માણસાઈના રંગ : મંદિરમાં દુઃખી બેસેલ અજાણ્યા વ્યક્તિને એક છોકરી પોતાના ઘરે લઇ ગઈ.

0
1334

ભગવાનના મંદિર પરિસરમાં એક વીસ એકવીસ વર્ષનો યુવાન બેઠો છે, દર્શનાર્થીઓની ઘણી અવર-જવર છે. યુવાન વિચારોમાં મગ્ન છે, ચહેરા પર એકદમ હતાશા છવાયેલ છે. ઘડી ભગવાનની મૂર્તિ સામે તાકે છે, તો ઘડીક નીચું માથું કરીને રડમસ થઈ જાય છે. મંદિરથી થોડે દૂર બેઠેલ એક યુવતી એનું સતત નિરીક્ષણ કરી રહી છે, ને સાથે સાથે કંઈક યાદ કરી રહી છે.

એકાદ કલાકનો સમય પસાર થઈ ગયો. યુવાન ઉભો થયોને બહાર નિકળી જાહેર રસ્તા પર આવ્યો. યુવતી એક્ટિવા લઈ ને આવેલ હતી, તે પણ તરત ઉભી થઇ ને એક્ટિવા પર બેસી તરત જ યુવાનની પાછળ ગઈ. યુવાન ભીના ચહેરે રસ્તાની બાજુમાં ઉભો હતો. યુવતીએ યુવાન પાસે એક્ટિવા પાર્ક કર્યું, પાસે આવીને સીધો પ્રશ્ન કર્યો. ‘કોણ છો તમે ? ક્યાંથી આવો છો? મુંઝાયેલ કેમ છો? જે હકીકત હોય તે કહી દો’.

રીતસરનો રડી પડ્યો યુવાન. યુવતી સામે માત્ર જોઈ રહ્યો. તરત જ આંસું લુંછીને સ્વસ્થતા ધારણ કરી લીધી. ટુંકમાં જવાબ આપ્યો, ‘કંઈ નહિ…થોડો લાગણીમય બની ગયો હતો’, યુવતીના પ્રશ્નો ગળી ગયો. યુવતી થોડી મુંઝાઈ. થોડી વાર વિચાર કરીને યુવાનના ખભે હાથ મુકીને પ્રેમથી બોલી, ચાલો મારા ઘેર. પિતાજી આગળ આપના મનનો ભાવ રજૂ કરજો. કદાચ કોઈ રસ્તો મળે!

યુવાન સંકોચ ભાવે યુવતી સામે એકીટશે જોઈ રહ્યો. વિહવળ બનાવી દીધો યુવાનને. જાણે પથ્થરની મૂર્તિ! યુવતીએ યુવાનને હલબલાવી નાખ્યો. આદેશ કર્યો, ચાલો મારે ઘેર.

ક્યાં? કેમ? આપ કોણ છો? કયા સંબંધે લઈ જાઓ છો તમારે ઘેર?

ગંભીર ચહેરે યુવતીએ કહ્યું, હું માનવી છું, તમે અજાણ્યા અતિથિ છો, નાતો માનવતાનો. પિતાજી પાસેથી શીખેલ સંસ્કૃતિના પાઠ તમને આમંત્રણ આપે છે મારે ઘેર આવવાનું.

નિ:શબ્દ બની ગયો યુવાન. કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર યુવતીના ચાલું કરેલ એક્ટિવા પાછળ બેસી ગયો. છતાંય યુવાન એટલું તો પુછી જ બેઠો, એક અજાણ્યા યુવાનને ઘેર શા માટે લઇ જાઓ છો? યુવતીએ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. એક્ટિવા થોડું અંતર ચાલ્યું, યુવતીનું નિવાસસ્થાન આવી ગયું.

મુખ્ય દરવાજે આવીને હોર્ન વગાડ્યું. પંદરેક વરસનો તરૂણ દોડતો દોડતો આવ્યો ને બોલ્યો, લાવો દીદી એકટિવા પાર્ક કરી દઉ. યુવતી અને યુવાન નીચે ઉતર્યા. એક્ટિવા ભાઈને આપ્યું. ભાઈએ પુછ્યૂં, કોણ છે દીદી આ ભાઈ? મહેમાન છે આપણા….

યુવતી ચાલવા લાગી ઘર તરફ પાછળ જોયા વગર.

