તેનાલી રામા ભાગ 9: શેઠે લગાવ્યો નોકર પર ખોટો આરોપ, પછી તેનાલી રામાએ આ રીતે તેનું જુઠાણું પકડ્યું.

0
316

વર્ષો પહેલા કૃષ્ણદેવ રાય દક્ષિણ ભારતના જાણીતા વિજયનગર રાજ્યમાં રાજ કરતા હતા. તેના સામ્રાજ્યમાં દરેક લોકો ખુશ હતા. ઘણીવાર સમ્રાટ કૃષ્ણદેવ પોતાની પ્રજાના હિતમાં નિર્ણયો લેવા માટે સમજદાર તેનાલી રામાની સલાહ લેતા હતા. તેનાલી રામાનું મગજ એટલું તેજ હતું કે તે દરેક સમસ્યાનો ઉકેલ પળવારમાં શોધી લેતો હતો.

એક દિવસ રાજા કૃષ્ણદેવના દરબારમાં એક માણસ રડતો રડતો આવ્યો. તેણે કહ્યું, “મહારાજ! હું નામદેવ નજીકની હવેલીમાં કામ કરું છું. મારા માલિકે મારી સાથે છેતરપિંડી કરી છે. મારે ન્યાય જોઈએ છે.” રાજા કૃષ્ણદેવે તેને પૂછ્યું કે, તારી સાથે શું થયું છે?

નામદેવે રાજાને કહ્યું કે, લગભગ પાંચ દિવસ પહેલા હું હવેલીમાંથી મારા માલિક સાથે પંચમુખી શિવના મંદિરે ગયો હતો. ત્યાં જ ખૂબ જ જોરદાર વાવાઝોડું આવવા લાગ્યું. અમે બંને મંદિરના પાછળના ભાગમાં થોડીવાર રોકાયા. પછી મારી નજર મખમલના લાલ કપડા પર પડી. મેં મારા માલિકની પરવાનગીથી તેને ઉપાડ્યું. જ્યારે મેં જોયું તો ત્યાં એક નાની પોટલી હતી, જેની અંદર બે હીરા હતા.

મહારાજ, તે હીરા મંદિરના પાછળના ભાગમાં પડ્યા હતા, તેથી કાયદા પ્રમાણે તે રાજ્યની મિલકત હતા. પણ હીરા જોઈને મારા માલિકની દાનત બગડી ગઈ. તેમણે મને કહ્યું કે જો તું કોઈને કહે નહિ, તો આપણે બંને એક-એક હીરાને વહેંચી દઈએ. મારા મનમાં પણ લાલચ હતી એટલે મેં આ વાત માટે હા પાડી.

હવેલીમાં પહોંચતા જ મેં માલિક પાસેથી મારા હીરાની માંગણી કરી તો તેણે આપવાની ના પાડી. મેં વિચાર્યું હતું કે હીરા મેળવતા જ હું તેને વેચી દઈશ અને હું મારી નોકરી છોડી દઈશ અને કોઈ ધંધો શરૂ કરીશ, કારણ કે માલિકનું વર્તન મારા પ્રત્યે સારું નહોતું. પછી નામદેવે મહારાજને દુઃખી સ્વરે કહ્યું કે, મેં બે દિવસ સુધી માલિકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે મને હીરા આપવાની સ્પષ્ટ ના પાડી. હવે મારી સાથે ન્યાય કરો.

નામદેવની વાત સાંભળીને બાદશાહે તરત જ પોતાના સૈનિકો મોકલીને નામદેવ જેને ત્યાં કામ કરતો હતો તેમને પોતાના દરબારમાં બોલાવ્યા. તેના આવતાની સાથે જ મહારાજા કૃષ્ણદેવે તેને હીરા વિશે પૂછવાનું શરૂ કરી.

જવાબમાં તેણે કહ્યું કે, આ મારો નોકર જૂઠું બોલી રહ્યો છે. હા, એ વાત સાચી છે કે તે દિવસે અમને મંદિરના પાછળના ભાગમાં હીરા મળ્યા હતા. મેં તે હીરાને રાજકોષમાં પહોંચાડવાનું કહ્યું હતું. ત્યારબાદ બે દિવસ પછી મેં તેની પાસે હીરા જમા કરાવવાની રસીદ માંગી, ત્યારે તે ગભરાઈ ગયો અને મારા ઘરેથી સીધો તમારી પાસે આવ્યો. ત્યારથી તે તમને આ બધી ખોટી વાતો સંભળાવી રહ્યો છે.

