“આશ્વાસન” કઈ હદે લોકોને બચાવી શકે છે તે જાણવા આ ટૂંકો પ્રસંગ વાંચો.

0
432

અનિલ 24 વર્ષ નો યુવા.. કેમિકલ એન્જીનીયર હતો.. સુરત પાસે હજીરા માં આવેલી એક મોટી કેમિકલ ફેક્ટરી માં નોકરી એ લાગ્યો હતો.. સારો પગાર હતો… પપ્પા ની નાની પ્લાસ્ટિક ફેક્ટરી હતી… એક મોટોભાઈ હતો… પપ્પા સાથે ફેક્ટરી માં હતો. 6 મહિના પહેલા જ એના લગ્ન થયા હતા.. સુંદર ભાભી હતા… એક નાની બેન હતી કોલેજ પુરી કરી છે.. ભાઈ બેન બંને ના લગ્ન માટે યોગ્ય પાત્ર ની શોધ ચાલુ હતી.. મમ્મી હાઉસવાઈફ હતા.. આર્થિક સ્થતી મીડીયમ… ખાધે પીધે સુખી..

આજે જ સવારે અગિયાર વાગે એના ભાઈ નો ફોન આવ્યો.. પપ્પા ને એટેક આવ્યો છે. મણિનગર સત્ય હોસ્પિટલ માં એડમિટ કર્યા છે… ડોક્ટરે 36 કલાક ની મુદત આપી છે.. અનિલ તરત રજા લઈને સુરત નીકળ્યો અને સુરત થી 2:00 વાગે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પકડી… ખૂબ ટેન્શન માં હતો… પપ્પા ની ચિંતા માં હતો… વારે વારે આંખો ભીની થઇ જતી હતી..

અનિલ ની સામે ની સીટ ઉપર એક બાવન પંચાવન વર્ષ ના દેખાતા કાકા બેઠા હતા.. સ્થિર અને પ્રભાવી હતા.. અનિલ ની પરિસ્થિતિ જોઈ કળી ગયા કે કોઈ ગંભીર મેટર છે… છોકરો એકલો છે.. તકલીફ માં છે.. એમણે અનિલ ને પાણી આપ્યું… પ્રેમ થી.. શું થયું ભાઈ?

અનિલ નું હૈયું ભરાઈ આવ્યું.. અત્યાર સુધી મન માં રડતો અનિલ ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ પડ્યો… એ કાકાએ એનું માથું પોતાના ખભે લઇ ને એને આશ્વાસન આપ્યું…

થોડી વાર રડવા દીધો પછી પાણી આપ્યું… અનિલે પાણી પીધું ને થોડો શાંત થયો.. કાકા એ કહ્યું… શું થયું ભાઈ, કોઈ તકલીફ..

અનિલે આંખ માં આંશુ સાથે ભાઈનો ફોન આવ્યો’તો પોતાના પપ્પા ની એટેક ની વાત કરી… તે સિરિયસ છે… ડોક્ટરે 36 કલાક ની મુદત આપી છે. એ જણાવ્યું…

ચમનલાલ શાંતિ થી સાંભળી ને ચિંતા ના કરવા જણાવ્યું… ઈશ્વર સૌ સારું કરશે… એમ આશ્વાસન આપ્યું… ભરૂચ આવ્યું એટલે ચા લીધી અનિલને આપી અને પોતે પણ લીધી… અનિલ ની આંખો ફરી ભીની થતી..

ચા પીને કાકાએ વાત શરૂ કરી.. ભાઈ સમસ્યા કોને નથી.. જો મારી જ વાત કરું…. હું ચમનલાલ રાજકોટ રહું છું.. મને પણ ગયા વર્ષે જ એટેક આવ્યો હતો… છ દિવસ હોસ્પિટલ માં રહેવું પડયું… અમારા ઘર ની તો પરિસ્થિતિ પણ કેટલી ખરાબ… તમારે તો સારું છે.. પપ્પા ની દેખરેખ માટે રામ, લક્ષ્મણ જેવા બે ભાઈઓ છો..