યુવાન પાછળ ઘસેડાયો. ઘરના પ્રવેશદ્વાર પર સાહજિક નજર પડી. પ્રવેશદ્વાર પર ‘મગનભાઈની મહેર’ લખાણ જોઈને થોડો અચંબીત થઈ ગયો યુવાન. યુવતીની પાછળ પાછળ બેઠક ખંડમાં પ્રવેશ્યો. દિવાલ પર ટીંગાડેલ તસવીર જોઈ. આ શું?

પોતાના જ માતા પિતાની તસવીર જોઈને હચમચી ગયો યુવાન. રસોડામાંથી પાણી ભરીને આવેલ યુવતીને તાળો મળી ગયો. હા,મગનકાકાનો મયંક જ છે આ યુવાન. પિતાજીએ ઘણીવાર બતાવેલ તસવીર તે આ જ મયંકની. લ્યો, પાણી પી લ્યો મયંક. પણ કોણ પ્રત્યુત્તર આપે? મયંક નીચે ફસડાઈ પડ્યો. એક્ટીવા પાર્ક કરીને આવેલ યુવતી આશાનો નાનો ભાઈ વેદ મયંકને જોઈ રહ્યો.

આશાએ ‘મમ્મી જલ્દી આવ, બૂમ પાડી’. આશાનાં મમ્મી સવિતાબેન દોડતાં દોડતાં બેઠક ખંડમાં આવ્યાં. દ્રશ્ય જોયું, પરંતુ આવેલ વ્યક્તિથી અજાણ સવિતાબેન પાસે જઈને આશાએ મમ્મીને ધીમેથી કહ્યું, મગનકાકાનો દિકરો મયંક છે આ.

બીજી હકીકતથી સાવ અજાણ સવિતાબેન જલ્દી જલ્દી મયંક પાસે આવ્યાં. ખભે હાથ મુકીને લાગણીસભર ભાવે બોલ્યાં, ‘બેટા મયંક શું વાત છે?’

નીચે બેસીને માથા પર હાથ ફેરવી ફરીથી બોલ્યાં, ‘શું થયું છે?’ જાણે પોતાની માતાનો જ હાથ ફરી રહ્યો હોય એવું અનુભવતા મયંકે સહેજ માથું ઉંચું કરી સવિતાબેન તરફ નજર નાખી. ચકળવકળ નજરે નાના બાળકની જેમ આ સાવ અજાણ્યા પરિવારને જોતો રહ્યો.

પાણી પીધું, સોફા પર બેઠો. થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ બોલ્યો, ‘આ કોનું ઘર છે? આપ બધાં મને કઈ રીતે ઓળખો છો? બહાર મગનભાઈની મહેર… ઘરમાં મારાં માબાપની તસવીર? મને કંઈ સમજ પડતી નથી.’

સવિતાબેન ભાવાવેશમાં બોલ્યાં, ‘બેટા મયંક, આ તારુ ઘર છે. તારા પિતાજી અમારા ભગવાન છે. બાકીની વાતો તારા કાકા આવીને કરશે પરંતુ તું આમ નર્વસ કેમ છે? ઘેર મગનભાઈ અને ભીખીબેન ક્ષેમકુશળ છે ને? ‘

પુરૂ થયું. મયંક ધૃસકે ધૃસકે રડવા લાગ્યો. સવિતાબેને ખોળામાં લઈને ઉચ્ચક જીવે પૂછ્યું, ‘કંઈક હકીકત બતાવ બેટા.’

ભાવવિહિન ને નિસ્તેજ ચહેરે એટલું જ બોલી શક્યો, મા બાપ હાલ આ દુનિયામાં નથી. હેં? શું કહે છે તું? એટલા જ શબ્દો નિકળ્યા સવિતાબેનના મોંઢેથી. એ પણ ચોધાર આંસુએ રડી પડ્યાં? કોણ કોને સાંત્વના આપે? આશાએ તેના પિતાજી મોહનભાઈને ફોન કર્યો પપ્પા મગનકાકાનો મયંક આવ્યો છે, જલ્દી ઘેર આવો.

મારા બાળ લંગોટીયા મિત્ર, ભાગ્યાનો ભેરૂ, મારા ભગવાન મગનભાઈનો દિકરો મારા ઘેર? શહેરમાં દવાખાનું ધરાવતા ખ્યાતનામ ડોક્ટર મોહનભાઈ પળનોય વિલંબ કર્યા વગર કાર હંકારીને તાબડતોબ ઘેર આવ્યા. બેઠક ખંડમાં પ્રવેશ કરતાં જ કરુણ દ્રશ્ય નજરે જોયું.

શું વાત હશે? કોને પુછું?

