નહીં. હવે તમે મને આ સમસ્યાનો ઉકેલ જણાવો, તેનાલી રામા.”

તેનાલી રામાએ રાણીને કહ્યું, “રાણી, તમે જરાય ચિંતા કરશો નહીં! હું તમારી સમસ્યા ઉકેલવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.” રાણીને સમજાવ્યા પછી તેનાલી રામા દરબારમાં પહોંચ્યો. મહારાજ કૃષ્ણદેવ રાય રાજ્યમાં ચોખાની ખેતી વિશે મંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા.

પ્રતિકાત્મક ફોટો

મહારાજ મંત્રીઓને કહેતા હતા, “રાજ્યમાં ચોખાની ઉપજ વધારવી આપણા માટે જરૂરી છે. આપણે ઘણા પ્રયત્ન કર્યા. આપણા પ્રયત્નોથી પરિસ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ સમસ્યા સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. ત્યારે અચાનક તેનાલી રામાએ ચોખાના બીજ ઉપાડ્યા અને કહ્યું, “મહારાજ, જો આ જાતના બીજનું વાવેતર કરવામાં આવે, તો આ વર્ષે ઉપજ અનેક ગણી વધી શકે છે.”

મહારાજે પૂછ્યું, “શું આ બીજ આ ખાતરથી ઉગાડી શકાય?” એટલે તેનાલી રામાએ કહ્યું, “હા મહારાજ! આ બીજ વાવવા માટે વધુ કંઈ કરવાની જરૂર નથી, પણ…!” મહારાજે પૂછ્યું, “પણ શું તેનાલી રામા?” તેનાલી રામાએ જવાબ આપ્યો, “શરત એ છે કે જે વ્યક્તિ આ બીજને વાવે, પાણી આપે અને લણે તે એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેણે જીવનમાં ક્યારેય બગાસું ખાધું ન હોય અને ના તો ક્યારે પણ તેને બગાસું આવે.”

આ સાંભળીને મહારાજ ગુસ્સે થયા અને બોલ્યા, “તેનાલી રામા! તારા જેવો મૂર્ખ મેં ક્યારેય જોયો નથી.” મહારાજે આક્રોશપૂર્વક કહ્યું, “દુનિયામાં કોઈ એવો હશે કે જેણે કદી બગાસું ન ખાધું હોય. તેનાલી રામા બોલ્યા, અરે! મને માફ કરજો મહારાજ! હું જાણતો ન હતો કે દરેક વ્યક્તિ બગાસું ખાય છે. માત્ર હું જ નહીં, મહારાણીજી પણ એવું સમજે છે કે બગાસું આવવું એ એક મોટો ગુનો છે, હું જઈને મહારાણીજીને પણ આ વાત કહું છું.

તેનાલી રામાની વાત સાંભળીને મહારાજ બધી વાત સમજી ગયા. તેઓ સમજી ગયા કે તેનાલી રામાએ તેમને સાચો રસ્તો બતાવવા માટે આ કહ્યું હતું. તેમણે કહ્યું, “હું જાતે જઈને આ વાત રાણીને કહીશ.” આ પછી મહારાજ તરત જ મહેલમાં ગયા અને રાણીને મળ્યા અને તેમની સાથેની તમામ ફરિયાદોનું નિરાકરણ કર્યું.

વાર્તામાંથી બોધ : આ વાર્તામાંથી આપણને એક બોધ મળે છે કે કોઈને પણ અપરાધ વગર સજા ન કરવી જોઈએ.