અનિલ ને વાત નો વિષય બદલાયો એ પોતાના દુઃખ ને ભુલ્યો.. થોડો શાંત થયો ને ચમનલાલે વાત આગળ ચલાવી.. મારા પિતા હું પાંચ વર્ષ નો હતો ત્યારેજ ભગવાન ના ઘેર જતા રહ્યા.. મને તો મારા પિતા નો ચહેરો પણ યાદ નથી.. મારા બા પિયર આવી ગયા.. એટલે મારો ઉછેર મામા ને ત્યાં થયો…
8 પાસ કર્યું ને મામા એ ભણવાનું બંધ કરાવી કારખાને લગાવ્યો.. ખૂબ મજૂરી કરી..

20 વર્ષ ની ઉંમરે લગ્ન થયા ને ભાડા ના મકાન માં રહેવા નું શરૂ થયું…. ત્રણ દીકરા અને એક દીકરી નો બાપ બન્યો.. ઓછી આવક માં જેમ તેમ તાણી તુસી ને ઘર ચાલતું.. મારો વચલો દીકરો છ વર્ષ નો હતો અને એને પોલિયો થયો.. એના પગ જતા રહ્યા…. એ અપંગ થઈ ગયો.. મોટો ભણવામાં નબળો જેમતેમ કરી ને 12 સુધી ભણ્યો … પછી મારી જેમ કારખાના માં નોકરી એ લાગ્યો..

નાનો ભણવામાં હોશિયાર હતો.. ભણવા માં કોલેજ સુધી પહોંચ્યો… જેમ તેમ કરી પૈસા નું દેવું કરીને તેને ભણાવતો જેથી અમારું ઘર ઊંચું આવે… મોટા દીકરા અને દીકરી ના એક ખર્ચ માં સાદાઈ થી લગ્ન કર્યા.. મોટો દીકરો એક દીકરા અને એક દીકરી નો બાપ બન્યો..

જમાઈ ની નોકરી છૂટી એટલે એના સબંધી સાથે મુંબઇ આવ્યા. ત્યાર થી દીકરી અમારા ભેગી છે.. નાના દીકરા ને કોલેજ માં એક છોકરી સાથે મન મળી ગયું…અમે રહ્યા ગરીબ અને એ પૈસાદાર ની છોકરી… અમે ઘણી ના પાડી પણ મારો દીકરો ના માન્યો… છોકરી ને લઇ ને ભાગ્યો.. અને પંદર દિવસે હાઇવે ઉપર એની લાશ મળી..

ચમનલાલ ની આંખો ભીની થઇ ગઇ… ચમનલાલ ની પોતાની જીવન કહાની વાત કરવાની ઢબ થી અનિલ એમની વાત ધ્યાન થી સાંભળતો.. ચમનલાલ ખુબજ લાગણી થી વાત કરતા.. વડોદરા આવ્યું.. ચમનલાલે ભજીયા નો નાસ્તો કરવાની ઈચ્છા કરી…

હું ભજીયા લઇ આવું.. સવાર નો જમ્યો નથી…

અનિલે કહ્યું કાકા તમે બેસો હું લઇ આવું.. અનિલ નાસ્તો અને ચા લઇ આવે છે.. બંને સાથે ચા નાસ્તો કરે છે.. ગાડી ધીરે ધીરે આગળ વધે છે.. અને ચમનલાલ ની વાત પણ આગળ વધે છે..