પતિ પર નજર પડતાં જ સવિતાબેન તેમની પાસે આવ્યાં. સોફા પર બેસવાનો ઈશારો કર્યો. થડકતા હૈયે બેઠા. પત્નિએ તૂટક તૂટક શબ્દોમાં ભીની આંખે ભગવાન સમાન માનતાં મગનભાઈ અને તેમનાં પત્નીના મોતના સમાચાર આપ્યા.

જીવનની તડકી છાંયડી જોઈ ચુકેલ મોહનભાઈ માથે જાણે આભ તૂટી પડ્યું. સૂનમૂન થઈ ગયા. આશાએ પાણી આપ્યું. અજાણપણે ગળામાં પાણી ઉતાર્યું. કશું સમજાતું નહોતું.

ઉઠીને મયંક પાસે ગયા. મયંક વેદના ભૂલી ને ઉભા થઈને મોહનભાઈના પગે પડવા ગયો, નીચો નમીને પગે પડે એના પહેલાં મોહનભાઈએ બાથ ભરીને હૈયા સરસો ચાંપી દીધો. અશ્રુધારા વહેતી રહી બન્નેની આંખોમાંથી. થોડી હળવાશ થઈ બન્નેને.

અજીબ મિલન છે મયંક અને મોહનભાઈના પરિવારનું. આજે પ્રથમ વાર રૂબરૂ મયંકને જોયો છે સૌએ.

મગનભાઈ ગામડાના એક ખેડૂતનો દિકરો. બાર ધોરણ પાસ. ખેતીની પાંચ વિઘા જમીન. અભ્યાસ વખતે ભણવામાં હોશિયાર. ધોરણ આઠમાં નજીકના શહેરમાં અભ્યાસાર્થે ગયા ત્યાં મોહનભાઈ તેમના સહાધ્યાયી બન્યા. મોહન નજીકના ગામનો ગરીબ પરિવારનો દિકરો. ગત જન્મના લેખ હોય કે ગમે તે પરંતુ બન્ને વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે એનો જોટો જડવો મુશ્કેલ.

સમયને પસાર થતાં વાર ક્યાં લાગે છે? બન્નેનું ધોરણ બારનું પરિણામ આવી ગયું. મગનભાઈ સારા ટકે પાસ થયા, પરંતુ પાંચ ભાઈઓમાં સૌથી મોટા હોવાથી અભ્યાસ પર બ્રેક લાગી ગઈ. બીજી બાજુ મોહન બાર સાયન્સમાં અવ્વલ નંબર રહ્યો. મેડીકલનું ફોર્મ ભરાયું, પ્રવેશ મળ્યો. એમ ડી ડોક્ટર થયો ત્યાં સુધીનો ખર્ચ મગનભાઈએ સગા ભાઈઓના વિરોધ વચ્ચે પૂરો કર્યો.

પોતાના ભાગે આવતી જમીનમાંથી બે વીઘા જમીન ગીરવે મૂકી પરંતુ મિત્રભાવ નિભાવ્યો. ભાઈઓમાં અપ્રિય બની ગયા. અત્યંત મહેનતું અને બુદ્ધિજીવી હોવાથી કયાંય કોઈ તકલીફ નહિ. ખેતી સિવાય પશુપાલન અને અન્ય વેપાર ધંધો કરીને જીવનમાં ઠીક ઠીક પ્રમાણમાં કમાણી કરી લેતા, પરંતુ જીવનનિર્વાહ થાય એટલું બચાવીને બાકીનું સેવા કાર્યોમાં ખરચી કાઢે . ભાઈઓ ગમે તે કહે પરંતુ ભ્રાતૃભાવ આખા પંથકમાં વખણાઈ ગયો. ગામના કોઈ પણ પ્રકારના કાર્યમાં મગનભાઈ હાજર. સૌના માનિતા અને સત્યનિષ્ઠ માનવીનું નામ આપવું હોય તો એ મગનભાઈ. ટુંકમાં માનવધર્મની મિશાલ એટલે મગનભાઈ.

ડોકટર બન્યા પછી મોહન એનું રૂણ ચૂકવતો રહ્યો. ગીરવે આપેલ જમીનેય પાછી મેળવી પરંતુ ભાઈઓના વિરોધને કારણે મોહનભાઈ માટે મગનભાઈના ઘરના દરવાજા બંધ થઈ ગયા. સ્વમાની મગનભાઈને પણ આ બાબતે બરાબર લાગ્યું. કોઈ કદાચ મોહનભાઈની માનહાનિ કરે એના કરતાં એ ના આવે એ ઉત્તમ.

