શિષ્યમાં આવ્યો પોતાની કળા પ્રત્યે અહંકાર અને કરી દીધું ગુરુનું અપમાન, જાણો પછી ગુરુએ શું કર્યું.

0
693

જયારે લોકોને તેમના કામની વધુ કિંમત મળવા લાગે છે, તો તેમને લાગે છે કે તેઓ એ કામમાં નિપુણ થઈ ગયા છે અને હવે તેમણે તેમાં કાંઈ વધુ શીખવાની જરૂર નથી. એવું વિચારીને તેમનામાં અહંકારની ભાવના આવી જાય છે. જયારે સત્ય એ હોય છે કે દરેક કામ થોડું વધુ સારું કરવાની શક્યતા હંમેશા જળવાઈ રહે છે.

પોતાના કામમાં સુધારો લાવવા માટે તમારે અનુભવી વ્યક્તિની સલાહ માનવી પડે છે, નહિ તો તમારી કળા ત્યાં સુધી જ મર્યાદિત રહી જાય છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જેનો સાર એ છે કે વ્યક્તિએ હંમેશા પોતાના કામમાં સુધારો કરતા રહેવું જોઈએ.

પહેલાના સમયમાં એક આશ્રમમાં ગુરુ અને શિષ્ય મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા. મૂર્તિઓ વેચીને જે ધન મળતું હતું, તેમાંથી જ બંનેનું જીવન ચાલી રહ્યું હતું. ગુરુએ આપેલી તાલીમથી શિષ્ય ઘણી સારી મૂર્તિ બનાવવા લાગ્યો હતો અને તેની મૂર્તિઓ વધુ કિંમતમાં વેચાવા લાગી હતી.

થોડા જ દિવસોમાં શિષ્યને એ વાત ઉપર ઘમંડ થવા લાગ્યો કે હું વધુ સારી મૂર્તિઓ બનાવવા લાગ્યો છું. જોકે તેના ગુરુ રોજ તેને એવું કહેતા હતા કે દીકરા વધુ મન લગાવીને કામ કર. કામમાં હજુ પૂરી કુશળતા નથી આવી. આ વાતો સાંભળીને શિષ્યને લાગતું હતું કે ગુરુજીની મૂર્તિઓ મારાથી ઓછા ભાવમાં વેચાય છે, એટલા માટે તે મારાથી ઈર્ષા કરે છે અને આવી વાતો કરે છે.

જયારે થોડા દિવસો સુધી સતત ગુરુએ તેને વધુ સારું કામ કરવાની સલાહ આપી તો એક દિવસ શિષ્યને ગુસ્સો આવી ગયો. શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી હું તમારાથી સારી મૂર્તિઓ બનાવું છું, મારી મૂર્તિઓ વધુ કિંમતમાં વેચાય છે, છતાંપણ તમે મને જ સુધારો કરવા માટે કહો છો.

ગુરુ સમજી ગયા કે શિષ્યમાં અહંકાર આવી ગયો છે, તે ગુસ્સે થઇ રહ્યો છે. તેમણે શાંત સ્વરમાં કહ્યું કે, દીકરા જયારે હું તારી ઉંમરનો હતો, ત્યારે મારી મૂર્તિઓ પણ મારા ગુરુની મૂર્તિઓથી વધુ ભાવમાં વેચાતી હતી. એક દિવસ મેં પણ તારી જ જેમ ગુરુને આવી વાત કરી હતી. તે દિવસ પછી ગુરુએ મને સલાહ આપવાનું બંધ કરી દીધું અને મારી કળાનો વિકાસ ન થઇ શક્યો. હું નહોતો ઈચ્છતો કે તારી સાથે પણ તે થાય જે મારી સાથે થયું હતું.

આ વાત સાંભળીને શિષ્ય શર્મસાર થઈ ગયો અને ગુરુની માફી માંગી. ત્યાર પછી તે ગુરુની દરેક અજ્ઞાનું પાલન કરતો અને ધીમે ધીમે તેને પોતાની કળાને કારણે દુર દુર સુધી ખ્યાતી મળવા લાગી.

શીખ : પોતાના ગુરુનું પૂરું સન્માન કરવું જોઈએ અને ગુરુની આપવામાં આવેલી સલાહ ઉપર ગંભીરતાથી કામ કરવું જોઈએ. ગુરુ સામે ક્યારે પણ તમારી કળા ઉપર ઘમંડ ન કરવો જોઈએ, નહિ તો તમારી યોગ્યતામાં સુધારો નથી આવી શકતો. સાથે જ એ પણ ધ્યાન રાખો કે, દરેક કામમાં વધુ સારું કરવાની આશા હંમેશા જાળવી રાખવી જોઈએ.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.