જવાન દીકરા ની કાંધ દેવી એ કેટલું અઘરું છે.. મેં એ અનુભવ્યું છે.. બેટા… અને આ નહીં… પણ ગઈ દિવાળી એ મારા મોટા દીકરા.. અને ચમનલાલ નું હૈયું ભરાઈ આવે છે… આંખો માંથી આંશુ ઉભરાઈ આવે છે.. અનિલ એમને શાંતવન આપે છે.. પાણી આપે છે…

પાણી પી ને થોડા શાંત થઈ ને પોતાની જીવન કહાની આગળ વધારે છે.. ગઈ દિવાળી એ મારા મોટા દીકરા નો ફેક્ટરી માં અકસ્માત થયો … એ પણ બે બાળકો મૂકી ને અમને છોડી ને જતો રહ્યો… બે જવાન છોકરાઓ ને ગુમાવવા નું દુઃખ હું જાણું છું… એના ચાર મહિના પછી મને એટેક આવ્યો..

ઘરમાં કામનારું કોઈ નહી… અને ઘર અને હોસ્પિટલ ના ખર્ચ.. લોકોને મદદ અને ઉધારી થી અમારું ઘર ચાલ્યું…

નાના નાના બે બાળકો.. મોટા દીકરાની વિધવા વહુ, અપંગ છોકરો, પિયર રહેતી છોકરી… જમાઈ એ ભાડાના ઘર ની વ્યવસ્થા કરી.. તે અત્યારે દીકરી ને મુંબઇ જમાઈ પાસે મૂકી ને આવું છું.. અનિલ એમને ધરપત આપે છે… આઠ વાગે છે..

મણિનગર રેલવેસ્ટેશન આવવાની તૈયારી હોય છે… અનિલ ચમનકાકા ને કોઈ રીતે મદદ રૂપ થઈ શકું એ પૂછે છે..

પોતાનું અડ્રેસ ને ફોન નંબરે આપે છે.. પૈસા આપવા પ્રયત્ન કરે છે.. ચમનકાકા તે લેવાની ના પડે છે… અનિલ ગાડી માંથી ઊતરે છે…

રીક્ષા કરીને સીધો પપ્પા ને જ્યાં એડમિટ કર્યા હોય છે.. ત્યાં સત્ય હોસ્પિટલ પહોંચે છે.. ભાઈ ને મળે છે.. પપ્પા ની તબિયત સુધારા ઉપર છે.. પપ્પા ને મળે છે. તેને શાંતિ થાય છે..

અડધો કલાક પછી ભાઈ તેને ઘેર જઈ આરામ કરવાનું કહે છે.. હા ના કરતા અનિલ ઘેર પહોંચે છે…

બીજા દિવસે ચા નાસ્તો લઈને સવારે નવ વાગે તે હોસ્પિટલ જાય છે..

ત્યાં જુએ છે.. ચમનલાલ ભાઈ ની સાથે હોય છે ને વાતો કરતા હોય છે..

અનિલ ને આશ્ચર્ય થાય છે.. પાસે પહોંચે છે.. ચમનલાલ પણ અનિલ ને જોઈ ને આશ્ચર્ય પામે છે…

ત્યાં અનિલ નો ભાઈ તેમની ઓળખાણ કરાવે છે.. આ ચંદ્રકાંતભાઈ જોષી.. કંકારીયે લાફિંગ ક્લબ ના સંચાલક અને મોટિવેશન ટીચર…વટવામાં મોટી મશીનરી બનાવવા ની ફેક્ટરી ના મલિક છે.. આપણે ત્યાં એમની જ મશીનરી લાગેલી છે…

છોકરાઓ ને વહેપાર સોંપી હવે સમાજ સેવા નું કામ કરે છે… લોકોની તંદુરસ્તીની ચિંતા કરે છે.. અમદાવાદ માં 24 લાફિંગ ક્લબ શરૂ કરી છે .. એના તે સંચાલક છે…

ચંદ્રકાન્તભાઈ ના મોઢા પણ હળવું સ્મિત હતું..

અનિલે કહ્યું સમાજસેવા એટલે શું? એ મેં કાલે જ જાણ્યું… ચંદ્રકાંતભાઈ પાસેથી….

– અંકુર ખત્રી. (અમર કથાઓ ગ્રુપ)