“ગૌરીનું આણું” – એક કુતરીને લીધે વહુ સાસરે ગઈ અને એકલતા દૂર થઈ, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
664

ગૌરીનું આણું :

ચમનની મા હવે વધુ માંદી રહેતી. એને મનમાં અભરખો હતો, કે ચમનને પરણાવીને જાઉં તો સારું. ચમનના બેન બનેવી વેવાઈને ઘરે જઈ મળ્યા, વાત કરી. સામાવાળા સમજુ હતા. મોટી દિકરીના લગ્ન હમણાં જ કરવાના હતા, તેની સાથે ગૌરીને પણ ફેરા ફેરવી દેવા તૈયાર થયા. પણ ચોખવટ કરી કે ” ગૌરીના આણામાં અમે પહોંચી ના શકીએ. બેયના ખરચાની તૈયારી નથી. ગૌરીનું આણું બે વરસના વદાડે કરશું.“

દિકરાને રંગેચંગે પરણતો જોઈ લીધો. ચમનની માં માંદગીમાંથી બેઠી ના થઈ. ઘરમાં ચમન એકલો રહ્યો. માં માંદી પડી ત્યારથી એ ઘરકામમાં મદદ તો કરતો. હવે સાવ પોતા પર આવ્યું. કામ રડે તેવું રાંધતા ય શીખી લીધું.

ચમનના મોટા સસરાએ દુનિયામાંથી વિદાય લીધી તેનો મેલો આવ્યો. ચમન કોઈ દી ખરખરાના કામે ગયો ન હતો. કુટુંબી મોટોભાઈ વેલજી ભેગો આવ્યો. ચમનને ધરપત થઈ કે ‘ ભાઈ અનુભવી છે. તે કહે તેમ કરવાનું.’

બેય ભાઈ વેવાઈની ગલીને નાકે પહોંચ્યા. થેલીમાંથી ફાળિયા કાઢ્યાં. વેલજીએ કર્યું એમ માથે ફાળિયું ઓઢીને ચમન પણ ‘ ઓ.. ઓ..ઓ..’ કરતો ચાલ્યો.. ત્યાં અચાનક એક કુતરી ભસતી ભસતી દોડી આવી. બેયે ‘ હૈડ.. હૈડ.. ‘ કર્યું. પણ એ ચમનને પગે વળગી. ચોરણી સોંસરવા દાંત ખુંચાડી દીધા.

એમાં હતું એવું કે , ફળિયાની ગલીના નાકે ખાંચામાં કુતરી વિયાણી હતી. તે ખરખરે આવનારની પાછળ પડતી. એને રોકવા લાકડી સાથે એક છોકરાને બેસાડ્યો હતો. પણ આ બેય આવ્યા , તે ટાકણે જ એ આઘોપાછો ગયો હતો.

જેવો તેવો ખરખરો કર્યો. ચમનના સસરા જમાઈને ઘરે લઈ ગયા. મરચાની ભુકીનો પાટો બાંધ્યો. ભુઈમા પાસે દાણા નખાવ્યા. એને ત્રણ દીની આખડી આપી. ત્રણ દિવસ સુધી નદી નાળું વટવું નહીં. ચમનને પરાણે રોકાવું પડ્યું.

ઘરના આઘાપાછા ગયા ત્યારે ગૌરી ખબર પુછવા આવી. ચમને થેલીમાંથી પાવડરનો ડબો અને ચમેલી તેલની શીશી કાઢીને આપી. બેયના મોં હસુ હસુ હતા.

ગૌરીએ પુછ્યું.. ” તમને રાંધતા આવડે છે?”

” હા , પણ જેવું તેવું. “

” તો મારા બાપુને કહોને કે.. આણું વાળી દે.. મને બધું આવડે છે..”

ચમને અચકાતાં અચકાતાં સાસુ પાસે વાત મુકી. સાસુ સસરાએ પરિયાણ કર્યું. ” બિચારા જમાઈ રોટલે દુખી થાય છે. ને ગૌરી સાવ નાની ય નથી. ઘરમાં જાજું કામ નથી. કોઈ આડુંઉભું નથી. અટાણે ચાર જોડ કપડા દઈ દઈએ. પછી તેવડ થાય ત્યારે સવાયું આણું ક્યાં નથી થતું. અને પાણીઢોળ પતે પછી આણું તો વળાય.”

પાણીઢોળ પત્યું. ત્રણ દિવસની આખડી પુરી થઈ. ગૌરીએ બાજરાના લોટનો તેલવાળો શીરો કર્યો. ઠીબડીમાં નાખીને કુતરીને ખવડાવી આવી. મનમાં બોલી ” તું ભલે કરડી. એ બહાને મારું આણું તો થયું. મને હવે એકલું ગમતું ન હોતું. ”

ગૌરી આણું વળીને ચમન સાથે ગઈ.

– જયંતીલાલ ચૌહાણ ૪-૮-૨૧ (અમર કથાઓ ગ્રુપ)