કૂતરો હોડીમાં ઉછળકૂદ કરવા લાગ્યો તો બધા ગભરાય ગયા, સંતે તેને નદીમાં ફેંકી દીધો, જાણો પછી શું થયું

0
813

એક પ્રસિદ્ધ કહેવત છે કે – જિસકે પૈર ન હુઈ બિવાઈ, વો ક્યા જાને પીર પરાઈ. આનો અર્થ એ છે કે પગમાં ફોલ્લાના દુઃખનો અનુભવ તેને જ થઈ શકે છે, જેની સાથે તેવું ક્યારેક બન્યું હોય છે. આજે અમે તમને એક એવી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે આપણે ક્યારેય બીજાના દુઃખનું કારણ ન બનવું જોઈએ.

જ્યારે હોડીમાં બેઠેલો કૂતરો ઉછળકૂદ કરવા લાગ્યો :

એક શહેરમાં એક શેઠ રહેતા હતા. તે હંમેશા પોતાનો કૂતરો પોતાની સાથે રાખતા હતા. એકવાર શેઠને બીજા ગામમાં જવા માટે હોડીમાં બેસવું પડ્યું. શેઠ કૂતરાને પણ સાથે હોડીમાં લઈ ગયા. કૂતરો પહેલીવાર હોડીમાં બેઠો હતો. નદીમાં હોડી ઝડપથી આગળ વધી રહી હતી. ચારે બાજુ પાણી જોઈને કૂતરો ઉછળકૂદ કરવા લાગ્યો.

હોડીમાં બેઠેલા તમામ લોકો થોડીવાર ચુપચાપ બેસી રહ્યા, પરંતુ કૂતરો લાંબો સમય આવું કરતો રહ્યો આથી બધાને ડર લાગવા લાગ્યો કે કૂતરાના ઉછળકૂદ કરવાથી હોડી ડૂબી જશે. લોકોએ શેઠને કૂતરાને રોકવા માટે કહ્યું. શેઠે પ્રયત્ન કર્યો પણ કૂતરો શેઠની વાત માનવા તૈયાર નહોતો.

જ્યારે કૂતરાની ઉછળ કૂદ વધવા લાગી તો વધારે ડરી ગયા. એ જ હોડીમાં એક બુદ્ધિમાન સંત પણ બેઠા હતા. સંતે શેઠને કહ્યું કે, “જો તમે મને પરવાનગી આપો, તો હું તેને ટુંક સમયમાં ઠીક કરી શકું છું.”

શેઠે કહ્યું, “તમને જેમ યોગ્ય લાગે એવું કરો, નહીંતર આ કૂતરો આજે આપણા બધાને ડુબાડી દેશે.” પછી સંતે તે કૂતરાને પકડીને નદીમાં ફેંકી દીધો. કૂતરો પોતાનો જીવ બચાવવા ઝડપથી પગ ચલાવવા લાગ્યો. કૂતરો જેમ તેમ કરીને હોડીમાં ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેને મ-રુ-ત્યુનો ભય સતાવવા લાગ્યો. કૂતરો હોડી પાસે આવ્યો કે તરત જ સંતે તેને પકડીને હોડીમાં બેસાડ્યો.

હવે કૂતરો ચૂપચાપ જઈને તેના માલિક પાસે બેસી ગયો. કૂતરાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. થોડા સમય પહેલા ઉછળ કૂદ કરતો કૂતરો એકદમ શાંત થઈ ગયો હતો. શેઠે સંતને આનું કારણ પૂછ્યું. સંતે કહ્યું કે, જ્યારે કૂતરાને પાણીમાં ફેંકવામાં આવ્યો ત્યારે તે સમજી ગયો કે તેનો જીવ જોખમમાં છે. આ સમજ્યા પછી તે ચુપચાપ બેસી ગયો, કારણ કે જ્યાં સુધી સમસ્યા પોતાના પર ન આવે ત્યાં સુધી કોઈ તેને સમજી શકતું નથી.

સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે… જ્યાં સુધી આપણે પોતે કોઈ મુસીબતમાં ન ફસાઈએ ત્યાં સુધી આપણે બીજાની તકલીફોનો અંદાજ પણ લગાવી શકતા નથી. એટલા માટે આપણે પણ બીજાની તકલીફોને સમજવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે આપણા કારણે બીજા કોઈને તકલીફ ન પડે.