પછી મહારાજે નામદેવના માલિકને પૂછ્યું કે, શું તમે તેને કોઈની હાજરીમાં હીરા આપ્યા હતા? નામદેવના માલિકે કહ્યું, હા, મહારાજ, મેં મારા ત્રણ નોકરોની સામે હીરાની પોટલી આને આપી હતી. આ જાણીને રાજા કૃષ્ણદેવે ત્રણેયને બોલાવ્યા. દરબારમાં પહોંચતાની સાથે જ સેવકોએ નામદેવની વિરુદ્ધ નિવેદન આપ્યું અને કહ્યું કે તેમના માલિકે તેમની સામે જ હીરા નામદેવને આપ્યા હતા.

પછી થોડા સમય માટે મહારાજે દરબારમાંથી નીકળી તેમના મંત્રીઓ સાથે ખાનગીમાં સલાહ લેવાનું શરૂ કર્યું. સૌથી પહેલા રાજા કૃષ્ણદેવે કહ્યું કે, મને લાગે છે કે નામદેવ સાચો છે. તેમના અન્ય મંત્રીઓએ કહ્યું કે, મહારાજ, આપણે તે સાક્ષીઓને અવગણી શકીએ નહીં. ત્યારે રાજા કૃષ્ણદેવે તેનાલી રામા તરફ જોઈને ઈશારાથી પૂછ્યું કે, તે શું કહેવા માંગે છે? હસતાં હસતાં તેનાલી રામાએ કહ્યું કે, હું હવે સત્ય અને અસત્ય શોધી કાઢીશ. પણ તમારે લોકોએ થોડીવાર માટે પડદાની પાછળ બેસવું પડશે.

તેનાલી રામાની વાત સાંભળીને રાજાએ એવું જ કર્યું. બીજા મંત્રીઓ પણ રાજાને જોઈ પડદા પાછળ બેસી રહ્યા. હવે તેનાલી રામા પ્રથમ સાક્ષીને બોલાવીને હીરા વિશે પૂછ્યું. તેણે એ જ જૂનો જવાબ આપ્યો. ત્યારે તેનાલી રામા કહ્યું કે, મને કહે કે તે હીરા કેવા દેખાતા હતા? શું તું આ કાગળ પર તેમનો આકાર દોરીને બતાવી શકે છે? સાક્ષીએ કહ્યું કે, તે પોટલીમાં હતા, તેથી તે કેવા દેખાતા હતા તે ખબર નથી.

તેનાલી રામાએ પ્રથમ સાક્ષીને ત્યાં જ રહેવા કહ્યું અને બીજા સાક્ષીને બોલાવીને એ જ પ્રશ્ન પૂછ્યો. બીજા સાક્ષીએ કહ્યું, “મેં તે બંને હીરા જોયા છે.” પછી તેણે એક વિચિત્ર ચિત્ર બનાવ્યું. પછી ત્રીજો સાક્ષી તેનાલી સામે આવ્યો અને જવાબમાં કહ્યું કે, હીરા કાગળમાં વીંટાળેલા હતા તેથી તેણે તે જોયા નથી.

પડદા પાછળ બેઠેલા રાજાએ ત્રણેય સાક્ષીઓની વાત સાંભળી હતી. દરેકની અલગ-અલગ વાતો પરથી સ્પષ્ટ થતું હતું કે નામદેવ સાચું બોલે છે અને તેમના માલિક જૂઠું બોલે છે. ત્રણ સાક્ષીઓ પણ સમજી ગયા કે તેમનું જુઠાણું પકડાઈ ગયું છે. બધાએ મહારાજના પગ પકડીને તેમની માફી માંગી અને કહ્યું કે અમને અમારા માલિકે બોલવાની ફરજ પાડી હતી. જો અમે આ ન કર્યું હોત, તો તેઓએ અમને કાઢી મૂક્યા હોત.

રાજા કૃષ્ણદેવ હવે સીધા દરબારમાં ગયા અને નામદેવના માલિકની ધરપકડ કરી અને તેમના ઘરની તપાસ કરવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી સૈનિકોને તેના ઘરમાં હીરા મળ્યા. પછી શું હતું, મહારાજે હીરા જપ્ત કર્યા અને 30 હજાર સોનાના સિક્કાનો દંડ કર્યો. તેમાંથી રાજાએ નામદેવને 10 હજાર સોનાના સિક્કા આપ્યા.

વાર્તામાંથી બોધ : આ વાર્તામાંથી બે બોધ શીખવા મળે છે. પહેલું એ છે કે કોઈને છેતરવા જોઈએ નહીં, કારણ કે છેતરપિંડીનું પરિણામ ખરાબ જ મળે છે. બીજો બોધ એ છે કે બુદ્ધિમત્તાથી દરેકનું જુઠાણું પકડી શકાય છે.