મોરનાં ઈંડાંને ચિતરવાનાં ના હોય. મયંક શરૂઆતથી જ ભણવામાં હોશિયાર. એ પણ આજે એમ બી બી એસ ના ચોથા વર્ષમાં છે. મગનભાઈ પુરા આર્થિક આયોજનથી મયંકને ભણાવી રહ્યા છે, પરંતુ હાય રે વિધિની વક્રતા!

ભર્યો ભાદર્યો માળો પળમાં વિખરાઈ ગયો. મગનભાઈ અને ભીખીબેનને માર્ગ અકસ્માત થયો. પાણીની જેમ પૈસા વહાવ્યા દવાખાને, પરંતુ અઠવાડિયે તો આ સારસ બેલડી સમાન દંપતિ સ્વર્ગે સિધાવી ગયાં. મયંક માથે આભ ફાટ્યું.

સમાજમાં આબરૂદાર અને આગેવાન કુટુંબ હોઈ કારજમાં ભાઈઓએ અઢળક ખર્ચ કરાવ્યો. પંદર દિવસે કારજ અને દવાખાનાનો હિસાબ થયો. મગનભાઈનાં ભેંસો ગાયો વેંચાઈ ગયાં, પાંચ વીઘા જમીન ભાઈઓ પાસે જ ગીરવે મુકાઈ ગઈ. હાય રે કુદરત!

ગમગીન બની ગયો મયંક. કાકા કુટુંબના વ્યવહાર વર્તનથી ભાંગી પડ્યો. આગળ અભ્યાસની ઈચ્છા મરી પરવારી. વિશ્વાસ ઉઠી ગયો જગત પરથી મયંકને. બસ, એક મા બાપના સંસ્કાર/સંસ્કૃતિએ આત્મહત્યા તરફ જતાં રોકી લીધો. વહેલી સવારે ઉઠીને માતાપિતાની છબીને પ્રણામ કરી ચાલવા માંડ્યો મયંક. ક્યાં જવું? શું કરવું?………. વિચારોના વમળમાં ચાલવા જ માંડ્યો, પરંતુ કુદરતની ગતિ ન્યારી છે.

મંદિર પરિસરમાં આશાએ જોયો ને મોહનભાઈના ઘેર મહેમાન બન્યો. વાહ રે! કુદરત.

સાંજનું વાળું કરીને બધાં બેઠાં છે એ વખતે મોહનભાઈને લાગ્યું કે મયંક હવે થોડો સ્વસ્થ દેખાય છે, એટલે ખભે હાથ મુકીને મોહનભાઈએ મયંકને કહ્યું કે, હવે આખી ઘટના કહી સંભળાવ બેટા.

એક એક શબ્દ કહેતો ગયો મયંક. સૌ ગમગીન બનતાં ગયાં. માનવતાનો અનન્ય લાગણી પ્રવાહ સૌની આંખોમાંથી ટપકતો રહ્યો. મોહનભાઈએ મયંકને છાતી સરસો ચાંપી દીધો. સવિતાબેન માથા પર હાથ પસવારતાં રહ્યાં. લોહીના સબંધો આગળ માનવતાના સબંધો આગળ નિકળી ગયા. પુરુ રડી લેવા દીધો મયંકને…..ધીરેધીરે થોડો સ્વસ્થ થયો મયંક.

આશાએ સૌને પાણી આપ્યું. મોહનભાઈએ મગનભાઈ સહાધ્યાયી હતા, ત્યાંથી માંડીને ડોક્ટર બન્યા ત્યાં સુધીની મગનભાઈની ભૂમિકા શું હતી? તે શબ્દશ:વર્ણન કર્યું…. મયંક આ વૃતાંત સાંભળીને હળવો થઈ ગયો. એ વખતે જ સવિતાબેને વિનવણી જેવા સ્વરે કહ્યું, ‘અમને એ ઋણ ચૂકવવાનો મોકો આપ. બેટા મયંક, તારે અહીં જ રહીને એમ બી બી એસ /એમ ડી પુરુ કરીને મારી દિકરી આશાનો હાથ પકડી તારા વતનમાં મગનભાઈના વ્યક્તિત્વને સેવારુપી શ્રધ્ધાંજલિ આપવા જવાનું છે’.

સમયના સોનેરી વહેણમાં ડો. મયંક અને ડો. આશા, બન્ને પતિ પત્ની આજે મગનભાઈના સેવાધર્મને ઉજાળી રહ્યાં છે. આલીશાન ઘર પર સ્પષ્ટ અક્ષરો દેખાય છે “મોહનભાઈની મમતા”

(રચના:-નટવરભાઈ રાવળદેવ થરા, અમર કથાઓ ગ્રુપ)